કાંગશીયાળીમાં કરોડોની કિંમતી સરકારી જમીન મુળ હેતુને બદલે નર્સીંગ કોલેજને આપી દેવાતા જમીન ખાલસા કરાઈ હતી: ૨૦૧૪માં હાઈકોર્ટમાં ટીબી હોસ્પિટલની તરફેણમાં ચુકાદો આવતા સરકારે કલેકટરને પત્ર પાઠવી લડત પૂર્ણ થઈ હોવાની સુચના આપી

રાજકોટમાં ક્ષય રોગના દર્દીઓની સારવાર માટે શહેરની ભાગોળે કાંગશીયાળી ખાતે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ૨૨ એકર જમીન એ.વી.જસાણી ટીબી હોસ્પિટલ ટ્રસ્ટે બારોબાર નર્સીંગ અને પેરામેડિકલ કોલેજને આપી દેતા જિલ્લા કલેકટર દ્વારા શરતભંગ ગણી આ જમીન ખાલસા કરવા કરેલા હુકમ બાદ ચાલતા કાનુની જંગમાં અચાનક જ ગુજરાત સરકારે યુ-ટર્ન લઈ હાઈકોર્ટમાં ટ્રસ્ટની જીત સામે કાનુની લડત આપવાના બદલે હવે આ પ્રકરણમાં કંઈ જ કરવાનું થતું નથી તેવો ચાર લીટીનો પત્ર જિલ્લા કલેકટરને પાઠવી દેતા આશ્ર્ચર્ય સર્જાયું છે.

જાણવા મળતી વિગતો મુજબ પચાસેક વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના ટીબીના દર્દીઓને મફત સારવાર મળી રહે તેવા ઉમદા ધ્યેય સાથે સરકાર દ્વારા રાજકોટની ભાગોળે કાંગશીયાળી સર્વે નં.૮૮ પૈકીની ૨૨ એકર જમીન એ.વી.જસાણી ટીબી હોસ્પિટલ ટ્રસ્ટને ફાળવી હતી પરંતુ સમય જતા ટીબીના દર્દીઓની સંખ્યા ઘટી જતા આ હોસ્પિટલ નામની જ રહી હતી. બીજી તરફ ટ્રસ્ટ દ્વારા પોતાના ટ્રસ્ટમાં આત્મીય સંકુલના હોદેદારોને એન્ટ્રી આપી ટીબી હોસ્પિટલમાં જ નર્સિંગ અને પેરામેડિકલ કોલેજ શરૂ કરી દેતા આ મામલે નાથાલાલ આંબલીયા નામના વ્યકિતની ફરિયાદના આધારે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તપાસ કરી શરતભંગના પગલા લેવાયા હતા.

વધુમાં આ ચર્ચાસ્પદ અને ચકચારી પ્રકરણમાં નાયબ કલેકટરે રાજકોટે ૨૦૦૮માં શરતભંગ સાબિત માની વાદગ્રસ્ત જમીન અને સંકુલનો કબજો સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો જેની સામે આત્મીય સંકુલ દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવી હતી પરંતુ જિલ્લા કલેકટરે પણ નાયબ કલેકટરનો હુકમ યોગ્ય ઠેરવી જમીન ખાલસા કરવા હુકમ કરતા આ હુકમ સામે મહેસુલ સચિવ વિવાદ સમક્ષ ૨૦૧૦માં રીવીઝન અરજી કરી હતી અને જિલ્લા કલેકટરના ચુકાદાને વાહીયાત ગણાવવામાં આવ્યો હતો પરંતુ મહેસુલ સચિવ વિવાદ સમક્ષ પણ ટ્રસ્ટને હારનો સામનો કરવો પડયો હતો.

દરમિયાન આ મામલે આત્મીય સંકુલ દ્વારા હાઈકોર્ટમા ઘા નખાતા કાનુની જંગમાં હાઈકોર્ટમાં આત્મીય સંકુલનો હાથ ઉપર રહ્યો હતો અને સરકારની હાર થઈ હતી જોકે સામાન્ય રીતે હાઈકોર્ટના ચુકાદા બાદ કલેકટર તંત્ર દ્વારા સરકારનું માર્ગદર્શન માંગી આગળની લડત લડવી કે કેમ ? તેનું માર્ગદર્શન મંગાતું હોય છે ત્યારે આ કિસ્સામાં ૨૦૧૪માં હાઈકોર્ટે ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હોવા છતાં સરકાર દ્વારા કોઈ જ લડત આપવા પગલા ભરાયા ન હતા. વધુમાં આ પ્રકરણમાં ગત અઠવાડિયે રાજય સરકાર દ્વારા અચાનક જ એ.વી.જસાણી ટીબી હોસ્પિટલ ટ્રસ્ટની સામેની કાનુની લડતમાં હાર સ્વિકારી લીધી હોય તેમ જિલ્લા કલેકટર કચેરી રાજકોટને ચાર લીટીનો પત્ર પાઠવી હવે આ પ્રકરણમાં કશું જ કરવાનું રહેતું ન હોવાનું જણાવતા એ.વી.જસાણી ટીબી હોસ્પિટલ ટ્રસ્ટ અને આત્મીય સંકુલ છાવણી ગેલમાં આવી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.