સેન્સેક્સે 58000ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં હરખની હેલી: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં મજબૂતાઇ
બૂલિયન બજારમાં પણ તેજીનો ટોન: સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ બેરલના ભાવમાં પણ ઘટાડો
આજે વર્ષ-2021ના અંતિમ દિવસે જાણે ભારતીય શેરબજાર રોકાણકારોને નવા વર્ષની ભેટ આપી રહ્યો હોય તેમ ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના અંતિમ દિવસે સતત ગ્રીન ઝોનમાં કામકાજ કરતાં નજરે પડ્યા હતાં. સેન્સેક્સે આજે ઇન્ટ્રા-ડેમાં ફરી એક વખત 58,000ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં હરખની હેલી વ્યાપી જવા પામી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે મજબૂત બન્યો હતો. નિફ્ટી, બેંક નિફ્ટી, અને નિફ્ટી મિડકેપ-100માં ઉછાળા જોવા મળ્યા હતાં.
આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ અને વર્ષના અંતિમ દિવસે ભારતીય શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો ઉછાળા સાથે ખૂલ્યા હતાં. દિવસ દરમિયાન રોકાણકારોએ નવા વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર ચાલુ રાખતા દિવસ દરમિયાન બજારમાં તેજી જળવાઇ રહી હતી. આજે ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 58,409.30ની સર્વોચ્ચ સપાટી જ્યારે 57,846.52ની નીચલી સપાટી હાંસલ કરી હતી. આજે દિવસ દરમિયાન 650થી વધુ
પોઇન્ટની અફરાતફરી જોવા મળી હતી. નિફ્ટીએ આજે ઇન્ટ્રા-ડેમાં 17,400.80ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી જ્યારે 17,238.50 સુધી નીચે સરક્યો હતો. આજની તેજીમાં હિદાલ્કો, ટાઇટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, સીએમએસ ઇન્ફોસિસ્ટમ, રિલાયન્સ, વોડાફોન જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે એનટીપીસી, સિપ્લા, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ, આરબીએલ સહિતની કંપનીના શેરોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો. બૂલિયન બજારમાં પણ આજે તેજી રહેવા પામી હતી. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 460 પોઇન્ટના ઉછાળા સાથે 58,254 અને નિફ્ટી 150 પોઇન્ટના ઉછાળા સાથે 17,354 પર કામકાજ કરી રહી છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 8 પૈસા મજબૂતાઇ સાથે 74.33 પર ટ્રેડ કરી રહ્યો છે.