રાજકોટવાસીઓને ઉનાળાના કાળઝાળ તડકામાં પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં ગત ત્રીજી માર્ચથી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરાવ્યું છે. દરમિયાન છેલ્લા 20 દિવસમાં રાજકોટને આગામી 30મી જૂન અર્થાત ચોમાસાની સીઝન સત્તાવાર રીતે શરૂ થાય ત્યાં સુધી ચાલે તેટલો જળ જથ્થો આજી ડેમમાં ઠાલવી દેવામાં આવ્યો છે. હવે ગોંડલનું વેરી તળાવ પણ નર્મદાના નીરથી ભરવાનું હોય ત્યાં પાણી મોકલવા આજીમાં ઠલવાતો નર્મદાનો જળ જથ્થો ઓથો કરવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે મહાપાલિકા અને સિંચાઈ વિભાગના સુત્રો પાસેથી મળતી વધુ વિગત મુજબ રાજકોટવાસીઓને ચોમાસા સુધી નળ વાટે 20 મીનીટ પાણી આપી શકાય તે માટે રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 600 એમસીએફટી અને ન્યારી ડેમમાં 300 એમસીએફટી નર્મદાનુંપ ાણી ઠાલવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો અને ગત 3જી માર્ચથી આજીમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે આજીમાં નર્મદાનું પાણી આવ્યું ત્યારે ડેમની સપાટી 17 ફૂટ હતી અને ડેમમાં 275 એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત હતો. હાલ ડેમની સપાટી 27.50 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં 705 એમસીએફટી પાણી સંગ્રહિત છે. રોજ વિતરણ માટે 5 એમસીએફટી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. જેનો હિસાબ કરવામાં આવે અને બાસ્પીભવન થતાં પાણીની ગણતરી કરવામાં આવે તો છેલ્લા 20 દિવસમાં આજી ડેમમાં 550 એમસીએફટી નર્મદાનું નીર ઠાલવવામાં આવ્યું છે. 600 એમસીએફટીની માંગણી સામે સરકારે રાજકોટની માંગણીને સંતોષી દીધી છે.

અગાઉ ધોળી ધજાથી 3 પંપ દ્વારા મચ્છ-1 ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવતું હતું અને ત્યાંથી 5 પંપ દ્વારા સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવતું. દરમિયાન ડેમમાં 550 એમસીએફટી જેટલું પાણી ઠાલવી દેવામાં આવ્યું છે અને હવે ગોંડલના વેરી તળાવને પણ સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી ભરી દેવાની શરૂઆત કરવામાં આવી છે. આવામાં રાજકોટને આજી ડેમ ખાતે અપાતા નર્મદાના નીરમાં છેલ્લા બે દિવસથી કાપ મુકવામાં આવ્યો છે. ગઈકાલે માત્ર 6 એમસીએફટી જ પાણી આપવામાં આવ્યું હતું. જો કે હાલ આજી ડેમમાં રાજકોટને 30મી જૂન સુધી ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે  હવે જો નર્મદાનું નીર ઠાલવવાનું બંધ કરી દેવામાં આવે તો પણ રાજકોટવાસીઓને પાણી પ્રશ્ર્ને કોઈ હાડમારી વેઠવી પડશે નહીં. બીજી તરફ ન્યુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ન્યારી-1 ડેમમાં પણ 300 એમસીએફટી નર્મદાનું નીર માંગવામાં આવ્યું છે જે એપ્રીલના અંતમાં કે મે માસના પ્રારંભે શરૂ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હોય. આવતા મહિનેથી લગભગ ન્યારીમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.