1700 વારનો યાર્ડ બહાર કતારો લાગી 1100થી 2200ના ભાવે પડયા સોદા
સૌરાષ્ટ્ર ના અગ્રીમ ગણાતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આ વર્ષની સીઝનની સૌથી વધુ આવક નોંધાઈ છે. અંદાજે દોઢ લાખ થી વધુ ગુણી ધાણાની આવકના કારણે શેડ બહાર કે દુકાન પાસે ધાણાની પાક ઉતારવાની ફરજ પડી હતી જેથી માર્કેટયાર્ડ દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી હતી.
ધાણા ની પુષ્કળ આવક ને લઈ ને 1700 થી વધુ વાહનોની લાંબી લાઈનો લાગી હતી.
ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ જણસીઓનો મબલખ પાક ગોંડલ યાર્ડમાં ઠાલવવામાં આવે છે ડુંગળી બાદ હવે ધાણાની મબલખ આવક થઈ છે ગત રાતે માર્કેટિંગ યાર્ડ બહાર આશરે 1700 થી વધુ ધાણા ભરેલા વાહનોની લાઈનો લાગી હતી જેને પગલે યાર્ડ ની બંને તરફ પાંચ થી છ કિલોમીટર લાંબી લાઈનો માં વાહનો ના થપ્પા લાગ્યા હતા. સૌરાષ્ટ્ર ભર માથી ખેડૂતો ગઇકાલ રાતથી જ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ધાણા નો પાક લઈને પોહ્ચ્યા હતા.
આ વર્ષે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગત વર્ષની સરખામણીએ ધાણાનો ભાવ ઓછો મળ્યો છે. ગત વર્ષે 20 કિલો ધાણા ના ભાવ 1500 થી 3200 ભાવ મળિયા હતા. જયારે આ વર્ષે ગુણવતા પ્રમાણે ધાણા નો ભાવ 1100 થી લઇ 2200 સુધી બોલાયા હતા.
યાર્ડ ના વ્યાપારી અતુલભાઈ શીંગાળાના જણાવ્યા અનુસાર ગત વર્ષ ધાણાનો પાક ઓછો હતો અને આ વખતે ધાણાનો પુષ્કળ પાક થતા ભાવમાં તફાવત મળી રહ્યો છે.આ વર્ષે ધાણા નું મબલક ઉત્પાદન પણ થયું છે જેથી હજુ પણ આવક વધશે તેવું જણાવ્યું હતુ.