ગોંડલને બાયપાસ કરતી બસોને સ્ટોપ આપવાની રજૂઆતો છતા સ્થિતિ એની એ જ
ગોંડલ ને બાયપાસ કરી એસ.ટી તંત્ર દ્વારા કરાઇ રહેલા અન્યાય સામે ધારાસભ્ય તથા આગેવાનોએ રજુઆત નો ધોધ વહાવ્યો છે.ધારદાર રજૂઆતો છતા જાડી ચામડી ધરાવતા તંત્ર ને કોઈ ફર્ક પડ્યો નથી.સ્ટોપ હોવા છતા બારોબાર દોડતી અંદાજે બસ્સો જેટલી બસો પૈકી માત્ર પાંચ ટકા બસો ગોંડલ આવતી થઈ છે.ત્યારે ગોંડલ સ્ટોપ માટે હજુ દિલ્હી દુર હોવાનો ઘાટ ઘડાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ પરીવહન માટે ગોંડલ કેપીટલ હોવા છતા અને તાજેતર મા કરોડો ના ખર્ચે ગોંડલ મા આધુનિક બસસ્ટેન્ડ નુ નિર્માણ કરવા છતા લાંબા રુટ ની બસો ગોંડલ સ્ટોપ કરવા ને બદલે બાયપાસ થઈ રહી હોય મુસાફરો હાલાકી ભોગવી રહ્યા ની ફરીયાદો ઉઠતા ધારાસભ્ય ગીતાબા જાડેજાએ એસ.ટી તંત્ર ને તાકીદ ની રજુઆત કરી તમામ ડીવીઝન ના અધિકારીઓ ને ડેપો મેનેજરો ની મનમાની અંગે વિદિત કર્યા હતા.ઉપરાંત રાજેન્દ્રસિંહ જાડેજા,જીતુભાઇ આચાર્ય સહિત ના આગેવાનોએ સ્ટીંગ ઓપરેશન હાથ ધરી ગોંડલ સ્ટોપ હોવા છતા નહી થોભતી જામજોધપુર ની બસ ને બસસ્ટેન્ડ મા થોભવા ફરજ પડાઇ હતી.આટલુ કરવા છતા માત્ર પંદર જેટલી બસો હાલ ગોંડલ સ્ટોપ કરતી થઈ છે.ગોંડલ થી જુનાગઢ અપડાઉન કરતા વિરેનભાઇ પાટડીયા એ ડેપો મેનેજર ને કરાયેલી રજુઆતો બાદ જુનાગઢ વડનગર તથા સતાધાર હારીજ રુટ ની બસ હવે ગોંડલ થોભતી થઈ છે.
જ્યારે દિયોદર ડેપો મેનેજરે ગોંડલ સ્ટોપ માટે ઘસી ને ના પાડી છે.ખુબી તો એ વાત ની છે કે ધારાસભ્ય ની રજુઆત ના પગલે તમામ ડીવીઝન ના અધિકારીઓ એ જેતે ડેપો મેનેજર ને ગોંડલ સ્ટોપ માટે સુચનાઓ પાઠવી છે. પરંતુ મોટા ભાગ ના ડેપો મેનેજરો આ સુચના ને ઘોળી ને પી ગયા હોય તેમ ઉચ્ચ અધિકારીઓ ને પણ ગાંઠતા નથી તેવી વિગતો બહાર આવી છે રાજકોટ ડીવીઝન ના નિયામક કલોત્રા દ્વારા છેલ્લા બે દિવસ થી ગોંડલ આશાપુરા ચોકડી તથા જામવાડી ચોકડી પર લાઇન ચેકીંગ સ્કોડ તૈનાત કરી ગોંડલ નહી થોભતી બસો ને અટકાવી થોભવા ફરજ પડાઇ રહી છે
.તેમ છતા કેટલાક ડીવીઝન ના ખંધા ડ્રાઇવર કંડક્ટરો દ્વારા ધરારી પુર્વક ગોંડલ બાયપાસ કરાઇ રહ્યુ છે. વિના કારણે ગોંડલ ને અન્યાય કરી બાયપાસ કરી રહેલા ડ્રાઇવર કંડક્ટરો ને સુધરી જવા ધારાસભ્ય ગીતાબા જાડેજાએ ચીમકી આપી છે.