ગુગલની દરેક મહત્વની મીટિંગ શરૂ થતાં પહેલા એમના કર્મચારીઓ આંખો બંધ કરીને આત્મ-ચિંતન કરે છે. સાદી ભાષામાં કહેવું હોય તો, ધ્યાન ધરે છે. બિલકુલ એવી જ રીતે, મીટિંગનાં સમાપન પછી પણ આ જ પ્રક્રિયા અનુસરવામાં આવે
દરેક વ્યક્તિને મનમાં એવું થતું હોય કે કાશ, મને પણ મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરવાનો મોકો મળે! ફાઇવ-ડે વીકનો મોહ તો કોને ન હોય!? સોમવારથી શુક્રવાર સુધી કામ કરો અને શનિ-રવિ રજા. મોટાભાગની યુએસ-બેઝ્ડ કંપનીઓનાં કર્મચારીઓને ભરપૂર સુખ-સુવિધાઓ અને આરામ મળે છે. આમ છતાં બહુ ઓછા લોકોને એ હકીકતનો ખ્યાલ છે કે ગુગલ, એપલ, માઇક્રોસોફ્ટ તથા ફેસબુક જેવી મોટી કંપનીઓનાં કર્મચારીઓ પર જે પ્રકારે કામનું ભારણ રહેતું હોય છે તેનાં લીધે ક્યારેક તેમની માનસિક સંતુલિતતા ખોરવાઇ જતી હોય છે.
બેશક, અન્ય કંપનીઓની સરખામણીએ સિલિકોન વેલીની ટેક-કંપનીઓ પોતાનાં કર્મચારીઓને ઘરનાં સદસ્યની માફક માન-પાન આપે છે, તેમને સાચવે છે. કારણકે તેમનું મોટાભાગનું કામ મગજ સાથે જોડાયેલું છે. અગર કંપનીની પ્રોડક્ટવિટી વધારવી હશે તો તેમનાં માલિકોએ પોતાનાં કર્મચારીઓ માટે કશુંક ને કશુંક નવું કરતાં રહેવું પડશે જેથી તેમનો માનસિક દબાવ, સ્ટ્રેસ થોડોક ઓછો થાય. આ બાબતે ગુગલે એક સાવ નવી દિશામાં પહેલ કરી છે.
ગુગલ ટીમનાં પાર્ટનરશીપ અને માર્કેટિંગ મેનેજર કોનર સ્વેન્સને થોડાક સમય પહેલા યોજાયેલી ‘ધ નેક્સ્ટ વેબ’ કોન્ફરન્સમાં ગુગલનાં કર્મચારીઓની કાર્યપધ્ધતિ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો. ગુગલની દરેક મહત્વની મીટિંગ શરૂ થતાં પહેલા એમાંના કર્મચારીઓ આંખો બંધ કરીને આત્મ-ચિંતન કરે છે. સાદી ભાષામાં કહેવું હોય તો, ધ્યાન ધરે છે. બિલકુલ એવી જ રીતે, મીટિંગનાં સમાપન પછી પણ આ જ પ્રક્રિયા અનુસરવામાં આવે છે.
કોનર સ્વેન્સને આખી પ્રક્રિયા પર વિસ્તૃતમાં સમજૂતી આપી. માણસ ચાર પ્રકારની ઉર્જા ધરાવે છે : માનસિક, શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક. દરેક પ્રકારની ઉર્જાનું બુસ્ટ-અપ માણસ પાસે હોય તો તેની કાર્યક્ષમતામાં બમણો વધારો જોવા મળે છે. શારીરિક ઉર્જા મેળવવા માટે માણસ રાતે ઉંઘ ખેંચીને ચાર્જ-અપ થાય છે. કોન્ફરન્સમાં બેઠેલા પ્રેક્ષકોની સામે કોનરે કબૂલ કર્યુ કે પોતે રાતનાં દસ વાગ્યા પછી મોબાઇલ-લેપટોપ બંધ કરી, મગજને પૂરી રીતે શાંત કરી દે છે. સીધી ને સટ વાત છે કે, જેમ તમારા મગજમાંથી કાર્યસ્થળનાં વિચારો ખાલી થતાં જશે એમ વધુ આરામપૂર્વકની ઉંઘ પ્રાપ્ત થશે.
