અબતક, રાજકોટ
રાજકોટ જિલ્લાનું ગોંડલ ગામ એટલે કે ભગવતસિંહજી બાપુનું ગોંડલીયુ સ્ટેટ એ વખતના દેશી રજવાડાઓમાં સૌથી વિશેષ અને યુનિક હતું અનેક વિશેષતાઓ સાચવીને બેઠેલું ગોંડલ આજે પણ ડગલેને પગલે ગોંડલ બાપુની યાદી અપાવી જાય છે. ભગવતસિંહજી બાપુ નિર્મિત ઓર્ચાડ પેલેસ અને તેમના પૂર્વજોનો નવલખો પેલેસ ગોંડલ સ્ટેટની નિતી-રીતી અને એન્ટીક વસ્તુઓ પ્રદર્શિત કરે છે. ભગવતસિંહજી બાપુનું ટાઉન પ્લાનિંગ પણ જબ્બરજસ્ત હતું. ગોંડલ અને રાજ્યના માર્ગો ખૂબ પહોળા બનાવાયા છે. અન્ડર ગ્રાઉન્ડ વાયરિંગ તેમજ લાઇટીંગ માટે પોલ, પોલ પર ફાનસ જેવા દિવડાં, બિડની જાળી- આ બધું ગોંડલીયા રાજની દેન છે. આકાશમાંથી તમે જુઓ તો લાઇટીંગ દ્વારા ‘ગોંડલ’ વંચાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ‘અબતક’ની ટીમે બંને પેલેસની મુલાકાત લઇ ભગવતસિંહજી બાપુની રાજકાજની રીતભાત, તેમનું મેનેજમેન્ટ, આત્મનિર્ભરતા, દૂરંદેશીતા અને તેમના વારસદારો એટલે કે વર્તમાન રાજવીઓની વેલ્થ ક્રિએશનની વિચારધારા સહિત કેટલી બધી વસ્તુ અંગે નોંધ લીધી છે જે અત્રે પ્રસ્તુત છે.
રૂ.નવ લાખમાં બન્યો હોય એ પેલેસનું નામ પડ્યું નવલખો: માત્ર ચાર કર્મીઓ કરે છે પેલેસની દેખભાળ
ગોંડલના ઓર્ચાડ અને નવલખા પેલેસનું માત્ર 4-4 લોકો જ સંચાલન કરે છે. આટલા મોટા પેલેસ, એમાંય ઓર્ચાડ પેલેસ તો હેરિટેજ હોટેલ બન્યો છે અને નવલખો એન્ટીક ચીજવસ્તુઓ સાચવીને બેઠો છે છતાં માત્ર 4 કર્મચારીઓ જ સંચાલનમાં રોકાયેલાં છે એ બતાવે છે કે ભગવતસિંહજી બાપુની મેનેજમેન્ટની સૂઝ તેમના વારસદારોમાં પણ ઉતરી આવી છે. નવલખો પેલેસ નદીને કાંઠે થોડી હાઇટ ઉપર બનાવવામાં આવ્યો છે જેથી હવા-ઉજાસ અને પર્યાવરણની દ્રષ્ટિએ સાનૂકૂળ રહે છે. નવલખા મહેલમાં રાજાનો નિવાસ ઉપરાંત કારભારીની કચેરીઓ હતી જેને કારણે વનરૂફ મેનેજમેન્ટ થઇ શકે. વળી નવલખાની પ્રિમાઇસીસમાં જુદી-જુદી એન્ટીક ચીજો જેવી કે ભોજનની ડીશ, પાઘડીઓ, રમકડાં, વજન કાંટો, તાંબા-પિત્તળના વાસણો, ઢીંગલી ઘર, મા આનંદમીયીનો પુજારૂમ વગેરે છે.
