ક્રિકેટ કૌશલ્ય અને માઇન્ડ ગેમ તરીકે ઓળખાય છે: હાઇટવાળા બોલરો તેના બોલિંગ વેરિએશનથી બેટ્સમેનને મુંઝવતા હોય છે: ક્રિકેટમાં ઊંચુ કે નાનું હોવું તેના પ્રદર્શનમાં બહુ ફરક નથી પડતો: સચિન જેવા ક્રિકેટર ક્રિકેટમાં ભગવાન કહેવાયા છે, પણ ઊંચા બોલરોને કારણે બાઉન્સરનો ફાયદો મળે છે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં સૌથી ઉંચા બેટ્સમેનોમાં કિવી પીટર ફુલટન (199 સે.મી.) અને ઇંગ્લેન્ડના ટોની ગ્રેગ (198 સે.મી.) હતા: એક જમાનામાં વેસ્ટ ઇન્ડિસના ધ બીગ બર્ડ જોએલ ગાર્નરથી આખી દુનિયાના બેટ્સમેનો ધ્રુજતા હતા
આજે દુનિયામાં ક્રિકેટ રમતનો ક્રેઝ આસમાને છે, ફૂટબોલ બાદ સૌથી વધુ રમાતીને જોવાતી રમત છે. ટેસ્ટ બાદ વન ડે, ટી-20, ટી-10, વર્લ્ડકપ જેવી વિવિધ સિરિઝ આખુ વર્ષ એકબીજા દેશો રમતા હોય છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ સમગ્ર વિશ્ર્વના ક્રિકેટનું ટાઇમ-ટેબલ નક્કી કરતાં હોય છે. આજે તો ડે-નાઇટ વનડે ની જેમ હવે ટેસ્ટ મેચ પણ ડે-નાઇટ રમાવા લાગ્યા છે. સફેદ-ગુલાબી કે લાલ બોલથી રમાતા ક્રિકેટમાં નવા-નવા નિયમો આવવાથી તેમાં રોમાંચ અને મનોરંજન વધ્યું છે. વિશ્ર્વભરના યુવાનોને આ રમત ઘણી પ્રિય છે. ભારત સહિત દુનિયાના તમામ ક્રિકેટ બોર્ડ અઢળક કમાણી પણ કરી રહ્યા છે. પોતાના ખેલાડીને ગ્રેડ વાઇસ કરાર કરીને આખુ વર્ષ સતત ક્રિકેટ રમે છે.
ક્રિકેટ કૌશલ્ય સાથે માઇન્ડ ગેમ તરીકે ઓળખાય છે. બેટ્સમેનોની સાથે બોલરોનું વિશેષ મહત્વ છે. આ રમતમાં ઉંચુ કે નાનુ હોવું તેના પ્રદર્શનમાં બહુ ફરક નથી પાડતો. આપણી ટીમમાં વિશ્ર્વનાથ, સોલકર,સચીન જેવા ક્રિકેટરોની હાઇટ નાની હતી છતાં તેઓ સફળ થયા હતા. કપિલ દેવની હાઇટ હતી તો તે પણ વર્લ્ડકપ જીતીને લાવ્યા હતા. બોલરોની સારી ઊંચાઇ તેના બોલને ઝડપ અને ઉછાળ આપવામાં મદદરૂપ થાય છે. દુનિયાભરમાં હાઇટ વાળા બોલરોએ તેના બોલિંગ વેરિએશનથી બેટ્સમેનોને મુંઝવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં કિવી પીટર ફૂલટોન અને ટોની ગ્રેગ જેવા સૌથી ઊંચા બેટ્સમેનો હતા. વેસ્ટ ઇન્ડિસના ધ બીગ બર્ડ જોએલગાર્નરથી આખી દુનિયાના ક્રિકેટરો ધ્રુજતા હતાં.
આજના યુગમાં ક્રિકેટરો અવનવી હેરસ્ટાઇલ, ટેટુ વિગેરે સાથે ફિટનેશ ઉપર પુરતું ધ્યાન આપી રહ્યા છે. બેટીંગ, બોલિંગ, ફિલ્ડીંગ જેવા ક્રિકેટના વિવિધ પાસા સાથે રણનીતીની આવડત, કુનેહ મેચનું પાસુ પલટાવી શકે છે. ફાસ્ટ બોલરની એક્યુરસી સાથે સ્પીન ગેંદબાજનું પણ મહત્વ ક્રિકેટ જગતમાં છે. દરેક ટીમમાં એક ઓલરાઉન્ડર હોવો જરૂરી છે. જે છઠ્ઠા ક્રમે બેટીંગ કરી શકે અને પાંચમા બોલર તરીકે બોલિંગ પણ કરી શકે તે દરેક ટીમની જરૂરીયાત છે. આપણે 1983નો વર્લ્ડકપ કપિલ દેવ, મદનલાલ, રોજર બિન્ની અને કિર્તી આઝાદ જેવા ઓલરાઉન્ડરને કારણે જીતી શક્યા હતાં.
