કોરોનાના વળતા પાણી શરૂ
૧૫ દિવસ પૂર્વે ૫૩ ટકાએ રહેલો રિકવરી રેટ હાલ ૭૬ ટકાએ પહોંચ્યો: ૧૦૪ નંબર ઉપર મળતી ફરિયાદોમાં પણ ૫૦ ટકા ઘટાડો: ડેથની સંખ્યા પણ ઘટી: ખાલી બેડની સંખ્યા વધી
કોરોનાની વર્તમાન સ્થિતિની સતાવાર આંકડાકીય વિગત જાહેર કરતા નોડેલ અધિકારી ડો.રાહુલ ગુપ્તા
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાએ બિહામણો માહોલ સર્જ્યો છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનાના નોડેલ અધિકારી ડો.રાહુલ ગુપ્તાએ આ અંગેની આંકડાકીય વિગતો જાહેર કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ૧૫ દિવસ પૂર્વે ૫૩ ટકાએ રહેલો રિકવરી રેટ હાલ ૭૬ ટકાએ પહોંચ્યો છે.૧૦૪ નંબર ઉપર મળતી ફરિયાદોમાં પણ ૫૦ ટકા ઘટાડો નોંધાયો છે.અને ડેથની સંખ્યા પણ ઘટી છે. આમ રાજકોટ ડીકલાઇનિંગ સ્ટેજ ઉપર આવ્યું હોવાનું તેઓએ સતાવાર રીતે જણાવ્યું છે.
રાજકોટ શહેરમાં કોરોનાનો અજગરી ભરડો હવે ધીમે ધીમે છૂટી રહ્યો છે. કોરોનાએ રાજકોટને બાનમાં લીધા બાદ હવે તેના વળતા પાણી શરૂ થઈ ગયા છે. આ અંગે રાજકોટના કોરોનાના નોડેલ ઓફિસર અને રાજ્યના ઉદ્યોગ કમિશનર ડો.રાહુલ ગુપ્તાએ સતાવાર રીતે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજકોટમાં કોરોના ડીકલાઇનિંગ સ્ટેજ ઉપર આવ્યું છે. ૧૫ દિવસ પૂર્વે કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ ૫૩ ટકા હતો. જે હાલ ૭૬ ટકા થઈ ગયો છે. રિકવરી રેટમાં નોંધપાત્ર સુધારો થયો છે. ઉપરાંત તમામ અર્બન હેલ્થ ક્લિનિક અને સિવિલ હોસ્પિટલની જે ઓપીડી છે. તેમાં દર્દીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. વહીવટી તંત્ર દ્વારા કોરોનાની સારવાર આપતી હોસ્પિટલની વિગતો આપવા તેમજ ફરિયાદો સ્વીકારવા માટે ખાસ ૧૦૪ નંબરની હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન ઉપર આવતા કોલમાં છેલ્લા ૧૫ દિવસમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. સાથે ડેથની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ૧૫ દિવસ પૂર્વે ખાલી બેડની સંખ્યા અંદાજે ૫૦૦ જેટલી હતી. જે હાલ ૧૦૮૮ એ પહોંચી છે.
વધુમાં ડો.રાહુલ ગુપ્તાએ ઉમેર્યું કે દરેક જીવન કિંમતી છે. વહીવટી તંત્ર તમામ રીતે સજ્જ છે. કોરોનાથી મોત ન થાય તે માટે ટેસ્ટિંગનું પ્રમાણ વધારીને કોરોના તુરંત જ ડિટેકટ થાય તે પ્રકારે હાલ કામગીરી ચાલી રહી છે.
સાંસદ અભયભાઈની તબિયત હાલ સ્ટેબલ
સાંસદ અભયભાઈ ભારદ્વાજની તબિયત વિશે ડો.રાહુલ ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું કે તેઓ હાલ પીડિયું હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.તેઓને એકમો મશીન મારફત ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હાલ તેઓ સ્ટેબલ છે.
લોકોએ સાવચેત રહેવું અને તમામ નિયમોનું પાલન કરવું : ડો. રાહુલ ગુપ્તા
ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે લોકોએ કોરોનાની ગંભીરતા સમજીને સાવચેતી રાખવી જરૂરી છે. વર્તમાન સ્થિતિથી ગભરાવવાની જરૂર જરા પણ નથી માત્ર તકેદારી રાખવાની આવશ્યકતા છે. લોકોએ તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતની તકેદારીનો આગ્રહ રાખવો જોઈએ.