ગોંડલીયું પહેલેથી જ આત્મનિર્ભર ગોંડલ સ્ટેટમાં બનેલી ચીજોનો જ ઉપયોગ થતો
ભગવતબાપુનું ગોંડલિયું રાજ પહેલેથી જ આત્મનિર્ભરતામાં માને છે. બાપુ પોતે માનતા કે જીવનજરૂરી તમામ વસ્તુ ગોંડલમાં જ નિર્મિત થવી જોઇએ. દરેક વસ્તુ મેઇડ ઇન ગોંડલ હોવી જોઇએ એવા આગ્રહને કારણે ભોજનની પ્લેટથી માંડી તમામ વસ્તુ ગોંડલની હોય એ જ વાપરવાનો તેવો આગ્રહ રાખતા એટલે કે ગોંડલ રાજ આત્મનિર્ભર બને એવો પ્રયાસ હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મર્નિભર ભારતના નિર્માણ માટે પ્રયાસ કરે છે ત્યારે તેમણે ગોંડલ બાપુના સિદ્વાંતનું અભ્યાસ કર્યો હોય એવું લાગે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે પ્લાસ્ટર ઓફ પેરિસની વસ્તુઓનું હબ ગોંડલ હતું. પીઓપીની મૂર્તિઓ વગેરે ગોંડલમાં જ બનતી. આજે વાંકાનેર અને મોરબીમાં ચીનાઇ માટીનો ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે પણ એક સમયે ગોંડલમાં આ ઉદ્યોગ ધમધમતો હતો.
ઓચાર્ડ પેલેસમાં થાય છે બોલિવૂડના ફિલ્મશૂટિંગ: સલમાનખાનને પ્રિય છે ઓર્ચાડ
ભગવતસિંહજી બાપુએ પોતે ગોંડલ શહેરમાં ઓચાર્ડ પેલેસનું નિર્માણ કરાવ્યું હતું, નવલખો મહેલ તેમની વંશપરંપરાગત સંપતિ હતી પણ ઓચાર્ડ પેલેસનું નિર્માણ તેમના કાળમાં કરાવવામાં આવ્યું હતું. આજે ઓચાર્ડ પેલેસ હેરિટેજ હોટેલ તરીકે વિશ્ર્વ પ્રસિદ્વ છે. ખાસ કરીને બોલીવુડની અનેક નામી ફિલ્મોના અહીં શૂટિંગ થયાં છે. બોલિવૂડના કેટલાંય સ્ટાર માટે ઓચાર્ડ મનપસંદ જગ્યા છે. ઓર્ચાડમાં તો ‘હમ દિલ દે ચુકે હૈ સનમ’, ‘પ્રેમ રતન ધન પાયો’ સહિત અનેક હિન્દી ફિલ્મોના શૂટિંગ થયા છે. સલમાન ખાન, ઐશ્ર્વર્યા રાય, અજય દેવગણ, જૈકી શ્રોફ, મિથુન ચક્રવર્તી સહિતના અનેક કલાકારો અહિં શૂટિંગ માટે આવ્યા છે અને રોકાયાં છે. સલમાન ખાન માટે આ પેલેસ ફેવરિટ છે.
વિન્ટેજ કાર કલેક્શન દ્વારા વેલ્થ ક્રિએશન
ભગવત બાપુ પોતે કલાકો સુધી કામ કરતાં. તેમના પરિવારમાંથી કોઇ ફ્રી બેસે એવું બનતુ નહીં. આ સિલસિલો આજે પણ યથાવત છે. આજના રાજવી જ્યોતિન્દ્રસિંહ જાડેજા અને યુવરાજ હિમાશુંસિંહ જાડેજા પણ કર્મયોગી છે તો 77 વર્ષની ઉંમરે મહારાણી આજે પણ 12 કલાક કામ કરે છે. જ્યોતિન્દ્રસિંહ જાડેજા બંને પેલેસ ઉપરાંત મુંબઇનું ઓપેરા હાઉસ જુએ છે તો મહારાણી નવલખા પેલેસનું સુપેરે સંચાલન કરે છે અને પેલેસમાં એકપણ વસ્તુ આડી અવળી થઇ હોય તો તેમના ધ્યાને આવી જાય છે. યુવરાજ હિમાંશુસિંહ વિન્ટેજ કાર કલેક્શન અને રેસિંગનો શોખ ધરાવે છે. હિમાંશુસિંહ અનેક વૈશ્ર્વિક લેવલની કાર રેસમાં ભાગ લઇ ચુક્યાં છે અને અનેક રેસ જીતીને ઇનામો તથા મેડલ મેળવી ચુક્યાં છે. આજે પણ તેઓ કાર રેસિંગ માટે તત્પર રહે છે. ઓર્ચાડ પેલેસમાં 100 જેટલી વિન્ટેજ કારનું કલેક્શનો છે. લોકોને એવું લાગે કે વિન્ટેજ કારમાં ડેડઇન્વેસ્ટમેન્ટ છે. વાસ્તવમાં આ કાર વેલ્થ ક્રિએશનનું કામ કરે છે. 