- દ્વારકા-સોમનાથ નેશનલ હાઈવેની બંને બાજુએ 40 હજાર વૃક્ષોનું વાવેતર કરવા અને ત્રણ વર્ષ સુધી તેનું જતન કરવા સદ્ભાવના વૃધ્ધાશ્રમ અને રાજય સરકારના વન પર્યાવરણ વિભાગ વચ્ચે એમઓયુ
વડીલો અને વૃક્ષોના જતન માટે વિશ્ર્વભરમાં જાણીતા બનેલા સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ગુજરાતમાં જાણે હરિયાળી ક્રાંતિ લાવવાનું બિડુ ઉપાડવામા આવ્યું હોય તેમ દેવભૂમી દ્વારકાથી લઈ પ્રથમ જયોતિલીંગ સોમનાથ સુધીના નેશનલ હાઈવેને લીલોછમ બનાવવા માટે રાજય સરકારના વન પર્યાવરણ વિભાગ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. દ્વારકાથીશ સોમનાથ સુધીના નેશનલ હાઈવે પર રોડની બંને બાજુ વૃક્ષોનું વાવેતર કરવા તથા ત્રણ વર્ષ સુધી તેનું જતન કરવામાં આવશે.
ગુજરાતના કોઈ પણ રાજમાર્ગો પરથી પસર થાય તો તેમને સદ્ભાવના વૃધ્ધાશ્રમની વૃક્ષારોપણની સેવા જોવા મળશે રોડની વચ્ચે વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવામા આવે છે. દરમિયાન દ્વારકાથી સોમનાથ સુધીના નેશનલ હાઈવેની બંને બાજુ માનવ સેવા ટ્રસ્ટ-સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા 40 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને તેનું ત્રણ વર્ષ સુધી જતન કરવામાં આવશે.
સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા માત્ર વૃક્ષો જ નહી વડીલોની પણ અનન્ય સેવા કરવામાં આવી રહી છે. ભકિત, પ્રસાદ અને સેવાના ત્રિવેણી સંગમ સમા સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા વિશ્ર્વના સૌથી મોટા વૃધ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું નિર્માણ કામ શરૂ થઈ ગયું છે. જેના લાભાર્થે રાજકોટના આંગણે આગામી 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી વિશ્ર્વ વિખ્યાત પૂ. મોરારીબાપુની વૈશ્ર્વિક રામકથા માનસ સદ્ભાવનાનું આયોજન કરવામાં આવ્યું છે.
233 કિલોમીટરના પટનો એક છેડો ભગવાન કૃષ્ણના મહેલ સાથે જોડાય છે અને બીજો બાબા ભોલેનાથના દરબારમાં જાય છે.
આ હાઈવે પર 233 કિલોમીટરની સફર ખુલ્લા આકાશ નીચે છે, જ્યાં એક તરફ રણ અને બીજી તરફ સમુદ્ર છે. ગુજરાત સરકારે પ્રવાસીઓની સુવિધા માટે હાઈવેની બંને બાજુ 40 હજાર વૃક્ષો વાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ પર પૂર્ણ થશે
દર 10 મીટરે વૃક્ષો વાવવામાં આવશે: સદ્ભાવના ટ્રસ્ટ જેને વૃક્ષો વાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં અવ્યો છે. ગ્રીન ફોરેસ્ટ પાથ સ્કીમ હેઠળ આ હાઈવે પર 6 થી 8 ફૂટના છોડ રોપવામાં આવશે અને તેની જાળવણીની જવાબદારી પણ સદ્ભાવના રહેશે.
આ વૃક્ષો હાઇવેની બંને બાજુ 10 મીટરના અંતરે વાવવામાં આવશે. આ પછી, કોસ્ટલ હાઇવે પર હરિયાળી હશે અને તેના પર મુસાફરી કરનારા લોકો છાયામાં મરીન ડ્રાઇવની મજા માણી શકશે.
વૃક્ષ દીઠ રૂ.3 હજારનો ખર્ચ થશે. જેના માટે રાજય સરકારના વન વિભાગ અને માનવ સેવા ટ્રસ્ટ સદ્ભાવના વૃધ્ધાશ્રમ વચ્ચે એમઓયુ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માનવ સેવા ટ્રસ્ટ સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાજકોટમાં પણ છેલ્લા ત્રણેક વર્ષથી વૃક્ષારોપણ માટે કોર્પોરેશન સાથે કરાર કરવામાં આવ્યા છે. કોરોનાકાળમાં જયારે ઓકિસજનની અછત ઉભી થવા પામી હતી ત્યારે માનવને વૃક્ષોની કિંમત સમજાય હતી. સદ્ભાવનાની વૃક્ષારોપણની કામગીરીની સર્વત્ર સરાહના થઈ રહી છે. હવે દ્વારકાથી સોમનાથ સુધીના નેશનલ હાઈવેને પણ લીલોછમ બનાવી દેશે.