ધનતેરસથી ત્રણ દિવસ સુધી દિવાળી ઉત્સવની પણ ઉજવણી કરાઈ તેવી સંભાવના
હિન્દુ પંચાગના સૌથી મોટા પર્વ એવા દિવાળી નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ધનતેરસના દિવસે રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. જેમાં શહેરીજનો ભારે ઉત્સાહભેર સામેલ થાય છે. આગામી સોમવારે રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી થશે જેમાં રાજકોટના આકાશમાં નયનરમ્ય ફટાકડાઓની રંગોળી પુરાશે.
આ ઉપરાંત ધનતેરસથી દિવાળી સુધી સળંગ ત્રણ દિવસ દિવાળી ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.
આ અંગે મહાપાલિકાના સુત્રો માસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ દર વર્ષની માફક આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા ધનતેરસના દિવસે રેસકોર્સ ખાતે માધવ સિંધીયા ગ્રાઉન્ડમાં સાંજે ૭:૦૦ કલાકે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સતત એક કલાક સુધી અલગ-અલગ પ્રકારની વેરાયટીના ફટાકડા ફોડવામાં આવશે. સામાન્ય લોકો પણ દિવાળીના તહેવારનો આનંદ ઉઠાવી શકે તેવા શુભ આશ્રયથી મહાપાલિકા દ્વારા દર વર્ષે આતશબાજી યોજવામાં આવે છે જેમાં શહેરીજનો હોંશભેર સામેલ થાય છે.
ગત વર્ષે કોર્પોરેશન દ્વારા દિવાળી કાર્નિવલની પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં રેસકોર્સ રીંગ રોડ ફરતે નયનરમ્ય રોશની કરવામાં આવી હતી. આ ઉપરાંત રેસકોર્સ ગ્રાઉન્ડમાં ફુડ સ્ટોલ સહિતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જોકે દિવાળી કાર્નિવલ પાછળ લાખો પિયાનો ખર્ચ થયો હોય આ વર્ષે લખલુંટ ખર્ચે દિવાળી કાર્નિવલ યોજવાને બદલે ધનતેરસથી સળંગ ત્રણ દિવસ સામાન્ય ખર્ચે દિવાળી ઉત્સવની ઉજવણી કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જે અંતર્ગત રેસકોર્સ રીંગ રોડ ફરતે સામાન્ય રોશની કરવામાં આવશે.