4-5 કરોડની એક કાર દાયકા પછી 10 કરોડથી વધુ રકમની બની જાય છે અને તેને સાચવવા માટે માત્ર 10ડ્ઢ10 ની જગ્યા જોઇએ. અન્ય ઇન્વેસ્ટમેન્ટમાં જોખમો વધુ હોય છે. એની સામે વિન્ટેજ કારમાં ઇન્વેસ્ટમેન્ટ જોખમ વગરનું અને વધુ વળતર આપનારૂં બની રહે છે. પેલેસમાં આજે પણ કોઇ નવી વિન્ટેજ કારની ખરીદી થાય તો તેને ઉપયોગમાં લેતા પહેલાં આખેઆખી ખોલીને તેના એક-એક નટબોલ જુદા કરી ફરીથી ફીટ કરવામાં આવે છે કેમ કે, ભવિષ્યમાં એ કાર બગડે તો તેની ટેકનોલોજીનો ખ્યાલ હોવો જોઇએ. ખૂબીની વાત એ છે કે, કલેક્શનમાં રાખેલી દરેક કાર વર્કિંગમાં છે. ભગવતસિંહજી બાપુ પણ વિન્ટેજ કારનો શોખ ધરાવતાં હતાં. એક વખત એવું બન્યું કે રોલ્સ રોયસ કાર લેવાનું નક્કી કર્યું પણ કંપનીએ કોઇ કારણસર કાર ન આપી, એટલે ભગવત બાપુએ અન્ય રીતે આ કાર ખરીદી તેને ગોંડલ શહેરના કચરાનું પરિવહન કરવા માટે રાખી અને કંપનીને સાફ સંદેશો આપી દીધો કે રોલ્ય રોયની વેલ્યૂ ગોંડલ સ્ટેટ માટે શું છે!
માનવભક્ષી 44 દિપડાઓનો શિકાર કર્યો હતો ગોંડલ સ્ટેટે
નવલખો મહેલ એ વખતે રૂા.9 લાખમાં બંધાયો હોવાથી તેમનું નામ નવલખો રાખવામાં આવ્યું છે ત્યાં વન રૂફ મેનેજમેન્ટ હતું એટલે કે પેલેસમાં જ બધી જ ઓફિસો, રાજવીઓનું નિવાસસ્થાન હતું. બાપુની કચેરીમાં પોતાના આસનની આગળ અને પાછળ મોટા અરિસા રાખવામાં આવ્યા હતા જેથી પીઠ પાછળ કોઇ ઘા ન કરી જાય. કચેરીમાં દીપડાના શબ રસાયણ ભરીને રાખવામાં આવ્યા છે. જે-તે વખતે માનવભક્ષી દિપડાઓનો શિકાર કરવાની જરૂર પડતી ત્યારે રાજવીઓ આ કામ કરતા, ગોંડલ બાપુએ આવા 44 દિપડાઓનો શિકાર કર્યો હતો.
ગોંડલ સ્ટેટ પહેલેથી જ સ્ત્રી સશક્તિકરણનું હિમાયતી
ગોંડલીયા સ્ટેટમાં સ્ત્રી સશક્તિકરણ અને ક્ધયા કેળવણીને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. ગોંડલ બાપુએ સ્ટેટમાં ક્ધયા કેળવણી ફરજીયાત કરી હતી. આવતા દિવસોમાં સ્ત્રી સશક્ત થાય એવા હેતુથી ક્ધયાઓને ભણાવવામાં આવતી હતી. એટલે જ ગોંડલ સ્ટેટની દિકરીઓ પહેલેથી જ આગળ રહી છે. ગોંડલના મહારાણીને પણ વિશ્ર્વ પ્રવાસ કરવો ફરજીયાત હતો જેથી તેને વિશ્ર્વભરની સંસ્કૃતિનું જ્ઞાન થાય. ભારત સરકારે હવે સ્ત્રી સશક્તિકરણ માટે પગલાં ભરવાનું શરૂ કર્યુ છે ત્યારે ગોંડલીયું રાજ પહેલેથી જ આ દિશામાં કામ કરતુ હતું. ગોંડલના નવલખા પેલેસમાં એક સધ્ધર લાયબ્રેરી વસાવવામાં આવી હતી જે આજે પણ યથાવત છે. આ લાયબ્રેરીમાં વિશ્ર્વભરના પુસ્તકો ઉ5સ્થિત છે. ગોંડલના રાજવીઓ પોતે જ વાંચનપ્રેમી રહ્યાં છે. જર્મનીના ઇતિહાસનું એક પુસ્તક અહીં છે જે જર્મની સરકારે રૂા.20 કરોડમાં માંગ્યુ છતા ગોંડલ સ્ટેટે આપ્યુ નથી.
