મોંઘવારી ભથ્થાની ચુકવણી, વિદ્યુત સહાયકને હાયર ગ્રેડ, સિનીયોરીટી, રજાઓ સહિતના લાભ તથા શહેરમાં સમાવાયેલ નવા વિસ્તારોના અધિકારી-કર્મચારીઓને તે મુજબનું એચઆર આપવા સરકાર સંમત
ઉર્જા સંયુકત સંકલન સમિતિની મહેનત રંગ લાવતા આજે વીજ કર્મીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે વીજ કર્મીઓની 3 માંગ સ્વીકારી લીધી છે જેમાં મોંઘવારી ભથ્થાની ચુકવણી વિદ્યુત સહાયકને હાયર ગ્રેડ, સીનીયોરીટી, રજાઓ સહિતના લાભ તથા શહેરમાં સમાવાયેલ નવા વિસ્તારોના અધિકારી – કર્મચારીઓને તે મુજબનું એચઆર આપવા સરકાર સંમત થઇ છે.
સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલી આંદોલનની નોટીસના અનુસંધાને આજે ગાંધીનગર સચિવાલય ખાતે કનુભાઈ દેસાઇ, ઉર્જા અને નાણાં મંત્રીની ઓફિસમાં સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ જીબિઆના પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા અને એજીવિકેએસના પ્રમુખ ભરતભાઇ પંડ્યાની હાજરીમાં જીયુવીએનએલના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે, એજીવિકેએસના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ એસ.પટેલ તથા જીબિઆના સેક્રેટરી જનરલ બી.એમ.શાહ અને સુપર પાવર/કોર કમિટીની હાજરીમાં મિટિંગ યોજવામાં આવેલ, જેમાં મોંઘવારી ભથ્થાની ચુકવણી એજીવિકેએસ અને જીબિઆ સાથે આઈ.ડી. એક્ટ-1947 ની કલમ 2(પી) અને 12(3) હેઠળ થયેલ કરાર મુજબ જ ચુકવણી કરવાની સૂચના સરકાર તરફથી આપવામાં આવેલ છે.
વિદ્યુત સહાયક સમયગાળામાં એજીવિકેએસ અને જીબિઆ સાથે થયેલ કરાર મુજબ જ (જૂની પ્રથા મુજબ જ એટલે કે 3 વર્ષ અને 2 વર્ષ) યથાવત રાખવાની તથા અમલવારી કરવા અંગે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવેલ છે સાથે સાથે સરકારના સહાયક કર્મચારીઓને મળતા હક્કો જેવા કે હાયર ગ્રેડ, સિનિયોરિટી, રજાઓ તથા અન્ય લાભો સરકારના ધારા-ધોરણ મુજબ અમલ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રાજ્ય સરકાર દ્વારા તેમના નોટિફિકેશનથી સુધારો કરી ઘણા પંચાયતના વિસ્તારોને શહેરી વિકાસના નોટીફીકેશન દ્વારા શહેરની હદમાં સમાવેશ કરતાં તે તમામ વિસ્તારોમાં આવતી ઊર્જા વિભાગ અંતર્ગતની કચેરીઓ (કઠોર, શિલજ,વેલન્જા જેવી અન્ય) માં ફરજ બજાવતા કર્મચારી/અધિકારીઓને જે તે શહેરનું એચ. આર. એ. આપવા સૂચના આપવામાં આવેલ છે. તેમ અગ્રવિકાસસંઘના સેક્રેટરી જનરલ બળદેવભાઇ પટેલ અને જીબીઆનાં સેક્રેટરી જનરલ બી.એમ.શાહની યાદીમાં જણાવાયું છે.