તેલીબિયાં, કપાસ, કઠોળમાં મબલખ પાક દેવા મેઘરાજાની મહેર!!
હાલ સુધી રાજ્યમાંમાં મોસમનો કુલ ૩૦% જેટલો વરસાદ પડ્યો છે. ચોમાસુ પાછળ ઠેલાતાં જગતનો તાત ચિંતારૂપી વાદળમાં ઘેરાયો હતો. જો કે, વાવણીલાયક વરસાદ પડી જતા ખેડૂતોના હૈયે ટાઢક થઈ હતી. ગઈકાલથી વરસાદનું હોર ઘટશે તેવી આગાહી વચ્ચે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સર્જાયું છે ત્યારે આગામી સપ્તાહથી વરસાદનો વધુ એક સારો રાઉન્ડ શરૂ થશે ત્યારે જગતના તાત માટે સારા સમાચાર આવી રહ્યા છે. ખેતીપ્રધાન દેશ માટે વરસાદ અત્યંત જરૂરી હોય ખેડૂતોના હૈયે ફરીવાર ટાઢક થશે. રાજ્યમાં મોટાભાગે વાવેતર થઈ ચૂક્યું છે અને હવે મોલાત પર આગામી સપ્તાહથી કાચું સોનુ વરસાવવા મેઘારાજાની વધુ એક ઇનિંગ શરૂ થનાર છે.
રાજ્યમાં હાલ તેલીબિયાં, કપાસ અને કઠોળનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. હાલ સુધી વરસાદમાં વિલંબ થવાના કારણે તેલીબિયાં પ્રોડક્ટ્સના ભાવમાં જબબર ઉછાળો જોવા મળી રહ્યો હતો. ખાદ્યતેલના ભાવમાં પણ બમ્પર વધારો થયો છે ત્યારે હાલનો સમય તેલીબિયાંના મોલાતને સૂયા, કપાસમાં પાણ અને કઠોળમાં દાણા આવવાનો સમય છે ત્યારે વરસાદ આ તમામ પ્રક્રિયા માટે અત્યંત જરૂરી છે. તેવા સમયે નવી સિસ્ટમ સક્રિય થવી લાપસીના આંધણ મુકવા જેવા સમાચાર છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા અમુક દિવસોથી મેઘમહેર થતાં પાક અને પાણીનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઇ ગયું છે. વરસાદ ખેંચાતા જગતના તાતના ચહેરાઓ પર ચિંતાના વાદળો ઘેરાઇ ગયા હતા. હવે તે જ ચહેરા પર હાલ સ્મિત રેલાઈ રહ્યું છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં ગઈ કાલે એક નવું લો પ્રેશર સર્જાયું છે. જો સાનુકૂળ સ્થિતિ સર્જાશે તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદના વધુ એક સારા રાઉન્ડની સંભાવના રહેલી છે.
બંગાળની ખાડીમાં ગત સપ્તાહમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં માંગ્યા મેહ વરસ્યા હતા. હવે આ સિસ્ટમ થોડી નબળી પડી છે છતાં આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાયું છે. જેના કારણે મોન્સૂન રૂફમાં ફેરફાર આવશે. ત્યારબાદ જો સાનૂકૂળ પરિસ્થિતિ સર્જાશે તો સમગ્ર ગુજરાતમાં વરસાદનો વધુ એક સારો રાઉન્ડ આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.
લો પ્રેસર સક્રિય થતાં રાજ્યમાં મેઘમહેર ચાર દિવસ યથાવત રહેશે. આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. ગઈકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટયું હતું તેવા સમયમાં વધુ એક લો પ્રેસર સર્જાતાં હાશકારો થયો છે. રાજ્યમાં ગત વર્ષે ૨૬ જુલાઈ સુધીમાં ૧૩ ઇંચ સાથે સિઝનનો સરેરાશ ૩૬.૬૬ ટકા વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે હજુ સુધી વરસાદ નું પ્રમાણ સામાન્ય રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં મોસમનો સૌથી વધુ ૩૫.૧૯% કચ્છમાં, સૌરાષ્ટ્રમાં ૮.૩૦ ઇંચ સાથે સિઝનનો ૩૧ ૮૯% ટકા વરસાદ નોંધાયો છે.