નર્મદા જિલ્લાનાં લોકો માટે સારા સમાચાર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં 30 કરોડ રૂપિયાનાં ખર્ચે સુરત અને અમદાવાદ સાથે હવાઇ માર્ગે જોડવામાં આવશે. જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને આસપાસનાં વિસ્તારોને પણ ફાયદો થશે.
પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા પ્રવાસન ઉદ્યોગને વધારવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વધુ 30 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, નર્મદા,સુરત અને ડાંગમાં નવા સફારી પાર્ક બનાવવામાં આવશે. આ ઉપરાંત રાજયના વન વિસ્તારમાં 371 ચો.કી. વિસ્તારમાં વધારો થશે. વન વિસ્તાર બહારના વૃક્ષોમાં 13.97 ટકાનો વધારો થયો છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે 350 કરોડનું લાંબા ગાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૈકી ચાલુ વર્ષે 125 કરોડ ખર્ચાશે.
પ્રવાસન મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આદિવાસી યુવાનોને વધુ રોજગારી મળે તેટલા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લક્ષ્ય બનાવીને રૂ. 30 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત રાજ્યમાં નવા 17 સ્થળોએ એર કનેક્ટિવિટી ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી તેમજ સુરત ખાતેથી હવાઇ માર્ગે જોડવાનું પણ આયોજન છે. ઉડાન યોજના હેઠળ હાલ 11 સ્થળોએ હવાઇ સેવા ચાલી રહી છે.