વર્ષ 2022નો શુભ-આરંભ કહેવું યોગ્ય નથી. કારણકે નવા વર્ષે કઈ શુભ થયું નથી. અશુભ થયું છે. વર્ષના પ્રથમ દિવસે જ દેશમાં મોટી ત્રણ દુર્ઘટના સર્જાઈ છે. પ્રથમ તો જમ્મુ કાશ્મીરમાં આવેલા માતા વૈષ્ણોદેવી ભવનમાં શુક્રવારે રાતે અંદાજે અઢી વાગે એટલે કે નવા વર્ષની શરૂઆતની થોડી જ કલાકોમાં દુર્ઘટના સર્જાઈ હતી. ત્યાં ભાવિકોની દોડાદોડ થઈ ગઈ હતી. લોકો એકબીજાને કચડીને દોડવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે. 20થી વધારે લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના 8 લોકોની ઓળખ થઈ છે. આ દુર્ઘટનાની તપાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે આદેશ પણ આપ્યા છે.
બીજી તરફ હરિયાણાના ભિવાનીના ખાણ વિસ્તાર ડાડમમાં આજે એક પર્વત ધસી પડ્યો હતો. દુર્ઘટનામાં કાટમાળમાં દટાઈને ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટનામાં 20-25 લોકો દટાયા હોવાની હાલ આશંકા છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ખાણકામમાં ઉપયોગમાં લેવાતાં કેટલાંક મશીનો પણ કાટમાળ નીચે દટાઈ ગયાં છે.
આ બે ઘટના ઉપરાંત તામિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. જિલ્લા કલેક્ટર મેઘનાથ રેડ્ડીએ આ માહિતી જાહેર કરી હતી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ આગ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ બાદ લાગી હતી. આ ઘટના જિલ્લાના શિવકાશી નજીક સ્થિત મેટ્ટુપતિ ગામમાં બની હતી.
આમ વર્ષના પ્રથમ દિવસે જ આ ત્રણ દુર્ઘટનાઓ ઘટી હતી. એટલે કદાચ મોટાભાગના લોકો માટે તો નવા વર્ષનો શુભારંભ ગણી શકાય. પણ જે દુર્ઘટનામાં ભોગ બન્યા છે તેઓના પરિવારજનો માટે તો અશુભ જ ગણાય.