આદિમાનવથી લઈને અત્યાધુનિક માનવીના વિકાસમાં આગ, ચક્ર, કપાસ અને નાણાનો સવિશેષ ફાળો રહ્યો છે. આપને જાણીને નવાઈ લાગશે કે કપાસ ? હાં કપાસ. કપાસ એવો રોકડીયો પાક છે જેનો નાળીયેરની જેમ સંપુર્ણ ઉપયોગ થાય છે. કપાસ તેના ત્રણ એફ માટે જાણીતો છે. એક ફાઈબર(રેસા) માટે, બીજું ફુડ અને ફીડ કપાસીયાનું તેલ અને ખોળ માટે માટે, ફોસીલ – ડાળીઓ બળતણ માટે અને ભુસું બાયોકોલ માટે ઉપયોગી છે.
વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
કપાસના જીંડવામાં સફેદ રુંવાટીવાળું ફાઇબર અથવા લીંટ માત્ર 36% હોય છે. બાકીના 62%માં કપાસીયા હોય છે અને એ કપાસીયામાં 13% ખાદ્ય તેલ હોય છે, જેનો ઉપયોગ રસોઈ માટે થાય છે. તેલ કાઢી લીધા પછી વધતા કપાસીયાનો 85% હિસ્સાનો ઉપયોગ ખોળ બનાવવા માટે વપરાય છે. ભારતના કુલ ટેક્સટાઇલ ફાઇબર વપરાશમાં કપાસનો હિસ્સો આશરે બે તૃતીયાંશ જેટલો છે. સરસવ અને સોયાબીન પછી કપાસિયાના તેલનું ઉત્પાદન દેશમાં વનસ્પતિ ઉત્પાદિત તેલમાં ત્રીજા નંબરે છે. પશુઆહારનો ખોળ બનાવવામાં સોયાબીન પછી બીજા સ્થાને કપાસીયાનો ઉપયોગ થાય છે.
પ્રતિ વર્ષ 7 ઓક્ટોબર 2019 થી “વિશ્વ કપાસ દિવસ” વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વિશ્વમાં ભારતના પ્રીમિયમ ક્વોલિટીના કપાસને ’કસ્તુરી કોટન’ તરીકે ઓળખવામાં આવે છે. ’કસ્તુરી કોટન’ બ્રાન્ડ તેની સફેદી, કોમળતા, શુદ્ધતા, ચમક, વિશિષ્ટતા અને ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરે છે. સમગ્ર વિશ્વ ભારતીય મૂળના કપાસને તેના બ્રાન્ડ નેમ અને લોગો પરથી ઓળખે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકલ ટુ વોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ ના સ્વપ્નને ખરા અર્થમાં સાકાર કરે છેકસ્તુરી કોટન બ્રાન્ડ નેમ અને લોગો કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા ભારતમાં 7મી ઓક્ટોબર 2020ના રોજ ભારતમાં ઉગાડવામાં આવતા કપાસ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. પ્રથમ “વિશ્વ કપાસ દિવસ” ઉજવણી 7 ઓક્ટોબર, 2019 ના રોજ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે કરવામાં આવી હતી.
ગુજરાત બાદદેશના કુલ કપાસ ઉત્પાદનમાં આશરે 27% હિસ્સા સાથે ગુજરાત ભારતમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. રાજ્યના મુખ્ય કપાસ ઉગાડતા જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. કપાસની ખેતી માટે ગુજરાતની અનુકૂળ આબોહવા અને સમૃદ્ધ જમીન સૌથી શ્રેષ્ઠ છે. જે પૈકી સમગ્ર રાજકોટ જિલ્લામાં વર્ષ 2022-23 માં કપાસનું કૂલ વાવેતર 2,33,606 હેક્ટરમાં થયું છે જેમાંથી કૂલ ઉત્પાદન 5,30,299 ટન થયું છે હેક્ટર દિઠ કિલોગ્રામની ઉત્પાદકતા 2270 કીલો જેટલી છે. જેમાં સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન ગોંડલ તાલુકામાં 41,800 હેક્ટરમાં 89,870 ટન થયું છે. બીજા ક્રમાંકે રાજકોટમાં તાલુકામાં 29102 હેક્ટરમાં વાવેતર અને ઉત્પાદન 70,427 ટન થયું છે.
આમ, જોઈએ તો નાળીયેરી અને કપાસ બંને પાકો સંપૂર્ણપણે ઉપયોગ કરી શકાય છે, માટે જ એ ખરા અર્થમાં રોકડીયા પાકો કહેવાય છે