ઉમરાળા રોડ ઉપર વાલ્મીકિવાસમાં છેલ્લા ત્રણ માસથી પાલિકાતંત્ર દ્વારા રોડ રસ્તો ખોદી રાખી મૂકવામાં આવ્યો છે
ગોંડલ નગરપાલિકાની ઢીલી નીતિના કારણે શહેરના વાલ્મીકિવાસમાં છેલ્લા ત્રણ માસથી રોડ-રસ્તાના કામો પૂરા કરવામાં આવ્યા ના હોય આજે પ્રસૂતા મહિલાને ઠેસ વાગતા સમયસર દવાખાને પહોંચી ન શકતા તેનું મોત નીપજ્યું હતું ઘટનાને લઈ વાલ્મિકી સમાજ રોષે ભરાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઉમવાડા રોડ પર આવેલ વાલ્મીકિવાસમાં રહેતા અંકિતાબેન દીપકભાઈ બેરડીયા ઉ. વ. ૨૦ ને પ્રસુતિનો સમય પૂરો થતાં ઘરેથી દવાખાને જવા માટે નીકળ્યા હતા પરંતુ પાલિકા તંત્ર દ્વારા છેલ્લા ત્રણ માસથી વાલ્મીકિવાસમાં રોડ-રસ્તાના કામ અધુરા રાખવામાં આવ્યા હોય અંકિતાબેનને ઠેસ વાગતા ઈમરજન્સી કેસ બની જવા પામ્યો હતો અને વાલ્મિકી પરિવારના શ્વાસ તાળવે ચોટી ગયા હતા અને પ્રાથમિક સારવાર ગોંડલ સરકારી દવાખાને આપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં તેઓને ડિલેવરી બાદ મોત નીપજતાં વાલ્મિકી સમાજમાં રોષ ફેલાવા પામ્યો હતો.
બાદમાં બપોરના સુમારે મહિલાના મૃતદેહને વાલ્મિકી સમાજ દ્વારા નગરપાલિકા કચેરી લઈ જવાની તૈયારી થતાં જ પાલિકાના કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા તેમજ દંડક રાજેન્દ્રસિંહ જાડેજા ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને પાલિકા તંત્રની બેદરકારી સ્વીકારી હતી.
પાલિકા તંત્રના પાપે જ નવજાત શિશુએ તેની માતા ગુમાવી છે
ઘટના અંગે વાલ્મિકી સમાજના આગેવાનો શંકરભાઈ વાઘેલા હલો સાથે જણાવ્યું હતું કે પાલિકા તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પણ આ વિસ્તારમાં રોડ-રસ્તાના કામો પૂર્ણ કરવામાં આવતા નથી આજે અમારા સમાજની મહિલાનો વિના વાગે ભોગ લેવાયો છે અને એક નવજાત શિશુ તેની માતા વિહોણું બન્યું છે તેનું માત્ર ને માત્ર એક જ કારણ છે તે છે પાલિકાતંત્રની નિંભરતા
તંત્ર દ્વારા તાકિદે રોડનું કામ પૂર્ણ કરાશે
ગોંડલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા અને રાજેન્દ્રસિંહ જાડેજા એ ઘટના ને દુઃખદ ગણાવી હતી પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં રોડ-રસ્તાના કામ તાકીદે પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. વાલ્મીકિવાસમાં ભૂગર્ભ ગટર પાણીની પાઈપલાઈન તેમજ જોડાણોના કામ હોય તેથી રોડના કામમાં વિલંબ થયાનું અંતમાં જણાવ્યું હતું