• એચસીએલ એજન્સીને સાથે રાખી મ્યુનિ.કમિશનર આનંદ પટેલે કરી સાઇટ વિઝીટ: ડીઝાઇનમાં સામાન્ય ફેરફાર કર્યા બાદ દિવાળી સુધીમાં ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવાની કોર્પોરેશનની ગણતરી

વર્ષોથી ફાઇલમાં અટવાયેલો આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સાકાર થવાની દિશામાં થોડોક આગળ વધ્યો હોય તેવા સુખદ સંજોગો મળી રહ્યા છે. 11 કિલોમીટરની આજી નદીને એકસાથે ડેવલપ કરવાને બદલે રાજકોટના ગામદેવતા રામનાથ મહાદેવ મંદિર પાસે એક કિલોમીટર વિસ્તારમાં રિવરફ્રન્ટનું કામ પ્રથમ તબક્કે શરૂ થાય તેવી સંભાવના ઉભી થવા પામી છે. રાજ્ય સરકાર દ્વારા આ કામ માટે 180 કરોડની ગ્રાન્ટ પણ મંજૂર કરવામાં આવી છે. આ માટે એજન્સીની પણ નિયુક્તી કરી દેવામાં આવી છે. ગઇકાલે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે એચસીએલ એજન્સીના માણસોને રાખી સાઇટ વિઝીટ કરી હતી. ટૂંક સમયમાં ડિઝાઇનમાં સામાન્ય ફેરફાર કર્યા બાદ પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રામનાથ મહાદેવ મંદિર આસપાસના એક કિલોમીટરના વિસ્તારને ડેવલપ કરવામાં આવશે. ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનું કામ એચસીએલ એજન્સીને સોંપવામાં આવ્યું છે. આ એજન્સી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, નવા સંસદ ભવનનું નિર્માણ અને કાશી વિશ્ર્વનાથ મંદિર બનાવવાનું કામ કર્યું છે. આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે સર્વે સહિતની કામગીરી પૂરી થઇ ગઇ છે. ટૂંક સમયમાં સામાન્ય ફેરફાર કરી તેમાં દિવાળી સુધી ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવશે.

Good news for the realization of Aji Riverfront project
Good news for the realization of Aji Riverfront project

આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે ક્ધસલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લીમીટેડ, અમદાવાદને નિમણુંક કરવામાં આવેલ છે. આ એજન્સી દ્વારા ફાઈનલ માસ્ટર પ્લાનની ડીટેઈલ ડિઝાઈનની કામગીરી હાથ ધરવામાં આવશે.

વધુમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, આજી ડેમમાં જે દુષિત પાણી ડેમમાં જાય છે. તેને ટ્રીટ કરી રાજકોટ મહાનગરપાલિકાના અન્ય કામોમાં વપરાશ કરવા અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.મ્યુનિસિપલ કમિશનરએ સાઈટ વિઝિટ દરમ્યાન એજન્સીના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી પ્રોજેક્ટની માહિતી મેળવી હતી.

આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ખાતે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. અલ્પના મિત્રા, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, ડી.ઇ.ઇ. પરેશ પટેલ અને એજન્સીના પ્રતિનિધિઓ દ્વારા સંયુક્ત સાઈટ વિઝિટ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.