પરિણીતાને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાઈ

અબતક, જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ

ગોંડલમાં રહેતી પરિણીતા ઉપર ત્રણ માસ પૂર્વે પરિચીત શખ્સે દુષ્કર્મ આચર્યાની પતિને જાણ થતાં પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને બેશુધ્ધ હાલતમાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી. શખ્સે પરિણીતા પર બળજબરી કરી હવશનો શિકાર બનાવ્યાના આક્ષેપ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં આવેલા કવાર્ટરમાં રહેતી 27 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતાં બેશુધ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી પોલીસને જાણ કરતાં ગોંડલ પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. પોલીસે ઝેરી દવા પી લેનાર પરિણીતાનું નિવેદન નોંધી કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં ઝેરી દવા પીલેનાર પરિણીતાના પતિએ આક્ષેપ કર્યો છે કે, હરેશ નામનો શખ્સ બોગસ ડોકટર છે અને તે અવાર નવાર તેના વિસ્તારમાં ઘરે ઘરે દર્દીઓને દવા દેવા આવતો હતો. જેથી તેની સાથે સબંધ બંધાતા તે અવાર નવાર પરિણીતાના ઘરે પણ આવતો હતો. ત્રણ માસ પૂર્વે પરિણીતાના પતિ ઘરે ન હતા ત્યારે હરેશ નામના શખ્સે બળજબરી પૂર્વક તેણી સાથે શરીર સબંધ બાંધ્યો હતો. આ અંગે ત્રણ માસ પૂર્વે પતિને જાણ થતાં પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ સિટી પી.આઈ મહેશ સંગાડા અને તપાસના ચક્રોગતિમાન કરી આરોપી ને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી

બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે દુષ્કર્મ થયું છે કે નહીં તે પોલીસ તપાસ અને મેડિકલ રિપોર્ટ બાદ બહાર આવશે હાલ પોલીસ એપીસી કલમ 354 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી રહી છે ઉપરોક્ત બનાવમાં પરણિતા બીમાર હોય અને ખાનગી હોસ્પિટલ નો કમ્પાઉન્ડર ઘર પાસે રહેતો હોય ઘણી વખત સારવાર માટે ઘરે આવતો જતો હતો અને બંને વચ્ચે પરિચય થયો હતો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.