250 જિલ્લાને અલગ તારવવામાં આવ્યા સ્થાનિક NGO સાથે જોડાણ કરાશે
કેન્દ્ર સરકાર દેશના દરેક જિલ્લામાં વૃદ્વાશ્રમ બનાવવાની યોજના ધરાવે છે. તેના માટે 250 જિલ્લાને અલગ તારવવામાં આવ્યા છે. કેન્દ્ર આ જિલ્લાઓમાં સ્થાનિક એનજીઓ સાથે જોડાણ કરશે એવી માહિતી સોશિયલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે સોમવારે આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે હવે દરેક જિલ્લામાં ‘ઘરડા ઘર’ ખોલાશે. સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વિરેન્દ્ર કુમારે છેલ્લાં 8 વર્ષમાં લીધેલા વિવિધ પગલાની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે સરકાર દેશના દરેક જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે વૃદ્વાશ્રમ બનાવવાની યોજના ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મંત્રાલય આવા વૃદ્વાશ્રમ માટે સ્થાનિક એનજીઓ સાથે જોડાણ કરી રહી છે.
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે યોજનાઓમાં મોટા ફેરફારો શરૂ કર્યા છે. જેમાં વિવિધ ફરિયાદોને આધારે અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ
અપાઇ રહી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પહેલી વખત ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર સ્કિમ દ્વારા બેંક ખાતામાં સિધા જ નાણા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 41 લાખ વિદ્યાર્થીઓને લાભ થયો છે. આ ઉપરાંત નશામુક્ત ભારત અભિયાન હેઠળ દેશભરમાં ઝુંબેશ ચાલી રહી છે. સરકારના ઝુંબેશના ભાગરૂપે ચાલુ વર્ષે ચાલુ વર્ષે 100 જિલ્લાને નશામુક્ત કરવાની યોજના ધરાવે છે.