શારીરિક ઉર્જા બાદ હવે વારો આવે છે, ભાવનાત્મક અભિવ્યક્તિઓનો! સામાન્યત: આપણે કામમાં એટલા બધા ડૂબી જતાં હોઇએ છીએ કે આપખુદનાં ભાવવિશ્વમાં નજર કરવાનું ઘણી વખત ચૂકી જવાય છે. આપણને પ્રેમ કરતાં, આપણો ખ્યાલ રાખતાં લોકો માટે આપણે એટલો બધો સમય નથી આપી શકતાં. પોતાની જાતને સમય આપવાનું આપણને કોઇ શીખવતું નથી. ગુગલનાં કર્મચારીઓ પોતાનાં બ્રેકફાસ્ટ, લંચ-બ્રેક અથવા ડીનર-બ્રેકનો ઉપયોગ મીટિંગ્સની ચર્ચાઓમાં નહીં પરંતુ એકબીજાનાં ખબર-અંતર પૂછવામાં કરે છે. સારા માનસિક સ્વાસ્થ્ય માટે માણસની લાગણીઓનું બેલેન્સ જળવાય એ ખૂબ જરૂરી છે.
દરેક પ્રકારની ઉર્જાનું બુસ્ટ-અપ માણસ પાસે હોય તો તેની કાર્યક્ષમતામાં બમણો વધારો જોવા મળે છે
માનસિક અને આધ્યાત્મિક સંતુલન માટે સારા પુસ્તકોનાં વાંચન અને સમયનો સદુપયોગ થવો જરૂરી છે એવું કોનર માને છે. ફાજલ સમયમાં મોબાઇલ-સ્ક્રીન પર ફેસબુક-વોટ્સએપ સ્ક્રોલ કરવાને બદલે કશુંક વધારે સર્જનાત્મક કાર્ય ન થઈ શકે? ‘ધ નેક્સ્ટ વેબ’ કોન્ફરન્સ દરમિયાન કોનરે ફક્ત ભાષણ આપ્યું એટલું જ નહીં, પરંતુ પોતાની ઓડિયન્સ પાસે મેડિટેશન પણ કરાવડાવ્યું. ઘણાને ફાવ્યું, તો ઘણાને ન ફાવ્યું. ધ્યાન કરવાનો વિચાર અલબત્ત, નવો નથી. પરંતુ ગુગલ જેવી કંપની જ્યારે આ વિચારને પોતાનાં કર્મચારીઓ માટે ફરજિયાતપણે અમલમાં મૂકાવે ત્યારે વિચારવા જેવી બાબત એ છે કે આપણી કંપનીઓ આવું કશું કેમ નથી કરી શકતી?
ગુગલે શા માટે મેડિટેશનનો વિચાર લાગુ પાડ્યો એ બાબતની ચર્ચા થવી પણ અહીં જરૂરી છે. ગુગલ અને તેનાં કર્મચારીઓ પોતાની કંપનીને અલગ-અલગ ક્ષેત્રોમાં વિકસાવવા માટે રાત-દિવસ જોયા વગર કામ કરી રહ્યા હતાં એ દિવસોની આ વાત છે. કામ ઘણું રહેતું અને સમય ખૂબ ઓછો! એવામાં સ્વાભાવિક છે કે અમુક કર્મચારીઓ પર કામનું ભારણ વધી જવાથી તેમને ગુસ્સો, હતાશા અને તાણ આવવા લાગ્યા. ત્યાંના એક કર્મચારી ચેડ-મેન્ગ ટેનને આ વસ્તુ ધ્યાનમાં આવી. તેણે વિચાર્યુ કે આ રીતે તો કામ ન થાય! ટેન પોતે સોફ્ટવેર એન્જીનિયર ઉપરાંત ખૂબ સારો મેડિટેશન-પ્રેક્ટિશનર પણ હતો. તેણે ગુગલની મીટિંગ દરમિયાન પોતાની વાત ત્યાંના અન્ય એન્જીનિયર્સ સમક્ષ મૂકી. બધાને થયું કે વાતમાં કંઇક દમ તો છે. 2007માં ટેન દ્વારા સાત અઠવાડિયાનો મેડિટેશન કોર્ષ લોન્ચ કરવામાં આવ્યો. જેણે ત્યાંના કર્મચારીઓમાં ખાસ્સી ઉત્સુકતા જગાવી. કોર્ષને નામ અપાયું : સર્ચ ઇન્સાઇડ યોરસેલ્ફ! ગુગલે આ સમગ્ર વિચારને ખોબલે-ખોબલે વધાવી લીધો. ઘણા વર્ષો સુધી કર્મચારીઓએ તેનો લાભ લીધો. ગુગલને તેનાથી ખાસ્સો ફાયદો પણ દેખાયો. મેડિટેશન કરવાથી તેમનાં કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થઈ ગયો હતો. તેઓ કંપનીની પ્રોડક્ટિવિટી વધારવા માટે સતત ધ્યાન આપી રહ્યા હતાં. 2015માં ચેડ મેન્ગ ટેને કંપનીને અલવિદા કહ્યું. પરંતુ જતાં પહેલા તેણે કંપનીને મેડિટેશનનો જે કીમિયો આપ્યો હતો તે હજુ સુધી ઉપયોગમાં આવી રહ્યો છે.
