વેપારી-લોકો હવે સીધા જ બગીચાની કેરી ખરીદતા થયા હોવાથી બાગાયતદારોને એકસ્પોર્ટ જેવા ભાવ મળે છે: ગફુરભાઈ કુરેશી

કેરીનો રાજા અને સ્વાદ સોડમ, સુગંધની રાણી ગણાતી કેસર કેરીના આગમનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વખતે કેટલીક વિશિષ્ટ અને ચોક્કસ પરિસ્થિતિને લઈને કેસર કેરીના બાગાયતદારોને સારો એવો ફાયદો થાય તેવા શુકનવંતા સંજોગો ઉભા થયા છે. જૂનાગઢ અને ગિર સોમનાથ તેમજ અમરેલી જિલ્લામાં કેસર કેરીના બગીચાઓમાં આ વખતે 30 થી 40 ટકા જેટલો પાક લહેરાઈ રહ્યો છે અને આ વખતે સાનુકુળ ગરમી અને વાતાવરણના કારણે કેસર કેરીની ક્વોલીટી અને કોન્ટીટીમાં સુધારો થયો છે.

આગામી દશેક દિવસોમાં આ સિઝનની કેસર કેરી બજારમાં આવી રહી છે ત્યારે ગયા વર્ષના સાંપેક્ષમાં 60% જેટલું ઉત્પાદન થશે. પર્યાવરણ અને બદલાયેલા હવામાનની અસર વચ્ચે આ વખતે કમોસમી વરસાદ અને વાજડી જેવા નકારાત્મક પરિબળોથી બચેલા આંબાના બગીચાઓમાં બાગાયતદારોને સારૂ વળતર મળશે. જૂનાગઢ, ગિર સોમનાથ, અમરેલી કેસર કેરીના ઉત્પાદનમાં મુખ્ય જિલ્લાઓ ગણાય છે. આ વખતે અંદાજીત 2.50 લાખ ટન કેરીનું ઉત્પાદન થશે. 60 ટકા જેટલા ઉત્પાદનમાં હવે બદલાયેલી પરિસ્થિતિને લઈને કેસર કેરીના બાગાયતદારોને પોષણક્ષમ ભાવો મળવાના સંજોગો ઉભા થયા છે.

તાલાલા ગિર સહિત કેરી ઉત્પાદક વિસ્તારમાં આ વખતે સાનુકુળ વાતાવરણ અને માંગના કારણે 40% પાકમાં બાગાયતદારોને પૂરું વળતર મળે તેવા સંજોગો

તાલાલા, ગિર સોમનાથ જિલ્લાના કેસર કેરીના બાગાયતદાર પ્રગતિશીલ ખેડૂત ગફૂરભાઈ કુરેશીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે 60% જેટલું ઉત્પાદન આવશે. કેસર કેરીના વેપારીઓ અને સારી ક્વોલીટીના શોખીનો કેરીની ખરીદીની પેટર્ન બદલાઈ છે અને હવે લોકો અને વેપારીઓ બગીચામાંથી જ સીધી કેરી ખરીદતા હોવાથી બાગાયતદારોને દલાલોનું કમિશન દેવું પડતું નથી અને કેરીના સારા ભાવ મળે છે. સારી ક્વોલીટીની એકસ્પોર્ટ કેસરના ભાવ રૂા.1 હજાર પ્રતિ બોક્ષ ગણાય છે. આ ભાવ હવે બાગાયતદારોને પોતાના બગીચામાં બેઠા-બેઠા જ મળવા લાગ્યા છે. કેરી માટે જરૂરી એવી ગરમી અને માફક આબોહવાના કારણે આ વખતે કેરીના ફાલમાં ક્વોલીટી સારી હોવાથી ભાવ પુરતા મળશે તેવી આશા વ્યકત કરીને ગફૂરભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાંક વર્ષોથી કેરીના શોખીનો હવે ક્વોલીટી જોઈને ભાવ આપતા થયા હોવાથી પ્રગતિશીલ ખેડૂત અને કેરીને મોર આવે ત્યારથી જ સાચવીને પાકેલી કેરીનો વેડો સમયસર ઉતારી ગ્રેડીંગ પધ્ધતિથી કેરીનું વર્ગીકરણ કરીને બાગાયતદારો સારો ભાવ લેતા થયા છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ પણ આ વખતે સારા મોર આવ્યા હોવાનું જણાવીને ખેડૂતોને આંબાની માવજતની સમયસરની સુચના અને સાવચેતીના અમલના માર્ગદર્શનથી ખેડૂતોને સારૂ એવું વળતર મળશે. તાલાલાની કેસર કેરીમાં સ્વાદ, સોડમ અને ઔષધીય ગુણ ભરપુર હોવાથી દેશ ઉપરાંત વિદેશમાં પણ આ કેરીની ભારે માંગ છે. આ વખતે 60% જેટલા ઉત્પાદન અને ફળ મોટા અને સારી ક્વોલીટીની કેરી તૈયાર થવામાં માત્ર 10 દિવસની વાર છે ત્યારે બાગાયતદારોના બગીચામાં જઈને લોકો કેરી ખરીદતા થયા છે. સારામાં સારી કેરીનો એક્ષપોર્ટ ભાવ રૂા.1000 બોક્ષ ગણાય છે. આ ભાવમાં લોકો હવે બગીચામાંથી કેરી ખરીદતા થયા હોવાથી ખેડૂતોને સારો ભાવ મળશે.ગફૂરભાઈએ જણાવ્યું હતું કે, ગરમી અને પવન વગરનું વાતાવરણ કેરીના પાક માટે ફાયદારૂપ છે. આ વખતે વાતાવરણ કેરી અનુકુળ હોવાથી બાગાયતદારોને ફાયદો થશે. વરસાદ અને વાવાઝોડાથી મોટાભાગે કેસરના બગીચામાં નુકશાન થતું હોય છે જે આ વખતે નહીવત છે. ગરમી વધે એટલે કેરીનો ફાયદો થાય આ વખતે કેરીની ક્વોલીટી સારી હોવાથી સારા ભાવ મળશે તેમ જણાવ્યું હતું.

