દંપતીએ છૂટાછેડા લીધાના 15 દિવસમાં બે સંતાનના મોતની રહસ્યના તાણાવાણા સર્જતી ઘટનાથી ચકચાર
મૃતકના પિતા હિન્દુ હોવા છતાં ઇસ્લામ ધર્મ પ્રત્યે વધુ લગાવ ધરાવતા શંકાના દાયરામાં
ગોંડલ પંથકમાં એક ચોંકાવનારી ઘટના ગઇ કાલે સાંજે ઘટી હતી. જેમાં વોરકોટડા રોડ પર રહેતા બે ભાઇઓએ સાંજે ન્યાઝમાં જમ્યા બાદ ઉલ્ટી થતા એકાએક મોત નિપજ્યું હતું. મૃતકના પિતા હિન્દુ હોવા છતાં ઇસ્લામ ધર્મ પ્રત્યે વધુ લગાવ ધરાવતા તેને શંકાના દાયરામાં રાખી ડીવાયએસપી ઝાલા સહિતના સ્ટાફે સઘન પૂછતાછ હાથધરી છે. બંને બાળકોની માતાએ હજુ 15 દિવસ પહેલા જ છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદ બંને બાળકોના રહસ્યના તાણાવાણા સર્જતી ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે બંને બાળકોના મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં ઝેરી દવાના કારણે બંને ભાઈઓના મોત થયાની શંકાએ મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં વોરકોટડા રોડ પર સબ જેલ પાસે સરકારી આવાસ ક્વાટરમાં રહેતા હરેશ રાજેશભાઈ મકવાણા (ઉ.વ.13) અને તેનો નાનો ભાઈ રોહિત રાજેશભાઈ મકવાણા (ઉ.વ.3) બંનેને ગઇ કાલે સાંજે ઉલ્ટી થયા બાદ ગોંડલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં હાલત ગંભીર જણાતા બંનેને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ટૂંકી સારવારમાં જ બંને ભાઈઓએ દમ તોડતા ગોંડલ સિટી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક હરેશ અને રોહિતના પિતા રાજેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા મજૂરીકામ કામ કરે છે. તેના પત્ની હિરલબેને 15 દિવસ પહેલા જ રમેશભાઈ સાથે છૂટાછેડા લીધા હતા અને બંને બાળકો પિતા સાથે જ રહેતા હતા. પિતા રમેશભાઈ હિન્દુ હોવા છતાં પણ ઇસ્લામ ધર્મ તરફ વધારે લગાવ ધરાવતા હોય જેથી તે બંને બાળકોને લઈને અવારનવાર હાજી મુસા બાવાની દરગાહે લઈ જતો હતો.
ભેદભરમ ભરેલી ઘટનાનો કોયડો ઉકેલવા ડીવાયએસપી ઝાલા સહિતના પોલીસ સ્ટાફની સઘન પૂછપરછ
ઝેરી દવાના કારણે મોત થયાના હોવાની શંકાએ બંને ભાઈઓના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ
ગઇ કાલે સાંજે રમેશભાઈ ગઇ કાલે સાંજે હરેશ અને રોહિત બંને બાળકોને લઈને દરગાહે ગયા હતા. જ્યાં બંને બાળકોએ ન્યાઝમા દાળભાત જમ્યા હતા. ત્યાર બાદ એકાએક બંને બાળકોની તબિયત લથડતા ઉલ્ટીઓ કરવા લાગ્યા હતા. જેથી બંનેને ગોંડલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેનું મોત નીપજતાં ચકચાર મચી ગઇ હતી.
દંપતી વચ્ચે મનમેળ ન આવતા 15 દિવસ પહેલા જ છૂટા થઈ ગયા બાદ બાળકો પિતા સાથે રહેતા હોય અને થોડા દિવસોમાં જ બંને બાળકોના શંકાસ્પદ મોતના કારણે ડીવાયએસપી ઝાલા સહિતના સ્ટાફે આ ભેદભરમ ભરેલી ઘટનાનો કોયડો ઉકેલવા પિતા રમેશભાઈને શંકાના દાયરામાં રાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને ભાઈઓના ઝેરી દવાના કારણે મોત થયા હોવાની શંકાએ મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયા છે.પત્ની છૂટાછેડા લીધા બાદ રમેશભાઈ સાથે રહેતા બંને બાળકો હરેશ અને રોહિતને અવારનવાર દરગાહે લઈ જતા હતા અને ત્યાં ન્યાઝનુ જમતા હતા. હિન્દુ હોવા છતાં પણ ઇસ્લામ ધર્મ તરફ વળેલા પિતાના બંને બાળકોને ગઇ કાલે ન્યાઝનું જમ્યા બાદ મોત થતાં અનેક સવાલો ઉઠ્યા છે. પોલીસે અનેક સવાલો સાથે બાળકોના પિતાની પૂછતાછ શરૂ કરી છે.