સંચાલકોના વહીવટી, આર્થિક અને શૈક્ષણિક પ્રશ્ર્નો મુદ્ે બેઠકમાં ચર્ચા થશે: પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ્ કરવા સંચાલકોના અભિપ્રાય લેવાશે
શિક્ષણ બોર્ડના સંચાલક મંડળની બેઠકના સભ્યો દ્વારા રાજ્યના સંચાલકોની એક બેઠક 6 સપ્ટેમ્બરના રોજ એટલે કે મંગળવારે બોલાવવામાં આવી છે. આ બેઠકમાં વહીવટી, આર્થિક અને શૈક્ષણિક મુશ્કેલીઓના નિરાકરણ માટે સંચાલકો પાસેથી અભિપ્રાય મેળવી તેના નિરાકરણ માટે નિર્ણય લેવાશે. સંચાલકોને લગતા સાત જેટલા પ્રશ્ર્નોની આ બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરાશે. જેમાં આચાર્ય, શિક્ષક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની નિમણૂંકની સત્તા સંચાલકોને આપવા, શાળાની વર્ગદીઠ હાજરી, બે વર્ગની સ્કૂલોમાં 3ના બદલે 4નું મહેકમ, પરિણામ આધારિત ગ્રાન્ટનીતી રદ્ કરવા અને ફીની હાલની જોગવાઇઓમાં સુધારો કરવા સહિતના મુદ્ા પર ચર્ચા થશે.
ગુજરાતમાં ચાલતી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના સંચાલકોને પડતી વહીવટી, આર્થિક અને શૈક્ષણિક મુશ્કેલીઓના નિરાકરણ માટે બોર્ડના સંચાલક મંડળની બેઠક પરથી ચુંટાયેલા સભ્ય ડો.પ્રિયવદન કોરાટે એક બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં વિવિધ સાત મુદ્ાઓ પર ચર્ચા-વિચારણા કર્યા બાદ શાળા સંચાલકો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવશે અને ત્યારબાદ તે અંગે નિર્ણય કરાશે.
બેઠકમાં જે સાત મુદ્ાઓ પર ચર્ચા કરવામાં આવશે તેમાં શાળાના આચાર્ય, શાળા મંડળને જોડતી કડી હોય છે. જેની નિમણૂંકની સંપૂર્ણ સત્તા શાળા મંડળને હોવી જોઇએ. જૂની મહેકમ મુજબ સુધારો કરી બિન શૈક્ષણિક કર્મચારીઓ, પટ્ટાવાળા, કારકૂન વગેરેની જગ્યાઓ શાળાકક્ષાએ મંડળ દ્વારા ભરતી કરવાની છૂટ આપવી જોઇએ. આ ઉપરાંત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ગ્રંથપાલ, પ્રાયોગીક શિક્ષકો જેવી બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવાની છૂટ શાળા મંડળને આપવી.
બે વર્ગોવાળી શાળાઓમાં આચાર્ય સહિત ત્રણ શૈક્ષણિક કર્મચારીઓ મળે છે. જેમાં બાળકોને શૈક્ષણિકરીતે મોટાભાગના વિષયના શિક્ષકનો લાભ મળી રહે તે માટે આચાર્ય સહિત ચાર શૈક્ષણિક જગ્યાઓની મંજૂરી આપવી. શાળામાં વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યા શહેરી વિસ્તારમાં ઓછામાં ઓછી 30 અને વધુમાં વધુ 45, જ્યારે ગ્રામ્યો વિસ્તારોમાં ઓછીમાં ઓછી 20 અને વધુમાં વધુ 45 રાખવી જોઇએ. આ ઉપરાંત સ્વનિર્ભર શાળાઓને પડતી મુશ્કેલીઓ અંગે અને શાળામાં લઘુત્તમ ફી રાખવાની ફી કમિટીની હાલની જોગવાઇમાં પુન: સમિક્ષા કરવી જોઇએ. આ ઉપરાંત ડો.પ્રિયવદન કોરાટે તાજેતરમાં બન્ને મંડળોને એકજૂટ થઇને કામ કરવાની પણ સલાહ આપી હતી.