જામનગરના હા૫ામાં આવેલા સેન્ટ્રલ વેર હાઉસના ગોડાઉનમાં પડેલા મગફળીના જથ્થામાં ગુરૃવારે સાંજે ભભૂકેલી આગે કેટલાક શંકાના વમળો ઉભા કર્યા છે ત્યારે સીઆઈડી ક્રાઈમની ટૂકડીએ આ બનાવનો તાગ મેળવવા તપાસ આરંભી છે. આગમાં મગફળીનો કેટલોક જથ્થો ખાખ થયો છે, કેટલોક જથ્થો પલળી ગયો છે ત્યારે આ બનાવ ગોંડલના બનાવની માફક શંકાની એરણ પર છે.

જામનગરના હાપા નજીક આવેલા સેન્ટ્રલ વેર હાઉસીંગ કોર્પોરેશનના ગોડાઉનમાં ગુરૃવારની ઢળતી બપોરે ધડાકા સાથે આગ ભભૂક્યા પછી ત્યાં રાખવામાં આવેલો મગફળીનો જથ્થો સળગી ઉઠયો હતો જેની જાણ થતા ફાયરબ્રિગેડ દોડયું હતું, વારાફરતી તેર ગાડી વડે પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી, પરંતુ તે પહેલા નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનો ત્યાં રાખવામાં આવેલા જથ્થામાંથી અંદાજે પચ્ચાસેક ટન મગફળીને નુકસાની થઈ છે. આગ ક્યા કારણસર લાગી અને તેમાં કેટલી નુકસાની થઈ છે? તેની તપાસ માટે તંત્ર દ્વારા દોડધામ શરૃ કરવામાં આવી છે ત્યારે શોર્ટસર્કીટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ આપવામાં આવ્યું છે. વેર હાઉસના મેનેજર એસ.ડી. નેહવાલે જણાવ્યા મુજબ ગયા વર્ષે નાફેડ દ્વારા ૧૫૧.૯૯૫ ટન મગફળીનો જથ્થો ટેકાના ભાવે ખરીદવામાં આવ્યો હતો તે જથ્થાને શણના કોથળાઓમાં ભરી જુદાજુદા ત્રણ ગોડાઉનોમાં રાખવામાં આવ્યો હતો જેમાં આ શંકાસ્પદ આગ ભભૂકી હતી.

આગ બુઝાવવા માટે દોડેલા ફાયરના જવાનોએ તે સ્થળે મજૂરો હાજર ન હોય હાથોહાથ મજૂરી કરી બચી ગયેલી મગફળીને કાઢી લેવાનો પ્રયાસ શરૃ કર્યો હતો તે દરમ્યાન મેનેજર દ્વારા ૬૫ મજૂરો બોલાવી કામગીરી શરૃ કરાવવામાં આવી હતી. આગના કારણે થોડોઘણો જથ્થો સળગીને ખાખ થયો છે. જ્યારે કેટલોક જથ્થો મગફળીમાંથી શેકાયેલા ઓળા બની ગયા છે તેમજ કેટલોક જથ્થો પાણીનો મારો ચલાવવાના કારણે પલળી ગયો છે. આમ, કુલ મળી પચ્ચાસ ટનની આજુબાજુમાં નુકસાની થવા પામી છે.

આ બનાવ પછી ગુરૃવારે સાંજે પોલીસ કાફલો તપાસ માટે બનાવના સ્થળે દોડયો હતો તે પછી ગઈકાલે રાજકોટથી સીઆઈડી ક્રાઈમની ટીમ પણ દોડી આવી છે. તેઓએ એફએસએલની ટીમને સાથે રાખી તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે ત્યારે ગયા મહિને ગોંડલમાં સરકારી મગફળીના જથ્થામાં આગ લાગ્યા પછી પણ હાપા સ્થિત આ ગોડાઉનમાં પૂરતી ફાયર સેફટી કે સીસીટીવી કેમેરા કેમ મૂકવામાં આવ્યા નથી? તે પ્રશ્નોની તપાસ આરંભી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.