આ વખતે એકસ્પોર્ટ ક્વોલીટીના 10 કિલોના રૂા.1000ના ભાવ અને  છુટક રિટેલ બજારમાં બીજા ગ્રેડની કેરી રૂા.600 સુધી બજારમાં મળશે. ગફૂરભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે, કેરીના બાગાયતો માટે આ વખતે વાતાવરણ સાનુકુળ અને લોકો સીધા જ બગીચાથી કેરી લેતા થયા હોવાથી એક્ષપોર્ટના ભાવ બાગાયતદારોને બગીચે બેઠા મળે તેવા સંજોગો દેખાઈ રહ્યાં છે.

જાપાનના સહયોગથી વનીકરણ, પર્યાવરણ જતનની યોજના કેરીના બાગાયતદારો માટે આશિર્વાદરૂપ બનશે

કેરીના ગઢ ગણાતા જૂનાગઢ, ગિર સોમનાથ, અમરેલીના વિસ્તારોને સરકારની જાપાનના સહયોગથી વન વિસ્તરણ અને પર્યાવરણના જતનની યોજનાનો લાભ મળશે. ભારત સરકાર અને જાપાનના સહયોગથી દરિયા કિનારાની વેટલેન્ડ પર મેગ્રોવના જંગલો અને પર્યાવરણ સુધારણા માટેની યોજનાનો અમલ શરૂ થવાની તૈયારી છે. સરકારની વેટલેન્ડ ડેવલોપમેન્ટ અને જમીન સુધારણા સાથે વનીકરણની આ યોજના કેસર કેરીના બાગાયતી વિસ્તાર જૂનાગઢ, અમરેલી, ગિર સોમનાથને પણ મળશે અને આવનાર દિવસોમાં સામાજિક વનીકરણ, ફળાઉ ઝાડની નર્સરી અને બાગાયતદારોને પ્રોત્સાહન માટે સરકારની આ યોજના આશિર્વાદરૂપ બનશે.

 

40 વિઘાની નર્સરીમાં ગફૂરભાઈ કુરેશીના પરિવારનો ઈકોફ્રેન્ડલી પુરૂષાર્થ રંગ લાવ્યો

gafurbhai

તાલાલાના પ્રગતિશીલ ખેડૂત ગફૂરભાઈ કુરેશી બાળપણથી જ કેરીના બાગાયતદાર તરીકે જોડાયેલા છે. 10 વિઘામાંથી 40 વિઘાની નર્સરીમાં આખુ કુરેશી પરિવાર જહેમત ઉઠાવી રહ્યું છે. ગફૂરભાઈ કુરેશી પરિવાર કેરીના નવા સંશોધન, નવી જાતોના વિકાસ અને છોડવાઓ ઉછેરીને વેંચવામાં પર્યાવરણની અનોખી સેવા કરી રહ્યાં છે. ગફૂરભાઈએ જણાવ્યું હતું કે, કોરોના કટોકટી અને કુદરતી આફતોએ લોકોને હવે પર્યાવરણ અને ઓક્સિજનની જરૂરીયાતો સમજવા મજબૂર કર્યા છે ત્યારે અમારા પરિવારે અત્યાર સુધી 6 કરોડ વૃક્ષો ઉછેરીને તેનું વાવેતર કરવામાં નીમીત બન્યા છીએ.

કુરેશી પરિવારની નર્સરીમાં નવી જાતોનું સંશોધન અને કેરીની પણ અનેક જાતો વિકસાવી છે. અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં લોકો બહાર નીકળતા નથી, ઘરમાં રહેતા હોવાથી સંશોધન ક્ષેત્રે થોડી ઓટ આવી હોવાનું જણાવી લોકોને પર્યાવરણનું જતન કરવાનો સંદેશો આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.