હત્યા અને દુષ્કર્મના કેસમાં સજા પડશે તેની ચિંતામાં બંનેએ કર્યો આપઘાતનો પ્રયાસ
પરિવારજનોએ હાલ છોડાવવું શક્ય ન હોવાનું અને દુષ્કર્મમાં ભોગ બનનારે હવસખોરની વિરુદ્ધમાં નિવેદન આપતા લાગી આવ્યું
ગોંડલમાં સબ જેલમાં રહેલા બે કાચા કામના કેદીઓએ એક સાથે એસિડ ગટગટાવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જેલમાં સાફ સફાઈની કામગીરી કરતા એક કેદીને હત્યામાં અને એકને દુષ્કર્મના સજા પડશે તેની ચિંતામાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. બંને કેદીની તબિયત લથડતાં તેઓને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં સબ જેલમાં રહેલા કાચા કામના કેદી ત્રિલોકરાય છોટુરામ ચમાર (ઉ.વ.૨૨) અને કમલેશ્વર પ્રસાદ વીરેન્દ્રપ્રસાદ ભવાદી (ઉ.વ.૨૫) એ જેલમાં એસિડ પી લેતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બંને કેદીની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ત્રિલોક ચમાર જેતપુરમાં હત્યાના ગુનામાં જેલમાં આવ્યો હતો. જેમાં તેણે સાફસફાઈની કામગીરી સોંપવામાં આવી હતી. ગઈ કાલે ત્રિલોક ચમારે પોતાના પરિવારજનો સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને તેઓને જેલમાંથી છોડાવવા માટે કહ્યું હતું. પરંતુ પરિવારજનોએ હાલ જેલમાંથી છોડાવવું શક્ય ન હોય તેવું કહેતા લાગી આવ્યું હતું. જેથી તેને ગઈકાલે એસિડ પી લીધું હતું.
જ્યારે અન્ય કેદી કમલેશ્વર ભવાદી ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં ગોંડલ સબ જેલમાં આવ્યો હતો. જેમાં ભોગ બનનાર દ્વારા હવસખોર કમલેશ્વરની વિરુદ્ધમાં નિવેદન આપતા તેને શા પડવાની બીક લાગી હતી અને તેના કારણે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગોંડલ સબ જેલમાં હત્યાના ગુનામાં આવેલા ત્રિલોક અને દુષ્કર્મના ગુનામાં આવેલા કમલેશ્વર બંને એક જ બેરેકમાં રહેતા અને બંનેને સાફસફાઈની કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ ત્રિલોકને પરિવારજનોએ છોડાવવા શક્ય ન હોવાનું અને દુષ્કર્મના આરોપી કમલેશ્વરને ભોગ બનનારે વિરુદ્ધમાં નિવેદન આપતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેલમાં એકસાથે બે બે કેદીઓએ એસિડ પી લેતા જેલતંત્ર સ્ટાફના દોડધામ મચી ગઇ છે. હાલ બંને કેદીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં કમલેશ્વરની તબિયત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.