નાની બાળાઓ પાંચ દિવસ કરશે અલૂણાં ઉપવાસ, મનગમતા ભરથારની પ્રાપ્તિ માટે અબીલ-ગુલાલ, અક્ષત, સોપારી, નાગલા, જવારા સહિતની પૂજા-સામગ્રીથી ગૌરી શંકરનું કરશે પૂજન: પૂનમના દિવસે જાગરણ
આજે અષાઢ સુદ અગિયારસ આજથી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. કુમારીકાઓ પાંચ દિવસ અલુણૂં એટલે કે મીઠા વગરનું મોળુ એકટાણું કરી આ વ્રત કરે છે. અમુક પ્રાંતોમાં આ વ્રતને મોળાકત પણ કહેવામાં આવે છે. અષાઢથી પુનમ સુધીના પાંચ દિવસનું આ વ્રત હોય છે. પાંચમાં દિવસે જાગરણ કરી દિકરીઓ વ્રતનું ઉજવણું કરે છે. પ્રાચીન પરંપરા પ્રમાણે કુમારીકાઓ ગુણવાન પતિની પ્રાપ્તિ માટે ગૌરીવ્રત કરે છે. માતા પાર્વતીજીએ પણ મહાદેવને પામવા ગૌરીવ્રત કર્યું હતું.
આપણી સંસ્કૃતિમાં વર્ષોથી વ્રત, ઉપવાસ અને એકટાણાનું સવિશેષ મહત્વ રહેલું છે. સામાજિક તેમજ વ્યવહારિક જીવનની ઘરેડ અનુરુપ સમજ કેળવવા દિકરીઓ કરે છે. કયાંકને કયાંક આપણા ધર્મ સાથે વિજ્ઞાનનાં તથ્યો પણ વણાયેલા હોવાથી આપણી સ્ત્રીઓ ઉપવાસને વધારે મહત્વ આપે છે. ખાસ કરીને કુમારીકાઓ મનોવાંછિત ભરથાર મેળવવા ગૌરીવ્રત એટલે કે મોળાકત કરે છે. નાની બાળાઓ હોંશે હોંશે આ વ્રત કરે છે.
ગૌરીવ્રત પાંચ દિવસનું હોય છે પાંચેય દિવસ મોળુ એકટાણું કરી પૂનમના દિવસે જાગરણ કરી વ્રત પુરુ કરવાનું હોય છે. સતત પાંચ કે સાત વર્ષ આ વ્રત કરવાનું હોય છે. એકી સંખ્યામાં ગૌરીવ્રત કર્યા બાદ ભાવભેર વ્રતને ઉજવવામાં આવે છે. વ્રતના ઉજવણામાં પાંચ-સાત દિકરીઓને ભોજન કરાવી સ્વરુપે સૌભાગ્યનો શણગાર આપવામાં આવે છે.
અષાઢ સુદ અગિયારસથી પૂનમ સુધીના પાંચ દિવસ ક્ધયાઓ અવનવા નયનરમ્ય શણગાર કરી શિવમંદિરે પૂજન કરવા જાય છે.
પૂજન બાદ દિકરીઓ સાથે મળીને મંદિરના પ્રાંગણમાં ખેતર ખેડવાની વિધિ કરી સમૂહમાં વ્રત કથાનું વાંચન કરે છે. હાલનાં સમયમાં વ્રત નિમિતે બજારોમાં પૂજાપાની સાથે તૈયાર જવારાઓ પણ મળે છે.
ગૌરીવ્રતમાં જવારાનું મહત્વ
ગૌરીવ્રતના થોડા દિવસ અગાઉ કુમારિકાઓ વ્રત નિમિતે પૂર્વ તૈયારીઓ શરુ કરી દે છે. પારંપરિક રિવાજો મુજબ ગામની બધી દિકરીઓ સાથે મળીને જવારા વાવવા પાદરેથી ભીની કાળી માટી લઈ આવી પકવેલા રામપાત્રમાં સાત ધાન્ય જેવા કે ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા, અક્ષત વાવે છે
આ ધાન્ય અગિયારસ આવતા સુધીમાં જવારા બની જાય છે. પાંચેય દિવસ કુમારીકાઓ આ સાત ધાન્યના જવારાનું પૂજન કરે છે ને કંકુ વડે સજાવી તેના નાગલા બનાવવામાં આવે છે જે દરરોજ પૂજન વખતે જવારાને ચડાવી પૂજન કરવામાં આવે છે. કહેવાય છે જવારાએ માતા પાર્વતીજીનું પ્રતિક છે અને નાગલા એ ભગવાન શિવજીનું પ્રતિક. આમ ગૌરીવ્રતમાં જવારા અને નાગલાનું વિશેષ મહત્વ છે. અષાઢી હરિયાળીને અનુપ આ વ્રતમાં એટલે જે સાત ધાન્યોનું સવિશેષ મહત્વ રહેલું છે. અષાઢ મહિનામાં આ સાતેય ધાન્યોથી ખેતરો લહેરાતા હોય છે.