ગોંડલ હાઇવે વધુ એકવાર રક્તરંજિત બન્યો
ગોમટાથી નવાગામ જતી વેળાએ સર્જાઈ દુર્ઘટના: પુત્રની નજર સામે જ પિતા કાળનો કોળિયો બન્યા, એક ગંભીર
ગોંડલના ગોમટા પાસે ત્રીપલ સવારી બાઈક ડીવાઈડર સાથે અથડાઈ ખાડામાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની નજર સામે જ પિતા કાળનો કોળિયો બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માત બાદ ત્રણેય બાઈક સવારને તાત્કાલિક ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક પ્રૌઢને તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફેર કરવામાં આવ્યા હતા. જ્યાં રસ્તામાં વધુ એક આધેડે દમ તોડયો હતો. જ્યારે યુવાનની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના ગોમટા ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના દેવાભાઇ સોમાભાઈ વાસકલ (ઉ.વ.૪૫) તેનો પુત્ર વિપુલ દેવાભાઇ વાસકલ (ઉ.વ.૨૩) અને દેવાભાઇના મિત્ર જીગાભાઈ મોતીભાઈ તાદડ (ઉ.વ.૫૦) ત્રણેય એક બાઈક પર ગોમટાથી નવાગામ જવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન સાંજના સાતેક વાગ્યાની આસપાસ ત્રણેય ગોમટા ગામ પાસે નવાગામ રોડ પર પહોંચ્યા ત્યારે ત્રીપલ સવારી બાઈક ડીવાઈડર સાથે અથડાઈ પુલના ખાડામાં ખાબકયુ હતું. જેમાં ત્રણેયને ગંભીર ઈજાઓ થતા ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ગોંડલ સરકારી હોસ્પિટલના તબીબોએ દેવાભાઇ વાસકલને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે વિપુલ અને જીગાભાઈને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ જીગાભાઈએ રસ્તામાં જ દમ તોડતા મૃત્યુઆંક બે થયો હતો. તો બીજી તરફ હજુ વિપુલની હાલત પણ નાજુક હોવાનુ સામે આવ્યું છે.
આ અંગે ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આઇ.એસ.જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. મજૂરીકામ કરી પેટિયું રળતા બે શ્રમિકોના એકસાથે મોત નીપજ્યા હતા.
સિવિલ હોસ્પિટલની ગુનાહિત બેદરકારી, દર્દીનો જીવ જોખમમાં મુકાયો
ગોમટા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત નીપજ્યા હતા. જ્યારે તેમાં ઘાયલ યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરંતુ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા વિપુલ નામના યુવાનને તાત્કાલિક સારવાર આપવામાં બદલે રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા હળસેલવામાં આવ્યો હતો.
વિપુલને લોહિયાળ હાલતમાં ખસેડયા બાદ વોર્ડના તબીબો અને સ્ટાફ દ્વારા દર્દીની હાલતની ગંભીરતાને સમજ્યા વગર તેની સારવાર કરવા માટે રાહ જોવડવતા હતા. વિપુલ સાથે રહેલી તેની પત્નીને પણ પતિના સારવાર માટે વલખાં મારવાં પડ્યા હતા. સિવિલ સ્ટાફ દ્વારા ગંભીર યુવાનને સારવાર આપવામાં બદલે ટોળું જમાવીને બેઠા રહ્યા હતા. ત્યાર બાદ ત્યાંથી પસાર થતા કોઈ જવાબદાર વ્યક્તિએ જે તે વિભાગના વડાને જાણ કર્યા બાદ સ્ટાફ દ્વારા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી હતી.