ડ્રીમલેન્ડ હોટલ પાસે સાઇડ આપવાના પ્રશ્ર્ને હુમલો કયો’તો: બંને શખ્સો છરી સાથે રાજકોટ રેલવે સ્ટેશનથી પકડાયા
ગોંડલના કૈલાશ બાગ વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિના પુત્ર અને તેમના ડ્રાઇવર પર નજીવી બાબતે બે શખ્સોએ છરીથી ખૂની હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલે રાજકીય અને સામાજીક અગ્રણી દોડી ગયા હતા. ખૂની હુમલાના ગુનામાં સંડોવાયેલા બંને શખ્સોને છરી સાથે ગણતરીની કલાકોમાં એલસીબી સ્ટાફે ઝડપી લીધા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કૈલાશ બાગ વિસ્તારમાં રહેતા સાવંત રમેશભાઇ ધડુક અને તેના કાર ચાલક રફીકભાઇ પર બે અજાણ્યા નશાખોર શખ્સોએ છરીથી હુમલો કરી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.ગતમોડી રાતે સાવંન ધડુક અને ડ્રાઇવર રફીક કાર લઇને ડ્રીમલેન્ડ હોટલથી ઘરે આવ્યા ત્યારે તેના મકાન પાસે સ્કૂટર આડુ હોવાથી ત્યાં સાઇડ આપવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ ઝઘડો કરી નશો કરેલી હાલતમાં રહેલા બંને શખ્સો છરી સાથે તૂટી પડયા હતા. ગંભીર રીતે ઘવાયેલા સાવન ધડુક અને રફીકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સાવન ધડુક પર લુખ્ખાઓએ હુમલો કર્યાની જાણ થતા ગોંડલના રાજકીય અને સામાજીક અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા.સાવન ધડુકના પિતા રમેશભાઇ ધડુક ભાજપ અગ્રણી અને ઉદ્યોગપતિ છે. પોલીસે બંને નશાખોર શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી ધરી હતી દરમિયાન બંને શખ્સો રાજકોટ રેલવે સ્ટેશન હોવાની બાતમીના આધારે એલ.સી.બી. પી.આઇ. એમ.એન.રાણા, પી.એસ.આઇ. એમ.જી.રાઠોડ, વી.આર.ખેર, એએસઆઇ દિનેશભાઇ પટેલ, ભુરાભાઇ માલીવાડ, બ્રિજરાજસિં જાડેજા, મહંમદરફી ચૌહાણ, બાલકૃષ્ણ ત્રિવેદી સહિતના સ્ટાફે ગોંડલ શંકરવાડીના ધરમ ઉર્ફે ધમો પ્રદીપ જલુ અને રફીક ઉર્ફે લસ્યો સુલતાન દોદેપુત્રા નામના શખ્સોને ઝડપી તેની પાસેથી છરી કબ્જે કરી છે.