રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પાટણ અને બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, ડીડીઓ અને પોલીસ વડા પાસેથી રજે-રજની વિગતો મેળવી
બિપરજોય વાવાઝોડું આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા હાલ જણાય રહી છે. રાજ્ય સરકાર છેલ્લા ત્રણેક દિવસથી એલર્ટ મોડમાં આવી ગઇ છે. જે જિલ્લામાં વાવાઝોડાની સૌથી અસર વર્તાવાની છે. તે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વીડીયો કોન્ફરન્સ યોજી હતી. દરમિયાન રાજ્ય સરકારના તમામ મંત્રીઓ હાલ અલગ-અલગ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા માટે પ્રવાસ પર હોય દર બુધવારે મળતી કેબિનેટ બેઠક રદ્ કરવામાં આવી હતી. સીએમ દ્વારા તમામ 10 જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનીસિપલ કમિશનર, પોલીસ વડા, પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવને સતત એલર્ટ રહેવા તાકીદ કરી હતી.
બિપરજોય વાવાઝોડાથી રાજ્યમાં ઓછી નુકશાની થાય તે માટે રાજ્ય સરકાર સતત એલર્ટ મોડમાં છે. ગઇકાલે સાંજે મુખ્યમંત્રી ખૂદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચી ગયા હતા અને વિગતો જાણી હતી. દરમિયાન બે દિવસથી મંત્રી મંડળના સભ્યોને અલગ-અલગ જિલ્લામાં મોકલી દેવામાં આવ્યા છે. જેના કારણે દર બુધવારે મળતી રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યોની બેઠક રદ્ કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બિપરજોય વાવાઝોડાની અસર રાજ્યના જે 10 જિલ્લા પર થવાની સંભાવના છે.
તેવા કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રભારી સચિવ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, રાજકોટ, જામનગર અને જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનર સાથે એક વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં સીએમ હાલ તમામ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ ઉપરાંત જો વાવાઝોડું ત્રાટકે તો તેના માટે રાહત અને બચાવની કામગીરી માટેની તૈયારી સ્થળાંતરની વિગતોની જાણકારી મેળવી હતી. હાલની સ્થિતિ અને વાવાઝોડુ ત્રાટકે ત્યારે શું કરી શકાય તેની વિગતવાર માહિતી મેળવી હતી. દરમિયાન સીએમ દ્વારા જરૂરી સુચના પણ આપવામાં આવી હતી.
કેબિનેટ બેઠક રદ્ કરવામાં આવી છે. તમામ મંત્રીઓને વાવાઝોડાના અસરગ્રસ્ત જિલ્લામાંથી પળેપળની માહિતી આપવા માટે પણ તાકીદ કરી હતી. આગામી 24 કલાક ગુજરાત માટે ખૂબ જ મહત્વના છે. આવતીકાલે બપોરે બિપરજોય કચ્છના જખૌના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના જણાય રહી છે.
ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે પહોચ્યા
ઉચ્ચ સ્તરિય બેઠક યોજી વાવાઝોડાના સંકટ સામે લડવા વહીવટી તંત્રના આયોજનની વિગતો જાણી
આઠ જિલ્લામાં 37794 લોકોનું સલામત સ્તળે સ્થળાંતર: 869 મીઠાના અગર ખાલી કરાવાયા
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીની અદ્યતન માહિતી મેળવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવ સામે તંત્રની સજ્જતા અંગે તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી.
મુખ્ય સચિવશ્રી રાજકુમારે જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજેલી બેઠકની માહિતી મુખ્યમંત્રીશ્રીને આપતા જણાવ્યું કે સુરક્ષા અને સલામતીના પગલાંના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 37,794 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાંથી 6229 અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગની સજ્જતા અંગે તેમણે કહ્યું કે વિભાગ દ્વારા જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં 157 (108) એમ્બ્યુલન્સ સેવાઓ સહિત કુલ 239 એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે.
કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા 4 સી.ડી.એચ.ઓ – 1પ મેડીકલ ઓફિસર-સંયુકત પશુપાલન નિયામક ફરજરત કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગના વર્તારા અનુસાર આગામી 14 અને 1પ જૂનના દિવસોમાં આ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતાઓ દર્શાવાઇ છે. કચ્છ જિલ્લામાં આ વાવાઝોડાની વ્યાપક અસરની શકયતાને પગલે કચ્છમાં 40 હજારથી વધુ ફૂડ પેકેટ- બે હજાર કિલોગ્રામ મિલ્ક પાવડર-4પ હજાર ટ્રેટાપેક મિલ્ક જરૂરતમંદ લોકોને પહોંચાડવા તૈયાર કરવામાં આવ્યા છે.
માર્ગ-મકાન વિભાગે 115 ટીમો બનાવીને આ જિલ્લાઓમાં કાર્યરત કરી છે. 167 જે.સી.બી-ર30 ડમ્પર સહિત 9ર4 મશીનરી-વાહનો સાથે માર્ગ-મકાન વિભાગ સજ્જ-કચ્છમાં ખાસ એસ.ઇ ને ફરજ સોંપાઇ છે.
એટલું જ નહિ, ઊર્જા વિભાગે 8 સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં 597 સહિત કુલ 889 ટીમ સ્ટેન્ડ બાય રાખી છે અને આ આઠ જિલ્લાઓના 69પ0 ફિડરો પરથી મળતા વીજ પૂરવઠાને અસર ન પહોંચે તેની પણ તકેદારી રાખી છે.
ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝૂંપડાઓ કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતી અને જરૂર જણાયે બચાવ રાહત માટે એનડીઆરએફની 1પ તથા એનડીઆરએફની 12 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.સાવચેતીના પગલારૂપે આ દરિયાઇ વિસ્તારના આઠ જિલ્લામાં કુલ 4050 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.
ભારે વરસાદ કે વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયો ઓપરેટર, જી-સ્વાન નેટવર્કની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે, મોબાઇલ સર્વિસ ઓપરેટર્સને પણ તકેદારીના ભાગરૂપે અલ્ટરનેટીવ ટાવર્સ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે તેમ મુખ્ય સચિવએ ઉમેર્યું હતું.
સૌરાષ્ટ્રમાં એન.ડી.આર.એફ.ની 16 ટીમો દ્વારા રાહત બચાવની કામગીરી
કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી રેસ્કયુની કાર્યવાહી
કુદરતી આફત, ગંભીર દુર્ઘટનાઓ તથા અણધારી આપત્તિઓ સમયે જીવન રક્ષક કામગીરી અર્થે ડિફેન્સ વિંગ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.) ની 16 બટાલિયન સમગ્ર ભારતમાં કાર્યરત છે. ગુજરાત ખાતે સિક્સ બટાલિયનની એક એક કંપની અમદાવાદ, વડોદરા, ગાંધીનગર તેમજ અજમેર ખાતે કાર્યરત છે.જેઓ જરૂરિયાત મુજબ અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ અર્થે મોકલવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં હાલ બિપરજોય વાવાઝોડાને અનુલક્ષીને 16 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. રાજકોટ ખાતે એન.ડી.આર.એફ. ના ડેપ્યુટી કમાન્ડર અજયકુમાર સિંહ પરિસ્થિતિનો કયાસ કાઢવા માટે આવી પહોંચ્યા હતાં.
અજયકુમારે જણાવ્યું હતું કે, આગામી તા. 14, 15 જુનના રોજ બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે સૌરાષ્ટ્રમાં કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી કુલ 16 ટીમો અને એક ટીમ દીવ અને એક ટીમ સાઉથ ગુજરાતમાં પહોંચી ચુકી છે.
ટીમ દ્વારા સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ આ વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓને સમજાવી સુરક્ષિત જગ્યાએ શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
વાવાઝોડા દરમ્યાન ભારે પવનના કારણે વૃક્ષ, થાંભલાઓ કે કાચા મકાનો પડી જવા જેવી ઘટના બને છે. આ તકે સ્થાનિક પ્રસાશનના સંપર્કમાં રહી રોડ-રસ્તા ખુલ્લા કરવા, મકાનોમાં લોકો ફસાયા હોય તો તેઓને સુરક્ષિત બહાર કાઢવા સહિતની કામગીરીમાં એન.ડી.આર.એફ. ના જવાનો જરૂરી સાધન સામગ્રી સાથે મદદરૂપ બનશે તેમ શ્રી અજયકુમાર આ તકે જણાવ્યું હતું .
રાજકોટ ખાતે હાલ ઇન્સ્પેકટર વિજયકુમારના નેતૃત્વમાં વડોદરા એન.ડી.આર.એફ. ની ટીમના 20 જવાનો ફાયર વિભાગ સાથે સતત કાર્યરત છે. તેઓના જણાવ્યા મુજબ એક ટ્રક ભરીને સમાન અમારી સાથે લાવ્યા છીએ. જેમાં ગેસોલીન, ઇલેક્ટ્રિક કટર કે ઝાડ કે લોખંડ કાપવા ઉપયોગી હોય છે. આ ઉપરાંત બ્લેડ, આર,આર, આર.પી.એસ. હથિયારો, બોટ, લાઈફ જેકેટ, રસ્સી સામેલ છે.
આ માટે ફોર્સના વિવિધ વિભાગના જવાનોને ખાસ છ માસની એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેઓનો કાર્યકાળ સામાન્ય રીતે 7 વર્ષનો હોય છે.
વાવાઝોડામાં ઘરમાં જ રહેવા મુખ્યમંત્રીની લોકોને અપીલ
સ્થળાંતર સહિતની કામગીરીમાં તંત્રને સહયોગ આપવા પણ અનુરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાના સંભવિત ખતરાને પહોચી વળવા તેમજ જનતાની સલામતી અને રાહત-બચાવ કામગીરીમાં સહયોગ કરવા અપીલ કરી છે. નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ-નિર્દેશીકાનું પાલન કરવા જણાવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ બિપરજોય વવઝોડાની આ સંભવિત આપતીને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી.
ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કરેલી અપિલમાં જણાવ્યું કે, ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત, પૂન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે. મુખ્યમંત્રીએ નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ-નિર્દેશીકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે.
તેમણે ઉમેર્યું કે, ખાસ કરીને ભારે વરસાદ અને તિવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નિકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દૂર રહીએ. મુખ્યમંત્રીએ સૌને જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સલામતી, સાવચેતી અને અગમચેતી એ જ આવી આપદાઓ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે અને આવા સમયે રાજ્ય સરકાર દિવસરાત સૌની સલામતિ માટે સેવારત છે, એમ તેમણે ઉમેર્યું હતું.