ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાના પરિણામમાં જાહેર થતા ‘કહી ખુશી કહી ગમ’નો માહોલ જોવા મળી રહ્યો છે. આખા વર્ષની મહેનતના ફળની ઇંતજારી પુરી થઈ છે ત્યારે બોર્ડમાં અભ્યાસની સાથોસાથ રમત-ગમત ઉપર ધ્યાન ન આપવું જોઈએ તેવો ભ્રમ શહેરની ત્રણ હોકી પ્લેયર્સે ભાંગ્યો છે.
ધો.૧૦માં જીલ મનોજભાઈ મુંગપરાએ ૯૭.૫ પીઆર, ખુશી જયેશભાઈએ ૭૪.૪૭ પીઆર અને કક્ષા પરેશભાઈ સીતાપરાએ ૭૨.૨૪ પીઆર મેળવ્યા છે. આ ત્રણે વિદ્યાર્થીનીઓ હોકીમાં નેશનલ રમી ચુકેલી છે અને હોકીમાં સફળતા હાંસલ કરવા ૧૦-૧૦ કલાક પ્રેકટીશ કરે છે. છતા પણ ધો.૧૦માં ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે. આ તકે આ વિદ્યાર્થીનીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બોર્ડના અભ્યાસમાં પણ હોકી અને વાંચનનું સમતોલન જાળવી રાખવામાં પિતાનો સૌથી વધુ સહકાર મળ્યો હોવાનું કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણેય હોકી પ્લેયર્સ મેજર ધ્યાનચંદ્ર હોકી ગ્રાઉન્ડ ખાતે છેલ્લા ઘણા સમયથી કોચ મહેશભાઈ પાસે તાલીમ મેળવી રહી છે અને અભ્યાસ કડવીબાઈ વિરાણી સ્કુલમાં કર્યો છે.