ક્રિકેટ જગતમાં સૌથી ઊંચા ક્રિકેટરોમાં લગભગ બધા બોલરો છે. જેની ઊંચાઇનો લાભ બાઉન્સર ફેંકવામાં ને ઝડપમાં કરતા હતા. આ બધા ટોપ-10 હાઇટ વાળા બોલરોમાં સૌથી વધુ ઊંચાઇ પાકિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ ઇરફાનની છે જે 7 ફૂટ, 1 ઇંચ (216 સે.મી.) ઊંચાઇ ધરાવે છે.
– ક્રિસ ટ્રેમલેટ : ઇંગ્લેન્ડના આ ક્રિકેટર 6 ફૂટ 7 ઇંચ (216 સે.મી.) ઊંચાઇ ધરાવે છે. માત્ર 28 મેચમાં 70 વિકેટ લીધી હતી. વારંવાર ઇજાને કારણે વહેલી નિવૃત્તિ લઇને પછી વેઇટ લિફ્ટિંગમાં કારકિર્દી શરૂ કરી હતી.
– જેસન હોલ્ડર : વેસ્ટ ઇન્ડિઝમાં ઊંચા બોલરો ઘણા હતા તે પૈકી જેસન હોલ્ડર ક્રિકેટના તમામ ફોરમેટ માટેનો મહત્વપૂર્ણ ખેલાડી હતો. 6 ફૂટ 7 ઇંચ (201 સે.મી.) ઊંચાઇ ધરાવે છે. 48 ટેસ્ટ, 118 વનડે, 20 ટી-20માં અનુક્રમે 127, 139 અને 16 વિકેટ લીધી છે. તે લોઅર ઓર્ડરનો સારે બેટ્સમેન પણ છે.
– સુલેમાન બેન : વેસ્ટ ઇન્ડિઝનો 6 ફૂટ, 7 ઇંચ (201 સે.મી.) ઊંચાઇ ધરાવતો ડાબોડી સ્પીનર હતો. 2015નો વર્લ્ડ કપ રમ્યો હતો. 145 વિકેટ ઝડપી હતી.
– કાયલ જેમીસન : ન્યુઝિલેન્ડ આ ક્રિકેટર હાલ વિશ્ર્વનો સૌથી ઊંચો ખેલાડી છે. તેની ઊંચાઇ 6 ફૂટ 8 ઇંચ (203 સે.મી.) છે. તેણે ઘણા મેચ વિનિંગ પ્રદર્શનો આપ્યા છે. ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. – બ્રુસરીડ : ઓસ્ટ્રેલિયાનો વનડેમાં હેટ્રિક લેનાર પ્રથમ આ ખેલાડીની ઊંચાઇ 6 ફૂટ 8 ઇંચ (203 સે.મી.) છે. માત્ર 29 વર્ષે નિવૃત્તિ લઇ લીધી હતી. તેના સ્વિંગ અને ઉછાળને કારણે તે ઘાતક બોલર હતો. તે 27 ટેસ્ટ અને 61 વનડે રમ્યો હતો.
– પીટર જ્યોર્જ : 6 ફૂટ 8 ઇંચ (203 સે.મી.) ઊંચાઇ ધરાવતા ઓસ્ટ્રેલિયન બોલરની સરખામણી ગ્લેન મેકગ્રા સાથે કરાઇ હતી. તે 34 વર્ષનો બોલર છે જે 2019માં છેલ્લો મેચ રમ્યો હતો.
– જોએલ ગાર્નર : 6 ફૂટ 8 ઇંચ (203 સે.મી.) ઊંચાઇ ધરાવતા વેસ્ટ ઇન્ડિઝના ખૂબ જ ઘાતકી બોલરને ધ બીગ બર્ડ કહેતા હતા. તેના યોર્કર ખૂબ જ ખતરનાક હતા. માત્ર 58 ટેસ્ટમાં 259 વિકેટ અને 98 વનડેમાં 146 વિકેટ ઝડપવાનો તેના દેશમાં રેકોર્ડ ધરાવે છે. એક જમાનામાં તે બેટ્સમેનોના ટાટીયા ધ્રુજાવી નાંખે તેવી બોલિંગ કરતો હતો.
