- શરાબની 274 બોટલ સહિત રૂ.6.51 લાખનો મુદ્દામાલ કબ્જે: ચાલક ફરાર
ગોંડલ તાલુકા પોલીસની ટીમે ગુંદાળા ગામથી શંકાસ્પદ કારનો ફિલ્મી ઢબે પીછો કરી જામકંડોરણા તરફ જતાં ત્રાકુડા ગામેથી કારને ઝડપી લઇ શરાબની 274 બોટલ કબ્જે કરી હતી. જયારે કાર છોડી નાસી જનાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની દારૂ-જુગારની બદ્દી ડામી દેવાની સૂચનાને પગલે નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા અને પ્રોબેશનલ આઈપીએસ ડો. નવિન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા ડી સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ગુંદાળા ગામે પહોંચતા એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની એક્સયુવી 500 ફોર વ્હીલ કાર શંકાસ્પદ જણાતા તેનો પીછો કરતા કારચાલકે પોલીસને જોઈ કાર જામકંડોરણા તરફ પૂરપાટ ઝડપે હંકારી હતી. દરમિયાન અનિડા, ત્રાકુડા ગામ તરફ ગાડી ભગાડી દેવાબાપાના મંદિર પાસે એક્સયુવી કાર નંબર જીજે-03-ઈએલ-4959 મૂકીને નાશી ગયેલ હતો.
બાદમાં પોલીસ કાર પાસે પહોંચતા ખુલ્લો દરવાજો અને અંદર ચાવી મળી આવી હતી. જે કારની અંદર તપાસ કરતા ગોંડલ તાલુકા પોલીસની ટીમને કારની વચ્ચેની શીટમાં તથા ડીકીમાં જોતા ખાખી કલરના પૂઠાના બોક્સમાંથી અંગ્રેજી દારૂની અલગ અલગ પેટીઓ મળી આવી હતી. જે પેટીઓમાંથી
રૂ.2,51,750ની કિંમતની શરાબની 274 બોટલ મળી આવી હતી. બાદમાં પોલીસે દારૂ, કાર સહીત રૂ. 6,51,750નો મુદ્દામાલ કબ્જે કરી ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ કામગીરીમાં પ્રોબેશનલ આઈપીએસ ડો. નવિન ચક્રવર્તી, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ કાડેજા, જીતેન્દ્રસિંહ વાળા, કોન્સ્ટેબલ રણજિતભાઈ ધાધલ, રવિરાજસિંહ વાળા અને સંજયભાઈ મકવાણા રોકાયા હતા.