ગોંડલના ઉમાવાડા ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારના ચાર વર્ષના માસૂમ બાળકનું ખુલ્લા કૂવામાં પગ લપસી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ પરિવારના બંને માસૂમ બાળકોના પિતા વતનમાં ગયા છે. જ્યારે બંને જુડવા ભાઈઓ અને એક નાનો ભાઈ માતા પાસે રોકાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ એક માસ પહેલા જ મધ્યપ્રદેશના જામ્બવા જિલ્લાના રાણપુર તાલુકાના મોર ઢૂંઢિયા ગામેથી પેટિયું રળવા માટે ગોંડલ આવેલા શ્રમિક પરિવારના મુનશીભાઈ ભુરીયાના ચાર વર્ષના બે જુડવા પુત્રો રોહિત અને અજીત સવારના દસ કલાકના સુમારે રમતા રમતા ભરતભાઈ મેરામભાઈ સટોડીયાની વાડી સુધી પહોંચ્યા હતા.
ખુલ્લા કૂવામાં રોહિતનો પગ લપસી જતા અજીત ગભરાઈ ગયો હતો અને દોડીને તેની માતાને ઘટનાની જાણ કરી હતી. લોકોના ટોળા ભેગા થાય તે પહેલાં તો ચાર વર્ષના રોહિતનું કૂવામાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ નગરપાલિકાના ફાયર ફાઈટર તેમજ સિટી પોલીસને થતા પી.સી ચૌહાણ સહિતનો કાફલો દોડી ગયો હતો અને માસુમ બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી.