ઈન્ટ્રાડેમાં સેન્સેકસે ૪૦,૫૦૦ની સપાટી ઓળંગી: નિફટી પણ ૭૧ પોઈન્ટ અપ: ડોલર સામે રૂપિયામાં મજબુતાઈ
સપ્તાહનાં અંતિમ ટ્રેડિંગ સેશનમાં આજે શેરબજારમાં તેજીનો ટોન જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો મજબુત બન્યો હતો તો સેન્સેકસ અને નિફટીમાં ઉછાળા જોવા મળ્યા હતા. ઈન્ટ્રાડેમાં સેન્સેકસે ૪૦,૫૦૦ પોઈન્ટની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે.
આજે સપ્તાહનાં અંતિમ દિવસે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. ઉઘડતી બજારે સેન્સેકસે ૨૫૦ પોઈન્ટથી વધુનાં ઉછાળા સાથે ઈન્ટ્રાડેમાં ૪૦,૫૦૦ની સપાટી ઓળંગી હતી તો નિફટીમાં પણ ૭૧ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
નિફટી પણ ૧૨,૦૦૦ની સપાટીને હાંસલ કરવા માટે જાણે તલપાપડ બની હોય તેવું લાગી રહ્યું હતું.
અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં ૧૨ પૈસાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. આજનો શુક્રવાર ભારતીય શેરબજાર માટે ગુડ ફ્રાઈડે સાબિત થયો હોય તેવું લાગી રહ્યું છે. તેજીમાં ભારતી ઈન્ફ્રા તેલનાં ભાવમાં ૬.૪૭ ટકા, ભારતી એરટેલનાં ભાવમાં ૬.૫૫ ટકા, એસબીઆઈનાં ભાવમાં ૩.૬૬ ટકા અને ટાટા મોટર્સનાં ભાવમાં ૨.૨૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો તો તેજીમાં પણ આઈઓસી, શીપલા, એફડીએફસી અને બીપીસીએલ કંપનીનાં શેરોનાં ભાવ તુટયા હતા.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૨૨૫ પોઇન્ટનાં ઉછાળા સાથે ૪૦,૫૧૧ અને નિફટી ૬૨ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૯૩૪ પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૧૨ પૈસાની મજબુતી સાથે ૭૧.૮૫ પર ટ્રેડ કરી રહ્યો છે.