– કેમરોન કફી : 6 ફૂટ 8 ઇંચ (203 સે.મી.) ઊંચાઇ ધરાવતા વેસ્ટ ઇન્ડિઝનો આશાસ્પદ બોલર હતો. એમ્બ્રોઝ અને વોલ્શ જેવા દિગ્ગજો તેની સામે અસમર્થ હતા. વિશ્ર્વના ટોપ-10 બોલરમાં તે સ્થાન પામેલ હતો. 41 વનડેમાં તેણો 43 વિકેટ ઝડપી હતી. – બોયડ રેન્કિન : 6 ફૂટ 8 ઇંચ (204 સે.મી.) ઊંચાઇ ધરાવતા આઇરિશ ખેલાડી રગ્બી ખેલાડી હતો જે ક્રિકેટના શોખને કારણે મેકગ્રા અને એમ્બ્રોસને આદર્શ માનીને ઇંગ્લેન્ડ સામે લાંબા ફોર્મેટમાં રમ્યો. બે દેશો માટે રમનાર એક માત્ર ખેલાડી હતો.
– મોહમ્મદ ઇરફાન : 7 ફૂટ, 1 ઇંચ (2016 સે.મી.) ઊંચાઇ ધરાવતા પાકિસ્તાનના “બુર્જખલીફા” તરીકે ઓળખાતા આ ક્રિકેટરે 4 ટેસ્ટમાં 10 વિકેટ અને 82 વનડે માં 99 વિકેટ લીધી હતી. આ ક્રિકેટર ક્રિકેટ જગતમાં એકમાત્ર 7 ફૂટનો ખેલાડી હતો.ખેલાડીની ઊંચાઇ માત્ર બાસ્કેટબોલ કે વોલીબોલમાં નહીં પણ ક્રિકેટમાં પણ મહત્વની છે. આ ટોપ-10 ક્રિકેટરો સિવાય ઇશાંત શર્મા (ભારત), શાહીન આફ્રિદી (પાકિસ્તાન), ટોમમુડી (ઓસ્ટ્રેલિયા), પીટર જ્યોર્જ (ઓસ્ટ્રેલિયા), ડેવિડ લાર્ટર (સ્કોટલેન્ડ) જેવા ઘણા ક્રિકેટરો પણ સારી ઊંચાઇ ધરાવતા હતાં.
દુનિયાના આ બોલરને કોઇ બેટ્સમેન સિક્સર મારી નથી શક્યો !!
ક્રિકેટ જગતમાં બેટ્સમેન સાથે બોલરોની પણ બોલબાલા રહી છે. લીલી થોમ્મસન, ગારનાર જેવા ખૂબ જ ઝડપ ધરાવતા ફાસ્ટ બોલરો સામે ભલભલા બેટ્સમેનોના ટાંટીયા ધ્રૂજતા હતા. ગ્લેન મેકગ્રાથ જેવા એક્યુરેટ બોલર પણ હતા. આ બધાની વચ્ચે દુનિયાના આ દેશોના બોલરોને વિશ્ર્વનાં કોઇ બેટ્સમેન સીક્સર લગાવી શક્યા નથી. આખી દુનિયામાં અત્યાર સુધી પાંચ બોલર એવા છે જે આવા રેકોર્ડ ધરાવે છે.
- ડેરીક પ્રિંગલ (ઇંગ્લેન્ડ) જેણે 5287 બોલ નાખીને 70 વિકેટ લીધી હતી. તે 30 ટેસ્ટ મેચ રમ્યા હતા.
- મુદ્સ્સર નજર (પાકિસ્તાન) 1976 થી 1989 સુધી 76 ટેસ્ટ અને 112 વનડે રમનારે 5867 બોલ નાંખ્યા હતા.
- મોહમ્મદ હુસેન (પાકિસ્તાન) 27 ટેસ્ટમાં 5910 બોલ નાંખીને 68 વિકેટ લીધી હતી.
- કીથ મિલર (ઓસ્ટ્રેલિયા) 55 ટેસ્ટ રમનાર ક્રિકેટરે 170 વિકેટ લીધી હતી, આ દરમ્યાન 10461 બોલ નાંખ્યા હતા.
- નીલ હોક (ઓસ્ટ્રેલિયા) 1963માં ડેબ્યૂ કરનાર ક્રિકેટરે 27 ટેસ્ટ સાથે 145 પ્રથમ શ્રેણીના મેચ દરમ્યાન 6987 બોલ નાંખ્યા હતા.
આ પાંચેય ક્રિકેટરોના બોલમાં દુનિયાનો કોઇપણ બેટ્સમેન સીક્સ લગાવી શક્યો નથી જે એક રેકોર્ડ છે.