કિંગ પેલેના નિધનથી બ્રાઝિલમાં 3 દિવસીય ‘શોક’ !!!

કિંગ પેલેએ બ્રાઝિલની એક આગવી ઓળખ ઊભી કરી છે : જેર બોલસોનારો

મહાન ફૂટબોલર કિંગ પેલેનું નિધન થતાંજ સમગ્ર વિશ્વમાં ઘેરો શોક વ્યાપી ઉઠ્યો છે. કિંગ પેલેએ 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા અને ફૂટબોલનો સિતારા ‘તારો’ બની ગયો હતો.  વર્ષ 1958, 1962 અને 1970માં બ્રાઝીલને ફિફા વર્લ્ડકપ જીતાડી ત્રણ વખત વિશ્વકપ જીતાનાર એડસન એરાંતેસ ડો નૈસિમેન્ટો (પેલે) એકમાત્ર ખેલાડી છે. પેલેની પુત્રી કેલી ક્રિસ્ટિના નૈસિમેન્ટોએ તેના પિતાના મૃત્યુ બાદ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં પેલેના પરિવારના લોકો તેમને અંતિમ વિદાય આપતા જોવા મળ્યા હતા.

પેલેને શ્વસન ચેપ અને કીમોથેરાપીની સારવાર માટે ગયા મહિને 29 નવેમ્બરે સાઓ પાઉલોની આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાજેતરના વર્ષોમાં તેમને કરોડરજ્જુ, હિપ, ઘૂંટણ અને કિડની સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના મૃત્યુ બાદ પરિવારે પેલેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક નિવેદન જાહેર કર્યું છે. પેલેનું મૃત્યુ ફૂટબોલ પ્રેમીઓ માટે આઘાત સમાન છે. સોશિયલ મીડિયા પર તમામ ચાહકો ફૂટબોલ હીરોને અંતિમ વિદાય આપી રહ્યા છે. ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં તાજેતરમાં મળેલી હાર છતાં મેચને યાદગાર બનાવનાર ફ્રેન્ચ ફૂટબોલર એમબાપપેએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મૃત્યુના સમાચાર મળતાં જ મેસ્સીએ પણ પેલેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

ફૂટબોલરે લખ્યું, “ફૂટબોલના રાજા ભલે આપણને છોડીને ચાલ્યા ગયા હોય પરંતુ તેમના વારસાને ક્યારેય ભૂલી શકાય નહીં.”તેમનો જન્મ ભ્રષ્ટાચાર, લશ્કરી બળવા, સેન્સરશીપ અને દમનકારી સરકારોથી ઘેરાયેલા દેશમાં થયો હતો. તે સમયે સત્તર વર્ષના પેલેએ 1958માં પોતાના પ્રથમ વિશ્વકપમાં બ્રાઝિલની છબી બદલી નાખી હતી. કિંગ પેલે પાસે અદભુત સ્ટેમીના, તેનું હેડપાસની કલા, અને તેની ગોલ કરવાની કલા વિશ્વવિખ્યાત હતી. પેલેએ તેમની ફૂટબોલ કારકિર્દીમાં 1281 ગોલ ફટકાર્યા હતા.

રિટાયર્ડ થવા બાદ પણ પેલે નોર્થ અમેરિકન શોકર લીગમાં સહભાગી થયા હતા. કિંગ પેલે માત્ર ફૂટબોલ જગત માટેજ નહીં, પરંતુ નાના બાળકો માટે પણ રોલ મોડલ હતા. જેનું મુખ્ય કારણ એ છે કે તેઓ દારૂ અને ડ્રગસથી દુર રહયા છે. કિંગ પેલે 1366 ગેમ રમી હતી જેમાં તેઓએ 1281 ગોલ નોંધાવ્યા હતા. છેલ્લા જૂજ વર્ષોમાં પેલેને ઘણા સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો ઉભા થયા હતા. કિંગ પેલેનું અંગત જીવનમાં 2 ડાઈવોર્શ, અફેર અને તેમના બે બાળકો સમાચારમાં સતત રહ્યા છે.

કિંગ પેલેના નિધનથી સમગ્ર ફૂટબોલ જગતને ઘણો આઘાત પહોંચ્યો છે. અને ખ્યાતનામ ખેલાડી દ્વારા તેમના ટ્વીટર પર શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. કિંગ પેલેના નિધનથી બ્રાઝિલમાં ત્રણ દિવસીય શોક પણ પાડવામાં આવશે. કિંગ પેલે તેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ફૂટબોલ રમવા જ તેનો જન્મ થયો છે. બ્રાઝિલના પ્રેસિડેન્ટ જેર બોલસોનારોએ જણાવ્યું હતું કે કિંગ પેલે બ્રાઝિલની એક આગવી ઓળખ ઊભી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.