જગ્યામાં માજી રાજવીઓનાં સમયથી છાત્રાલય ચાલતું હતુ અને પોસ્ટ ઓફીસ માટે આ જેને ભાડે અપાઈ હતી ઉપરાંત આ જગ્યાનો વહિવટ ખાનગી ટ્રસ્ટ દ્વારા ચાલતો હોવાની પણ રજૂઆત

લેખક ધુમકેતુ ની પ્રસિદ્ધ વાર્તા ’પોસ્ટઓફીસ’ નુ જ્યાંથી સર્જન થયુ હતુ તે ગોંડલ ની મહાદેવવાડી મા આવેલી અને હાલ જર્જરીત બની ગયેલા જુની પોસ્ટઓફીસ ના બિલ્ડીંગ ને હેરિટેઝ ગણી  લેસર શો સાથે રિનોવેટ કરવા રાજ્ય સરકાર દ્વારા હિલચાલ શરુ કરાતા મહારાજા ભોજરાજી રાજપૂત છાત્રાલય ટ્રસ્ટ દ્વારા  જગ્યા ખાનગી માલીકી ની હોવાનુ જણાવી વિરોધ વ્યક્ત કરાયો છે.અને જો આ અંગે અન્યાય કર્તા નિર્ણય લેવાશે તો આંદોલન ની ચિમકી ઉચ્ચારાઇ છે.

મહારાજા ભોજરાજજી રાજપૂત છાત્રાલય ટ્રસ્ટ  મેનેજિંગ ટ્રસ્ટી પ્રભાતસિંહ આર જાડેજા, ટ્રસ્ટી કુલદીપસિંહ બી જાડેજા, કનકસિંહ જાડેજા  સહિતના આગેવાનો દ્વારા ગોંડલ પ્રાંત અધિકારીને આવેદપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે મહારાજા  ભોજરાજજી રાજપૂત છાત્રાલય ગોંડલની માલીકીની ખાનગી મિલકતને હેરિટેઝમાં મૂકવા માટે તંત્ર તજવીજ હાથ ધરવામાં આવી છે આ જગ્યા ઉપર આવેલી જૂની પોસ્ટ ઓફિસના બિલ્ડીંગને રિનોવેટ કરી ત્યાં લેસર શો નું આયોજન વિચારણા હેઠળ હોવાનું જાણવા મળે છે. પરંતુ આ વિચારણા મૂળથી ગેરકાનૂની છે. આ મિલકત શિક્ષણના હેતુસર રચાયેલા ટ્રસ્ટની માલીકીની છે. તેથી આ મિલકતને હેરિટેઝમાં મૂકવા કોઇની રજૂઆત આવતી હોયતો તે ગેરકાનૂની હોઇ આવી રજૂઆત ફાઈલે કરવા અને હેરિટેઝ માટે કોઇ વિચારણા કરવામાં આવી રહી હોયતો તે પણ ગેરકાનૂની હોઇ તાકીદે બંધ કરવા માંગ છે. આ બાબતમાં અગાઉ પણ તારીખ 30/6/2010ના પત્રથી રજૂઆત કરવામાં આવતા આ પ્રકરણ ફાઈલે દાખલ કરવામાં આવેલુ હતુ.

મહારાજાશ્રી ભોજરાજજી રાજપૂત છાત્રાલય ગોંડલએ માજી રાજ્વીઓના સમયથી ચાલતું છાત્રાલય છે. આ છાત્રાલયનું સંચાલન નોધાયેલા ખાનગી ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ દ્વારા થઈ રહ્યું છે. આ સ્થળે અધતન શાળા અને છાત્રાલય નિર્માણની પરિયોજના અમલમાં મૂકવાની યોજના વિચારણા હેઠળ છે.