ગુગલ છોડ્યા બાદ ચેડ મેન્ગ ટેનની ડિમાન્ડ એટલી વધી ગઈ હતી કે તેણે ‘સર્ચ ઇન્સાઇડ યોરસેલ્ફ લીડરશીપ ઇન્સ્ટિટ્યુટ’ શરૂ કરી, જેનો પોતે ચેરમેન બની ગયો! આજે તેમની પાસે 14 કર્મચારી છે, જે અમેરિકા સહિતની વિશ્વની દરેક મોટી કંપનીઓમાં જઈને ત્યાંના કર્મચારીઓ માટે અલગ-અલગ મેડિટેશન-પ્રોગ્રામ ચલાવે છે. વેલ, આપણા લોકોને કદાચ આ વસ્તુ સમય વેડફનારી કે ફાલતુ લાગી શકે; પરંતુ હકીકત તો એ છે કે ગુગલ, ફેસબુક અને એપલે જાહેરમાં સ્વીકાર્યુ છે કે મેડિટેશનને લીધે તેમની કંપનીનાં કર્મચારીઓ જલ્દીથી થાકી નથી જતાં. તેમને અપાયેલ ટાર્ગેટ પૂરો કરવા માટે હવે તેઓ રાત ઉજાગરા નથી કરતાં. ધ્યાન-મેડિટેશનને લીધે તેમનું ટાઇમ-મેનેજમેન્ટ સુધર્યુ છે. ગુગલથી શરૂ થયેલી આ કાર્યપ્રણાલીને વિશ્વનાં ઘણા દેશો અપનાવી રહ્યા છે. તેઓ માને છે કે કર્મચારીનું માનસિક સ્વાસ્થ્ય જ કંપનીને ઉપલા સ્તર પર લઈ આવવા તેમજ નફો કરાવી શકવા માટે સક્ષમ છે.
‘ધ નેક્સ્ટ વેબ’નાં સમાપન વખતે કોનર સ્વેન્સને ખૂબ સુંદર વાત કહી, મેડિટેશન એ તમારી જિંદગીમાં કોઇ મહત્વનાં નિર્ણયો લેવામાં મદદ નથી કરતું, પરંતુ તમને યોગ્ય દિશા સૂચવવાનું કામ કરે છે. પોતાની જાત સાથે મનોમંથન કરીને જ્યાં સુધી ઉંડાણમાં નહીં ઉતરીએ ત્યાં સુધી ખ્યાલ કઈ રીતે આવશે કે આપણામાં શેની ખોટ છે, કયા ક્ષેત્રમાં વધુ મહેનતની જરૂર છે!? આપણા મગજમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે ટેકનોલોજી એટલે ફક્ત ગેજેટ્સ, મોટા મોટા મશીનો અને સોફ્ટવેર! પરંતુ આજ સુધી આનાથી ઉપર ઉઠીને આપણે કદીય આગળનું વિચાર્યુ જ નથી. એમ કહો ને કે વિચારી શક્યા નથી. આશા રાખીએ કે ભારતની કંપનીઓ પણ પોતાની ઓફિસોમાં રાત-દિવસ કમ્પ્યુટરમાં રચ્યા-પચ્યા રહેતાં કર્મચારીઓ પરત્વે થોડું ધ્યાન આપવાનું શરૂ કરે!
વાઇરલ કરી દો ને
આપણે રાજકોટ માં તો આત્મચિંતન કયાર નું યે થાય છે બપોરે 2 થી 4 વચ્ચે!
તથ્ય કોર્નર
વર્કપ્લેસ પર ધ્યાન ની જોગવાઈ કરતાં વિવિધ કંપની ના કર્મચારીઓ માં માનસિક ગેરહાજરી માં 85 ટકા નો ઘટાડો નોંધાયો હતો