ગુજરાત સમાચાર
રાજ્યમાં હાલ ઉત્તરાયણનો માહોલ છવાયો છે. ગુજરાતીઓ આ રવિવારે ઉત્તરાયણ અને સોમવારે વાસી ઉત્તરાયણ ઉજવશે. જેના પગલે તડામાર તૈયારીઓ પણ થઇ રહી છે. ત્યારે આ તૈયારીઓ કરતા પહેલા આ બે દિવસે ગુજરાતમાં કેવો પવન રહેશે તે અંગેની હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલની આગાહી પણ જાણી લઇએ. અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં ઉત્તરાયણમાં પવનની ગતિ અને રાજ્યનું હવામાન કેવું હશે તે અંગે આગાહી કરી છે. આ સાથે તેમણે વાસી ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં છાંટાછૂટી થશે તેમ પણ જણાવ્યુ છે.
ઉતરાયણ પહેલા પતંગરસિયાઓ માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કરતા જણાવ્યુ છે કે, ઉતરાયણ પર્વ પર પતંગબાજો માટે વાતાવરણ સાનુકૂળ રહેશે. રાજ્યમાં 8થી 25 કિમિની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે. ઉતરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે પરંતુ વરસાદની શક્યતા નથી.