ડીજીટલ કરન્સીનું ઘેલુ; અમદાવાદ, લખનઉ સહિતના મહાનગરોમાં વજીરએકસના વપરાશકર્તાઓ 2950% વધ્યા
ટ્રેડીંગ વોલ્યુમની દ્રષ્ટીએ ભારતનું સૌથી મોટુ લીડીંગ ક્રીપ્ટોકરન્સી એકસચેંજ પ્લેટફોર્મ બનતું વજીરએકસ
આજના 21મી સદીના આધુનિક યુગમાં ડિજિટલ સેવાનો વ્યાપ વિસ્તાર ખૂબ વધતો જઈ રહ્યો છે. મોબાઇલ, લેપટોપ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો તો સાથે ઈન્ટરનેટનો વપરાશ પણ વધતા દરેક ક્ષેત્રએ ડિજિટલાઈઝેશન તરફ હરણફાળ ભરી છે. ત્યારે હવે ઓનલાઇન પેમેન્ટ માધ્યમ દ્વારા ચુકવણા તો ડિજિટલ બન્યા જ છે પણ આ સાથે હવે ચલણ પણ ડિજિટલ બની ગયા છે. ફિઝિકલ કરન્સીની જગ્યા હવે ડિજિટલ કરન્સીએ લેતા રોકાણ ક્ષેત્ર મોટા પ્રમાણમાં પ્રભાવિત થયું છે. શેરબજારની જેમ હવે ડિજિટલ કરન્સી થકી રોકાણ કરવા રોકાણકારો વધુ રસ દાખવી રહ્યા છે.
બીટકોઈન, ક્રિપ્ટોકરન્સી તેમજ વજીરએક્સ જેવી ડિજિટલ કરન્સીએ રોકાણકારોને ધેલું લગાડ્યું છે. ભારતમાં રોકાણકારો આ ડિજિટલ કરન્સી તરફ વળ્યા છે. જેના પરિણામ સ્વરૂપ વજીરએક્સ કે જે ક્રિપ્ટોકરન્સીના લેવડ-દેવડ, ખરીદ-વેચાણ માટેનું એક એક્સચેન્જ પ્લેટફોર્મ છે, તે ટ્રેડિંગ વોલ્યુમની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું લીડિંગ ક્રિપ્ટો કરન્સી પ્લેટફોર્મ બની ગયું છે. આ વાતને સારી ગણવી કે ખરાબ એ પણ એક મૂંઝવણ છે. કારણ કે સિક્કાની બે બાજુની જેમ ડિજિટલ કરન્સીના સારા અને નરસા એમ બંને પરિણામ છે. મજબૂત સાયબર સુરક્ષાનો અભાવ સહિતના પરિબળો નકારાત્મક અસર માટે જવાબદાર છે.
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વજીરએક્સએ કહ્યું કે તેણે ભારતના ટાયર -2 અને -3 શહેરો એટલે કે નગર અને ઉપનગરોમાંથી વપરાશકર્તા સાઇન-અપમાં અધધ…. 2,648 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. પેઝર્સ ગેટવે ફર્મ રેઝરપે દ્વારા જનરેટ કરેલા રિપોર્ટના આધારે, વજીરએક્સએ જણાવ્યું કે, ટાયર -ll અને -III શહેરોએ 2021માં તેના પ્લેટફોર્મ પર કુલ વપરાશકર્તા સાઇન-અપના લગભગ 55 ટકા હિસ્સાને આગળ ધપાવ્યા છે, જે 2,375 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, સ્માર્ટફોનની કિંમતોમાં સતત ઘટાડો સાથે સસ્તા અને ઝડપી ઇન્ટરનેટનો ધસારો ભારતના અર્ધ-શહેરી વિસ્તારો અને ગ્રામીણ નગરોમાં ક્રીપ્ટોકરન્સી તરફની ઘેલછા માટે જવાબદાર છે. વજીરએક્સના સાઈન અપમાં જે વધારો નોંધાયો છે તે ટાયર-ll શહેરના લિસ્ટમાં અમદાવાદનો પણ સમાવેશ છે. અમદાવાદ સહિત લખનઉ અને પાટણ જેવા શહેરોએ 2950 ટકાની વજીરએક્સમાં વૃદ્ધિ નોંધાવી છે.