૨૯ કિલો ચાંદીની ચાંદી અને પીળી ધાતુની એન્ટીક ચીજ વસ્તુ ધ્રાંગધ્રાં પંથકના ત્રણેય તસ્કર પાસેથી કબ્જે
ગોંડલ સ્ટેટના નવલખા પેલેસને નિશાન બનાવી રૂ.૧૦.૧૬ લાખની કિંમતની ચાંદી અને પીળી ધાતુની એન્ટીક ચીજ વસ્તુની ચોરીના ગુનામાં સંડોવાયેલા ધાંગધ્રાં પંથકના ત્રણ શખ્સોને એલસીબી સ્ટાફે ઝડપી તેની પાસેથી પુરેપુરો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ દરબારગઢ ચોકમાં આવેલા રાજવી પરિવારના નવલખા પેલેસના ભગવતસિંહજી સ્ટેચ્યુ તરીકે ઓળખાતા રૂમ અને ચાંદી રૂમના દરવાજાના તાળા તોડી તસ્કરો રૂ.૧૦.૧૬ લાખની કિંમતની ૨૯ કિલો ચાંદી અને પીળી ધાતુની એન્ટીક ચીજ વસ્તુની ચોરી કરી ગયાની ગોંડલના જેતપુર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા દર્શનભાઇ જીતેન્દ્રભાઇ પીઠવા નામના લુહાર યુવાને ગત તા.૧૭મીએ રાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તસ્કરોએ તા.૯ ડિસેમ્બરના રાતે સવા ત્રણથી સવા ચાર વાગ્યા દરમિયાન એક કલાકમાં નવલખા પેલેસના બંને રૂમના તાળા તોડી રાજાશાહી સમયની એન્ટીક ચીજવસ્તુ ચોરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.દર્શનભાઇ પીઠવાની ફરિયાદ પરથી ગોંડલ સિટી પોલીસ મથકના પી.આઇ. કે.એન.રામાનુજ સહિતના સ્ટાફે ગુનો નોંધી ડોગ સ્કવોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત અને સીસીટીવી ફુટેજ મેળવી એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. ચાવડા, હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ જાની સહિતના સ્ટાફે ધ્રાંગધ્રાં પંથકના દેવીપૂજક પરિવારના ત્રણ શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા ગોંડલના રાજવી પેલેસમાં ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેની પાસેથી એન્ટીક ચિજવસ્તુ કબ્જે કરી છે. ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સની પોલીસે શોધખોળ હાથધરી છે.