રાજ્યભરમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ જેઈઈ-નીટ સહિતની પરીક્ષા આપતા હોય છે. મેડિકલ ક્ષેત્રે અથવા એન્જીનીયરીંગ ક્ષેત્રે પ્રવેશ મેળવવા માટે આ તમામ પરીક્ષાઓ યોજાતી હોય છે. હવે વિદ્યાર્થીઓ આવી પરીક્ષાઓ માટે પુરતી મહેનત કરી શકે અને તેના કોચિંગ લઈ શકે તે માટે રાજ્યભરના 4 ઝોનમાં 4 કોચીંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત આજે ગૃહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી હતી.
આજે રાજ્યની કેબીનેટની બેઠક મળી હતી. જેમાં અનેક મુદ્દા ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં ખાસ તો દર વર્ષે રાજ્યભરમાં ધો.12 પાસ કરી નિકળેલા વિદ્યાર્થીઓ જેઈઈ મેઈન્સ, જેઈઈ એડવાન્સ, નીટ, કેટ સહિતની પરીક્ષાઓ આપતા હોય છે. આ માટેના રાજ્યભરમાં પુરતા કોચીંગ સેન્ટર ન હોય વિદ્યાર્થીઓ આ માટે કોચિંગ કેમ્પનો સહારો લઈ આગળ વધે અને વિદ્યાર્થીની કારકિર્દી સુધરે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાં વિદ્યાર્થીઓની સુખાકારી માટે અને વિદ્યાર્થી આ તમામ પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે 4 ઝોનમાં અલગ અલગ 4 કોચીંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ કોચીંગ સેન્ટરમાં વિવિધ વિષયોના તજજ્ઞો વિદ્યાર્થીને પુરતુ માર્ગદર્શન આપશે અને પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તે અંગે પણ વિદ્યાર્થીઓને માહિતીનું પ્રદાન કરશે.
ગૃહમાં આજે જાહેરાત કરવામાં આવી છે કે, નીટ, ચેઈઈની પરીક્ષા માટે કોચીંગ સેન્ટર સ્થાપવામાં આવશે. આ કોચીંગ સેન્ટર રાજ્યભરમાં ચાર જગ્યાએ સ્થપાશે અને ટૂંક સમયમાં તેનું કામ પુરજોશમાં શરૂ થશે.