લોકમેળામાં પાન-ફાકી વેચનારા દંડાશે: પ્લાસ્ટીકના પાણીના પાઉચ, ઝબલા, થેલીઓ ઉપર પણ પ્રતિબંધ
શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.૧લી સપ્ટેમ્બરથી શરૂ થનારા ગોરસ જન્માષ્ટમી લોકમેળાની તૈયારીનો ધમધમાટ પૂર્ણતાના આરે છે ત્યારે રાંધણ છઠ્ઠના દિવસે સવારે ૧૦:૦૦ કલાકે રંગારંગ કાર્યક્રમો વચ્ચે આ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવશે જોકે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગોરસ લોકમેળાને સંપુર્ણપણે પ્લાસ્ટીક મુકત અને તમાકુ ફ્રી રાખવા નકકી કરાતા આરોગ્ય વિભાગ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ લોકમેળામાં સતત ચેકિંગમાં દોડતું રહેશે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તા.૧લી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ ગોરસ જન્માષ્ટમી લોકમેળાને જિલ્લા કલેકટર દ્વારા પ્લાસ્ટીક ફ્રી અને તમાકુ ફ્રી જાહેર કરવામાં આવતા લોકમેળામાં તમાકુ કે તમાકુની બનાવટો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવાની સાથે-સાથે પ્લાસ્ટીકની થેલી, ઝબલા કે પાણીના પાઉચ સહિતની ચીજવસ્તુઓ સહેલાણીઓ કે વેપારીઓ ઉપયોગ કરી નહીં શકે.
વધુમાં લોકમેળા સમિતિ દ્વારા આગામી તા.૧લી સપ્ટેમ્બરે સવારે ૧૦:૦૦ કલાકે રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રંગારંગ કાર્યક્રમોની વણઝાર વચ્ચે લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે. છઠ્ઠથી પ્રારંભ થતો લોકમેળો દસમ સુધી એટલે કે તા.૧ થી તા.૫ સપ્ટેમ્બર સવારે ૯ થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે.
લોકમેળો મહાલવા આવતા સહેલાણીઓ માટે તંત્ર દ્વારા તસવીર સ્પર્ધાનું આયોજન કરવાની સાથે-સાથે લોકમેળામાં કોઈપણ ધંધાર્થીઓ તમાકુ કે તમાકુની બનાવટનો ઉપયોગ ન કરે તે માટે પણ રાઉન્ડ ધી કલોક ચેકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ રોકવા માટે મહાપાલિકાના ૪/૬/૨૦૧૮ના પરીપત્ર મુજબ પ્લાસ્ટીકના પાણીના પાઉચ, પ્લાસ્ટીકની થેલી, ઝબલા અને પ્લાસ્ટીકના ઉત્પાદનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.