સોશિયલ મીડિયા-ડિજિટલ/ઈન્ટરનેટ વર્લ્ડમાં મલ્ટીનેશનલ કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધામાં એકબીજાથી સર્વોત્તમ પુરવાર થવા મથામણ
ભારતની વિશાળ રિટેલ કસ્ટમર માર્કેટ અને ડિજીટલ દુનિયાને સર કરવા માટે અત્યારે સમગ્ર વિશ્ર્વની જાયન્ટ કંપનીની મીટ મંડાયેલી છે ત્યારે ગુગલ જેવી વિશ્ર્વ વિખ્યાત કંપનીએ બેંગ્લોરની નવી નવેલી અસ્તિત્વમાં આવેલી શેર ચેટ હસ્તગત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
સર્ચ એન્જીન ગુગલ હવે તેના હરીફોથી વધુ પાવરફૂલ થવાની દિશામાં કાર્યરત બન્યું હોય તેમ ગુગલે શેર ચેટ ખરીદવા માટે વાટાઘાટો ચલાવી હોવાના અહેવાલોએ ઈન્ટરનેટની દુનિયામાં ભારે હલચલ મચાવી છે. જો કે ગુગલ કે શેર ચેટ બન્નેમાંથી કોઈએ પણ આ પ્રયાસોને પુષ્ટી આપી નથી. તેમ છતાં માધ્યમોમાં છડેચોક આ મહાકાય સોદાની ચર્ચા થઈ રહી છે. ગુગલ શેર ચેટમાં ૧૦.૩ અબજ ડોલરનું રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટેક જાયન્ટ ગુગલ બેંગ્લોરની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેર ચેટ ખરીદવાની યોજના બનાવી રહી છે. ગુગલ કે શેર ચેટ બન્નેમાંથી એક પણે આ વાતની પુષ્ટી આપી નથી. શેર ચેટ દ્વારા કોરોના મહામારી દરમિયાન પોતાનું નેટવર્થ ૬૦ માંથી ૧૬૦ મીલીયન સુધી પહોંચાડયું છે. શેર ચેટના માસીક વપરાશકારોમાં ૧૬૬ ટકાની વૃદ્ધિ આવી છે. આ મહિનાઓમાં દૈનિક સરેરાશ વપરાશકર્તાનો સમયનો ખર્ચ પણ વધ્યો છે.
શેર ચેટની તરક્કી અને લોકડાઉન જેવા પરિબળોની કોઈ અસર થઈ નથી. ઉલ્ટાનું લોકડાઉને શેર ચેટ માટે ધંધાની દિવાળી જેવો માહોલ કરી દીધો હતો. જેને લોકોને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ તરફ વાળી એક નવી જ ઈમેજ ઉભી કરી છે. ટીકટોક પર પ્રતિબંધના કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વર્ગ-૨ અને ૩ની શ્રેણીની કંપનીઓમાં ભારે વૃદ્ધિ થવા પામી છે. આજ કારણે ગુગલે શેર ચેટ જેવી ભારતની સ્થાનિક ઉભરતી કંપનીને પોતાના હસ્તક કરવા યોજના બનાવી છે.