ગ્રાહકના સ્વાંગમાં બોગસ ચેક ધાબડી સોનાના બિસ્કીટની ખરીદી કરી ઠગાઇ કર્યાની કબુલાત: રાજકોટ સહિત ૧૩ ગુનાનો ભેદ ઉકેલાયો
ગોંડલના ઝાટકીયા હોસ્પિટલ પાસે સોનીનો શો રૂમે ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠીયાએ બોગસ ચેક ધાબડી રૂ.૫.૭૫ લાખની કિંમતના સોનાના બિસ્કીટ લઇ જઇ ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા એસઓજી સ્ટાફે બે શખ્સોને ઝડપી લેતા બંને શખ્સોએ રાજકોટ સહિત ૧૩ સોની વેપારી સાથે લાખોની ઠગાઇ કર્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સ્ટેશન પ્લોટમાં રહેતા અને ઝાટકીયા હોસ્પિટલ પાસે સોનીનો શો રૂમ ધરાવતા મિતેશભાઇ પ્રવિણભાઇ સોનીએ ગ્રાહકના સ્વાંગમાં આવેલા શૈલેષ છગન ઉધાડ નામના શખ્સ સામે રૂ.૫.૭૫ લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.
મિતેશભાઇ સોની પોતાની દુકાને હતા ત્યારે સોનાના બિસ્કીટ ખરીદ કરવાના બહાને આવેલા અજાણ્યા શખ્સે પોતે શૈલેષ ઉંધાડ હોવાનું નામ જણાવી ચેકથી રૂ.૫.૭૫ લાખની કિંમતના સોનાના બે બિસ્કીટ ખરીદ કરી ચેક આપ્યો હતો.
મિતેશભાઇ સોનીએ ચેક બેન્કમાં જમા કરાવ્યો ત્યારે ચેક બીજી વ્યક્તિના નામનો આપ્યો હોવાનું અને રિટર્ન થતા પોલીસમાં ઠગાઇ અંગેની ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણો એસઓજી સ્ટાફને તપાસ સોપી હતી. એસઓજી પી.આઇ. એમ.એન.રાણા, પી.એસ.આઇ. વાય.બી.રાણા, દિનેશભાઇ ગોંડલીયા, રણજીતભાધિધલ અને સાહિલભાઇ ખોખર સહિતના સ્ટાફે જેતપુરના થાણા ગાલોલ ગામના શૈલેષ છગન ઉંધાડ અને ત્રાકુડીપરાના અશ્ર્વિન ઉર્ફે અશોક ચના ગુંદણીયા નામના શખ્સોને ઝડપી લીધા છે.
બંને શખ્સોની પૂછપરછ દરમિયાન તેને ગોંડલ ઉપરાંત રાજકોટ, પોરબંદર, ભાવનગર, સુરત, વલસાડ, આણંદ, જૂનાગઢ અને મહારાષ્ટ્રના પુના સહિતના શહેરોના ૧૩ જેટલા સોની વેપારીઓ સાથે લાખોની ઠગાઇ કર્યાની કબુલાત આપી છે.