છાત્રાલયની જગ્યામાં અગાઉ વર્ષો પહેલા કેન્દ્ર સરકારની પોસ્ટ ઓફિસ ભાડૂત તરીકે હતી ગોંડલ ખાતે પોસ્ટ કચેરીનું નવનિમિત મકાન નિર્માણ થતાં હાલમાં આ જગ્યાનો કબજો આ ટ્રસ્ટ હસ્તક છે. ભારત સરકારે આ જગ્યાનો કબજો આ ટ્રસ્ટને વિધિવત સુપ્રત કરી આપેલ છે.

આવેદન પત્ર મા વધુ જણાવાયુ કે 1923ના વર્ષમાં પ્રસિદ્ધ થયેલી અને આ પહેલા લખાયેલી પોસ્ટ ઓફિસ એક કાલ્પનિક વાર્તા છે. વાર્તાના લેખક  ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ)નું મૂળ વતન ગોંડલ નહીં પણ વિરપુર છે. અત્યંત ટુકા સમય માટે તેઓ ગોંડલ રેલ્વેમાં ફરજ ઉપર રહ્યા હતા. અને આ વાર્તા લખાયેલી ત્યારે તેઓ અમદાવાદ અને ત્યારબાદ મુંબઈ કાયમી રીતે જતાં રહેલા હતા અને ત્યારબાદ કયારેય ગોંડલ આવેલા નથી. 1923માં પોસ્ટ ઓફિસ વાર્તા પ્રકાશિત થઈ ચૂકી હતી તો આ સમયગાળામાં અહી પોસ્ટ ઓફિસ હતીજ નહીં કે આવું કોઈ મકાન અહીં તે સમયે બંધાયેલું નથી આ છાત્રાલયની જગ્યા જૂના ગોંડલ રાજ્યના 1932ના હજુર હુકમથી આપવામાં આવી છે.

પોસ્ટ ઓફિસ વાર્તા આ પહેલા 1923માં પ્રસિદ્ધ થઈ છે. તેથી લેખકએ આ પહેલા લખી નાખી હોય તે સ્વભાવિક છે. આ સાથે સામેલ જમીન ખરીદી અને બાંધકામ પરમીશનની વિગતો અને રીલીઝ ડિડ અનુસાર પોસ્ટ ઓફિસ વાર્તા અને આ જગ્યાના સમયકાળનો કોઈપણ રીતે મેળાપ થતો નથી. કોઇકે કલ્પના કરીને હેરિટેઝની વધુ એક કાલ્પનિક કથા ધડીને તંત્રને ધંધે લગાડવાનો કારસો રચેલ છે. વાસ્તવમાં પોસ્ટ ઓફિસ છાત્રાલયની નજીકમાં આવેલા મહાદેવવાડી સ્થિત દુર્ગાબેનના મકાનમાં અને દરબારગઢમાં કાર્યરત હતી. તેથી ગોંડલની આ વિવાદિત પોસ્ટ ઓફિસને અને વાર્તાને કોઇ લેવાદેવા નથી આ એક ઉપજાવી કાઢેલું તૂત છે.

આમ ઉપરોક્ત વિગતે જૂની પોસ્ટ ઓફિસના નામે ઓળખાતી જગ્યાના મૂળ માલિક આજની તારીખે કબજેદાર તરીકે સંપૂર્ણપણે મહારાજા ભોજરાજજી રાજપૂત છાત્રાલય ટ્રસ્ટ ગોંડલ છે. તેથી આ જ્ગ્યાને બિનવારશી કે હેરિટેઝ ગણી કોઈને પણ કબજો લેવાનો હક્ક નથી તેમજ અહીં કોઈ યોજનાઓ બનાવી આપની સમક્ષ રજૂ કરતું હોયતો તે ગેરકાનૂની હોય ફાઈલે કરવા માંગ છે. તેમજ આ બાબતમાં અમને અન્યાય કરવામાં આવશેતો આ નિર્ણયો નામદાર વડી અદાલતમાં પડકારમાં આવશે અને આંદોલનાત્મક પગલાં ભરવાની અમને ફરજ પડશે તેની પણ નોધ લેવા ચીમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.