અમેરિકન ટેક જાયન્ટ કંપનીઓ ‘ગૂગલ’ અને ‘એપલ‘ છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં હતી. બંને કંપનીઓ પોતાના વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ મારફતે યુઝર્સની વાતચીતો સાંભળી તેને રેકોર્ડ કરતી હોવાનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. વિવાદોમાં ફસાયા બાદ બંને કંપનીઓએ હવે પોતાના યુઝર્સની વાતો સાંભળવાનું બંધ કર્યું છે. એપલ દ્વારા આ રેકોર્ડિંગ પ્રક્રિયાને સ્થગિત કરવામાં આવી છે, તેમાં વર્ચ્યુઅલ અસિસટન્ટ ‘સિરી’ ક્વોલિટી કન્ટ્રોલ માટે યુઝર્સની વાતો સાંભળતી હતી. તો બીજી બાજુ યુરોપમાં ગૂગલ અસિસટન્ટે પણ રેકોર્ડિંગ સાંભળવાનું અને તેને ટ્રાંસક્રાઇબ કરવાનું બંધ કરી દીધું છે.
બેલ્જિયમની બ્રોડકાસ્ટ ‘વીઆરટી’ ન્યુઝે ગત મહિને એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ગૂગલ હોમ સ્પીકર્સ યુઝર્સની વાતો રેકોર્ડ કરે છે અને આ ઓડિયો ક્લિપને કોન્ટ્રાક્ટર્સ પાસે પહોંચાડે છે. તે આ ઓડિયો ક્લિપનું રેકોર્ડિંગ કરે છે, જેનાથી ગૂગલ સ્પીચ રેકગ્નિશન ટેક્નોલોજીમાં સુધારો લાવી શકાય. આવા કારણોસર પ્રાઇવસીને લઈને અનેક સવાલો ઊઠ્યા હતા.
આઈફોનના નિર્મતાઓ પણ કોન્ટ્રાક્ટરોને ‘સિરી’ દ્વારા રેકોર્ડ કરેલી વાતચીતને સાંભળવા અને રેકોર્ડિંગ કરવા માટે ચૂકવણી કરતા હતા. ગત સપ્તાહે એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં આઈફોનના નિર્માતાના એક પૂર્વ કોન્ટ્રાક્ટરે દાવો કર્યો હતો કે, ‘સિરી’ દ્વારા રેકોર્ડ કરવામાં આવેલી વાતચીતને વિવિધ પરિબળો અનુસાર જુદા જુદા ગ્રેડ આપવા માટે કહેવામાં આવ્યું હતું, જેને તે કોન્ટ્રાકટર સાંભળતો હતો.
અમેરિકાની ટેક ન્યુઝ એજન્સી ‘ટેકક્રંચ’ના રિપોર્ટમાં ગૂગલના એક પ્રવકતાએ જણાવ્યું કે, ભાષાની સમીક્ષા પર રોક લગાવવામાં આવી છે. એપલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, એપલ એક સોફ્ટવેર અપડેટ જાહેર કરશે જેમાં ‘સિરી’ યુઝર્સને ગ્રેડિંગની પ્રક્રિયામાં ભાગ લેવો કે ન લેવો તેનો વિકલ્પ આપશે.