હત્યાને કુદરતી મોતમાં ખપાવી બારોબાર અંતિમ સંસ્કાર કરી દીધાં: પૌત્રએ દાદા-કાકાનો ભાંડો ફોડ્યો
ગોંડલ તાલુકાના ધુડશીયા ગામે દારૂડીયા આધેડના ત્રાસથી કંટાળી પિતા-પુત્રએ માથામાં ધોકાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ પિતા-પુત્રએ હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવી આધેડના બારોબાર અંતિમ સંસ્કાર કરી દીધાં હતાં. ત્યારબાદ પૌત્રએ દાદા અને કાકાનો ભાંડો ફોડતાં પોલીસે પિતા-પુત્ર સામે હત્યા અને પુરાવા નાશ કર્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના ધુડશીયા ગામે રહેતા મેહુલભાઇ મહેશભાઇ મકવાણાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના દાદા મોહન મકવાણા અને કાકા રાજુ મોહન મકવાણાએ ફરિયાદીના પિતા મહેશભાઇ મકવાણાને માથામાં ધોકાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતાં.
આ અંગે મળતી વધુ વિગત મુજબ ગત તા.8મી જાન્યુઆરીના રોજ મહેશભાઇ મકવાણા દારૂના નશામાં ધુડશીયા ગામની સીમમાં ગયા હતાં. જ્યાં આરોપી મોહન મકવાણા અને રાજુ મકવાણા સાથે બોલાચાલી કરી લાકડીથી માર માર્યો હતો. તેના જવાબમાં મૃતક મહેશભાઇના પિતા મોહન અને ભાઇ રાજુએ ધોકા વડે માથામાં માર મારતા આધેડ લોહીયાણ હાલતમાં ઢળી પડ્યા હતાં. જેથી બંને આરોપીઓ ત્યાંથી નાશી ગયા હતાં. ત્યારબાદ બંને આરોપીઓએ મહેશભાઇને હાર્ડ એટેક આવ્યો હોવાનું જણાવી પરિવાર સાથે તેમના અંતિમ સંસ્કાર કરાવી નાંખ્યા હતાં.
જેથી મૃતક મહેશભાઇના પુત્ર મેહુલને આ બાબતે શંકા જતાં તેણે સીમમાં શું બનાવ બન્યો તે અંગે પોતાના કાકા રાજુ અને દાદા મોહનને શખ્ત રીતે પૂછ્યુ હતું. જેમાં બંને આરોપીઓએ મૃતક મહેશભાઇ દારૂના નશામાં મારકૂટ કરતા હોવાથી સામે ધોકાથી હુમલો કરતાં તેનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી મેહુલ મકવાણાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પોતાના કાકા અને દાદા સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એચ.ઝાલાએ મોહન અને રાજુ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.