દસ્તાવેજો ફરિયાદ સાથે રજુ થયા ન હોવાનો બચાવ પક્ષનો વાંધો નીચલી કોર્ટે માન્ય રાખતા ફરિયાદી દ્વારા રિવિઝન અરજી કરી ’તી
અબતક,રાજકોટ
કેસની હકીક્ત જોઈએ તો, ભોજપરા શેરી નં-4, જેલો ચોક પાસે, ગોંડલમાં રહેતા મગન વણપરીયાએ પોતાના અંગત ઉપયોગ માટે સબંધના નાતે રેફ્યુજી કોલોની પાછળ, હંસરાજનગર પાછળ રાજકોટમાં રહેતા કાનજીભાઈ નરશીભાઈ વઘાસીયા પાસેથી રૂ. 30 લાખ મેળવી તે રકમ પરત કરવા રૂપીયા દસ લાખના ત્રણ ચેક ઈસ્યુ કરી આપેલા ત્રણેય ચેક રિટર્ન થતા જુદાજુદા ત્રણ કેસ દાખલ થયા હતા. ત્રણેય કેસોના કામે આરોપી તરફથી ફરિયાદીની ઉલટ તપાસ ચાલી રહેલ હતી ત્યારે જે દસ્તાવેજો રજૂ કર્યા હતા, ’તે દસ્તાવેજ ફરિયાદ દાખલ કરતી વખતે રજુ કરેલ ન હતા,’ તેવા કારણો આપીને અદાલતે ચાલુ જુબાનીએ રજૂ કરેલા દસ્તાવેજોને આંક આપવાની ત્રણેય કેસોમા ફરિયાદીએ આપેલ અરજીઓ નીચેની અદાલતે નામંજૂર કરી હતી, તેથી તેની અદાલતના નિર્ણય સામે મૂળ ફરિયાદી કાનજીભાઈ વઘાસિયાએ સેશન્સ કોર્ટમાં ત્રણ રિવિઝનો દાખલ કરી હતી.
બંને પક્ષોની દલીલો રેકર્ડ પરની હકીકતો લક્ષે લેતા સેશન્સ કોર્ટે ઠરાવ્યું હતું કે ફરિયાદીએ રજૂ કરેલા દસ્તાવેજો ઓથેન્ટિક હોય, તેમજ ફરિયાદીના પુરાવાનો હક ચાલુ હોય ક્લોઝિંગ પુરસીસ આપવામાં ન આવે ત્યાં સુધી ફરિયાદીનો હક્ક ઓપન હોય તેથી દસ્તાવેજો રજૂ કરવા માટે પરવાનગી માંગવાની જરૂરત ન હોય, તેમજ ફરિયાદીને તેનો કેસ પુરવાર કરવા દસ્તાવેજો રજૂ કરતા રોકી શકાય નહીં, તેથી નીચેની અદાલતના દસ્તાવેજોને આંક ન આપવાના ત્રણે હુકમો રદ કરી ત્રણેય રિવિઝન મંજુર કરતો હુકમ કરવામાં આવ્યો છે.ઉપરોક્ત કામમાં ફરિયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયા હતા.