ભારત, નેપાળ સહિતના દેશોની મુસાફરી પર મુકેલો પ્રતિબંધ ગુરુવારથી હટાવાયો
કોરોનાને કારણે વિશ્વભરમાં છવાયેલી મહામારીને કારણે હાલ સંક્રમણના ખતરાથી બચવા વિભિન્ન દેશો દ્વારા આંતરરાષ્ટ્રીય હવાઈ ઉડ્ડયન પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાતએ પણ ભારત, પાકિસ્તાન, નેપાળ તેમજ શ્રીલંકા સહિતના દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે આ પ્રતિબંધ આગામી ગુરુવારથી હટાવી દેવાની જાહેરાત કરવામાં આવી છે.
નેશનલ ઇમરજન્સી એન્ડ ક્રાઇસિસ મેનેજમેન્ટ ઓથોરિટી (NCEMA)એ જણાવ્યું છે કે ભારત, પાકિસ્તાન સહિતની ટ્રાન્ઝિટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ ગુરુવારથી હટાવી લેશે. આ પ્રતિબંધ હટતા યુએઈમાં રહેતા મૂળ ભારતીયો વતન અવર-જવર કરી શકશે. પ્રતિબંધથી જે સેંકડો નાગરિકો અટવાયા હતા તેમને રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે ભારત સહિતના દક્ષિણ એશિયાના ઘણા દેશો અમીરાત, એતિહાદ એરવેઝ અને અન્ય યુએઈ કેરિયર્સ ફ્લાયદુબાઈ અને એર અરેબિયા (AIRA.DU) માટે મહત્વપૂર્ણ બજારો છે. ગલ્ફ સ્ટેટ યુએઇ કે જે એક ટોચનું આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ હબ છે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે આ વર્ષે ઘણા દક્ષિણ એશિયન અને આફ્રિકન રાજ્યોના મુસાફરો પર પ્રતિબંધ મૂક્યો હતો.
NCEMA એ ટ્વિટર પર જણાવ્યું હતું કે જે દેશોમાંથી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તે મુસાફરો 5 ઓગસ્ટથી તેના એરપોર્ટ મારફતે પરિવહન કરી શકશે. જો કે આ માટે મુસાફરોએ ફરજીયાત રસી લીધેલી હોવી જોઈએ અને પ્રસ્થાનના 72 કલાક પહેલા લેવામાં આવેલ ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ. જણાવી દઈએ કે આ યુએઈના આ આંતરરાષ્ટ્રીય પરિવહન પ્રતિબંધમાં નેપાળ, શ્રીલંકા, યુગાન્ડા અને નાઇજીરીયા પણ સામેલ હતા.