નસીત-વેકરીયા પરિવારની

વર-ક્ધયાએ મંદિર પરીસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો

મહાસુદ પાંચમ એટલે વસંતપંચમી. વસંતપંચમીના દિવસે અનેક યુગલો લગ્નગ્રંથીથી જોડાતા હોય છે. શેરીઓમાં, પાર્ટી પ્લોટમાં, કોમ્યુનિટી હોલમાં ઢોલ અને શરણાઈના સૂર સાંભળવા મળતા હોય છે. ત્યારે લગ્ન પ્રસંગનો આવો જ માહોલ જોવા મળ્યો કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે. લગ્ન પ્રસંગ હતો રાજકોટના નસીત પરિવાર અને ઉપલેટાના વેકરીયા પરિવારનો. ખોડલધામ મંદિરે પ્રથમ વખત કોઈ પરિવાર દ્વારા પોતાના દીકરા-દીકરીના લગ્નનો પ્રસંગ યોજવામાં આવ્યો. ૩૦ જાન્યુઆરીને વસંતપંચમીના પવિત્ર દિવસે રાજકોટના નસીત પરિવારના પુત્ર હેપીન અને ઉપલેટાના વેકરીયા પરિવારની દીકરી હેપી મા ખોડલના સાનિધ્યમાં લગ્નગ્રંથીથી જોડાયા હતા. ખોડલધામ મંદિરના પરિસરમાં યોજાયેલા આ લગ્ન પ્રસંગથી સમગ્ર વાતાવરણ ઢોલ, શરણાઈ અને લગ્નગીતથી ગૂંજી ઉઠ્યું હતું.

1 38

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ખોડલધામ મંદિર પરિસરમાં મા ખોડલના મંદિર ઉપરાંત લોકો લગ્નપ્રસંગ, સગાઈ, જન્મદિવસની ઉજવણી, કથા, ડાયરો જેવા સામાજિક અને ધાર્મિક પ્રસંગોની ઉજવણી માતાજીની છત્રછાયામાં રહીને કરી શકે તે માટે ઓપન એર એમ્ફી થિયેટર અને પાર્ટી પ્લોટનું નિર્માણ કર્યું છે. ત્યારે ૨૧ જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે યોજાયેલ ખોડલધામ સમૂહલગ્નોત્સવ બાદ ખોડલધામ મંદિર પરિસરમાં ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ને વસંતપંચમીના દિવસે પ્રથમ લગ્ન પ્રસંગ યોજાયો હતો. રાજકોટમાંવસતા રાજેષભાઈ મુળજીભાઈ નસીત અને તેમના વેવાઈ ઉપલેટાના વતની કિશોરભાઈ રતિભાઈ વેકરીયાએ કોઈ મોંઘાદાટ પાર્ટી પ્લોટને અવસરનું આંગણું બનાવવાની જગ્યાએ મા ખોડલનું સાનિધ્ય પસંદ કર્યું હતું. લગ્નગ્રંથીથી જોડાયેલા દંપતીએ ખોડલધામ મંદિરના પાછળના ભાગમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

રાજકોટના હંસાબેન તથા રાજેષભાઈ નસીતના પુત્ર હેપીન અને ઉપલેટાના હિરાબેન તથા કિશોરભાઈ વેકરીયાની પુત્રી હેપીના શુભ લગ્નની તમામ વિધિ ખોડલધામ મંદિરના પરિસરમાં યોજાઈ હતી. ખોડલધામમાં પ્રથમ વખત યોજાઈ રહેલા લગ્ન પ્રસંગના કારણે સવારથી જ મંદિરના પરિસરમાં લગ્નના ગીત ગુંજવા લાગ્યા હતા. ખોડલધામના આંગણે લીલુડા માંડવા રોપાયા.વાજતે-ગાજતે બેન્ડના તાલે ઝુમતા ઝુમતા જાનૈયાઓ એમ્ફી થિયેટર ખાતે લગ્ન મંડપે પહોંચ્યા હતા. ‚ડી જાનના વધામણાં થયા. લગ્નગીત, ઢોલ અને શરણાઈના સૂર-તાલ સાથે વર-વધુના ઓવારણા લેવાયા. હેપીન અને હેપીએ અગ્નિની સાક્ષીએ ફેરા ફરી પરિવાર અને મા ખોડલના આશીર્વાદ લઈ જન્મોજન્મ સુધી એક બીજાની સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી.વરપક્ષ અને ક્ધયાપક્ષના લોકોએ દંપતીને આશીર્વાદ આપ્યા અને અન્નપૂર્ણાલયમાં ભોજન સમારોહ બાદ ભારે હ્રદયે જાનની વિદાય થઈ હતી.

ખોડલધામ મંદિર પરિસરમાં યોજાયેલા આ પ્રથમ લગ્નપ્રસંગમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ હાજર રહીને નવદંપતીને આશીર્વાદ અને પરિવારને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.