કારમાંથી બંને શખ્સો નાસી છૂટતા અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદના જિલ્લા પ્રમુખે નોંધાવી પોલીસ ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવાના ઈરાદે હેરાફેરીના બનાવો વધી રહ્યાં હોવાની બાતમીના આધારે જીવદયાપ્રેમીઓએ હાઈવે પર વોચ ગોઠવી હતી. જે દરમ્યાન સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામ પાસે વણકી ગામના પાટીયા પાસેથી શંકાસ્પદ હાલતમાં કાર પસાર થતાં તેને રોકી તલાસી લેતાં ૯ પશુઓ મળી આવ્યા હતા.
જે અંગે અખીલ વિશ્વ ગૌસવર્ંધન પરિષદ (ન્યુ દિલ્હી)ના જિલ્લા પ્રમુખ હરેશભાઈ ચૌહાણે સાયલા પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરાર બંન્ને શખસોની શોધખોળ હાથ ધરી છે.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર દિન-પ્રતિદિન કતલખાને લઈ જવાના ઈરાદે અબોલ પશુઓની હેરાફેરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સાયલા હાઈવે પરથી વાહનમાં પશુઓને કતલખાને લઈ જવાના હોવાની બાતમીના આધારે જીવદયાપ્રેમી અને અખીલ વિશ્વ ગૌસવર્ંધન પરિષદના જિલ્લા પ્રમુખ હરેશભાઈ ચૌહાણ સહિત દલસુખભાઈ લખમણભાઈ, માલાભાઈ રણછોડભાઈ, સુખાભાઈ ધીરૂભાઈ, અનીલભાઈ વિનુભાઈ, રાજુભાઈ ભોટાભાઈ, દેવાભાઈ રૂડાભાઈ સહિતનાઓએ સાયલા હાઈવે પર વોચ ગોઠવી હતી.
જે દરમ્યાન વણકી ગામનાં પાટીયા પાસે બાતમીવાળી બોલેરો પીકઅપ વાન પસાર થતાં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે કારને રોકી નહોતી અને ત્યારબાદ તેનો પીછો કરી રોકી તલાસી લેતાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ગાડીમાં પાડા પશુ જીવ નંગ-૯ કિંમત રૂા.૪૫,૦૦૦ ઢીચોઢીચ ગાડીમાં ઘાસચારો કે પાણીની સગવડતા વગર દોરડા વડે બાંધેલી હાલતમાં ઝડપી પાડયાં હતાં. જ્યારે બંન્ને આરોપીઓ ધનજી વેરશી દેવીપુજક રહે. દેવસર તા. ચોટીલા તથા સાગર ધરમશી માથાસુરીયા રહે. સોરીભંડા તા. સાયલાવાળા નાસી છુટયાં હતાં. જ્યારે પોલીસે પશુઓ અને કાર સહિત કુલ રૂા.૧,૯૫,૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી બંન્ને આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.