દાળ અને શાકના છાંટા ઉડતા જામનગરથી આવેલા શખ્સે વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા
ગોંડલમાં આવેલા બાલા હનુમાન મંદિરમાં વર્ષોથી સેવા કરતા વૃદ્ધના હાથે ડાળ અને શાક ઉડતા જામનગરથી આવેલા શખ્સે વૃદ્ધને છૂટો લોટો માર્યો હતો. જેમાં વૃદ્ધને ગંભીર ઇજા થયા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં સેન્ટ્રલ ટોકીઝ પાસે આવેલા બાલા હનુમાન મંદિરે રહેતા અને સેવા પૂજા કરતા મહેન્દ્રભાઈ મોનીચંદ જીણોજા નામના વૃદ્ધ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં મંદિરમાં હતા. ત્યારે જામનગરના ભગવાનજી ગઢવી નામના શખ્સે ઝઘડો કરી છૂટો લોટો માર્યો હતો. વૃદ્ધને મોઢાના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પુજારીએ ટૂંકી સારવાર દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગોંડલ સિટી પોલીસમાં જાણ કરતા પીએસઆઈ ગોહિલ સહિતનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો અને મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર ભગવાનજી ગઢવી છેલ્લા દસ દિવસથી જામનગરથી મંદિરે આવ્યો હતો અને ત્યાં રહે છે જ્યારે મહેન્દ્રભાઈ જીણોજા વર્ષોથી મંદિરમાં સેવા પૂજા કરે છે અને ગઈકાલે મહેન્દ્રભાઈ જીણોજાના હાથે શાક અને ડાળ ઉડતા ભગવાનજી ગઢવીએ ઉશ્કેરાઈ જઇ માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમનું ચાલુ સારવારમાં મોત નીપજતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથધરી છે.