રાજકોટ અને ગોંડલના પાંચ વ્યાજના ધંધાર્થી પાસેથી રૂ.૬.૮૫ લાખ વ્યાજે લીધા બાદ જમીનનું સાટાખત લખાવી ધમકી દીધી
ગોંડલ તાલુકાના બાંદરા ગામના પટેલ પ્રૌઢે ઇમીટેશનના ધંધા માટે રાજકોટ, ગોંડલ અને વાછરાના શખ્સો પાસેથી રૂ.૬.૮૫ લાખ વ્યાજે લીધા બાદ વ્યાજના ધંધાર્થીઓએ જમીનનું સાટાખત લખાવી ધાક ધમકી દેતા કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનો પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાંદરા ગામે રહેતા ધીરજભાઇ છગનભાઇ વેકરીયા નામના ૫૪ વર્ષના પટેલ પ્રૌઢે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ધીરજભાઇ વેકરીયાની પૂછપરછ દરમિયાન તેને ઇમીટેશનનો ધંધો કરવા માટે રાજકોટના મોરબી રોડ જકાત નાકા પાસે આર.કે.એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવતા રાજુ માટીયા અને રાજુ આહિર પાસેથી રૂ.૨ લાખ માસિક ૩ ટકાના દરે વ્યાજે લીધા હતા. ગોંડલના મીના ઉર્ફે મહેન્દ્ર તળાવીયા પાસેથી માસિક ૫ ટકાના વ્યાજના દરે રૂ.૨ લાખ લીધા હતા. ગોંડલના વાછરા ગામના હકુ રૂડા ભરવાડ પાસેથી રૂ.૧.૫૦ લાખ માસિક ૫ ટકા વ્યાજના દરે અને ગોંડલના મારૂતિનગરમાં રહેતા હરી ભરવાડ પાસેથી રૂ.૧.૩૫ લાખ માસિક ૧૦ ટકાના વ્યાજના દરે લીધા હતા.
રાજુ આહિર અને રાજુ ભરવાડે માસિક ૩ ટકા વ્યાજ નક્કી થયું હોવા છતાં પાછળથી માસિક ૫ ટકા મુજબ વ્યાજ વસુલ કરી જમીનનું સાટાખત લખાવી લીધું હતુ અને સાટાખત રદ કરવા રૂ.૧૦ લાખની માગણી કરી ખૂનની ધમકી દીધી હતી. અન્ય ત્રણેય શખ્સો પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી દેતા હોવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું.
ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.કે.ચૌધરી સહિતના સ્ટાફે પાંચેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.