ગોંડલ સ્ટેટને હતી પોતાની રેલવે
ગોંડલ સ્ટેટ પોતાની ખાનગી રેલ્વે પણ ચલાવતું હતું. આજે પેલેસ ઓન વ્હિલ દોડાવવામાં આવે છે ત્યારે ગોંડલના રાજવીઓએ એ વખતે જ જાણે કે પેલેસ ઓન વ્હિલ દોડાવી હતી. આ ટ્રેનમાં જાણે મિની રાજમહેલ હોય એવી વ્યવસ્થા હતી. ઓચાર્ડ પેલેસમાં સાચવેલા રેલ્વે કોચમાં ડ્રોઇંગ રૂમ, કિચન, બેડરૂમ, ડ્રેસિંગ રૂમ, ટોઇલેટ સહિતની બધી વ્યવસ્થા હતી અને રાજવીઓ મુસાફરી કરતા ત્યારે આ ટ્રેન લઇ જતાં. ગોંડલ સ્ટેટને પોતાના રેલ્વે પાટા હતાં. પરિવહનનું મહત્વ તેઓ પહેલેથી જ સમજી ચુક્યાં હતાં. રાજકોટનું જંક્શન ગોંડલ સ્ટેટે બનાવ્યું હતુ એ પછી રાજકોટના રાજવીએ રાજકોટમાં રેલ્વે સ્ટેશન બનાવ્યું.
ખેતીના ભારા ઉપાડતી બહેનો માટે વિસામા ઉભા કર્યા
આખા ગોંડલ રાજમાં માથે ભારા ઉપાડીને જતા ખેડૂત બહેનો માટે વિસામા બનાવવામાં આવ્યા છે એટલે કે નાનામાં નાના માણસની પણ ભગવતબાપુ ચિંતા કરતા હતાં. એક વખત એવું બન્યું કે એક ખેડૂત મહિલા માથે ભારો ઉપાડીને જતી હતી પણ વિસામો લેવા ભારો ઉતાર્યો પછી એ ભારો પોતાનાથી માથા પર મુકાતો ન હતો અને કોઇ વટેમાર્ગુ નીકળી એની રાહમાં હતી ત્યારે ગોંડલ બાપુ ખુદ ત્યાંથી નીકળ્યા અને પેલી ખેડૂત મહિલાએ અજાણ્યા વટેમાર્ગુ માનીને તેમને ભારો ચડાવવા વિનંતી કરી. મહિલાએ કહ્યું કે, રજવાડાએ ભારા મુકવા માટે વિસામા કરવા જોઇએ ત્યારે ગોંડલ બાપુએ કહ્યું કે તમે રજવાડાને કેમ કહેતા નથી? મહિલાએ કહ્યું અમે રજવાડાને આવી વાત કેમ કરી શકીએ. એ પછી ગોંડલ બાપુએ ખેડૂત મહિલાઓની મુશ્કેલી દૂર કરવા ઠેર-ઠેર પથ્થરના વિસામા બનાવી દીધાં હતાં.
પુનાની ફર્ગ્યુસન કોલેજમાં આજેય ગોંડલની બે સીટ અનામત
ગોંડલ સ્ટેટમાં એક નિયમ હતો કે મહેમાન બે દિવસથી વધુ રોકાય તો પછીના દિવસનું બિલ તેમને આપી દેવાતું એનો અર્થ એ નથી કે ગોંડલ બાપુ કંજુસ હતાં પણ પૈસાનો પૂરતો હિસાબ રાખતા અને પ્રજાનો પૈસો વેડફાય નહીં તેની કાળજી રાખતા. પુનાની ફર્ગ્યુસન કોલેજ માટે ડોનેશન આપ્યુ પણ શરત એ મુકી કે બે બેઠક ગોંડલ સ્ટેટ માટે રિઝર્વ રાખવી આ પરંપરા આજેપણ ચાલુ છે એટલે કે મૂળ ગોંડલ સ્ટેટના બે વિદ્યાર્થી રાજવી પરિવારની બેઠક પર એડમિશન લઇ શકે છે.
ગોંડલ રાજમાં બેન્કિંગ સુવિધા કેમ ન્હોતી? એ આજેય રહસ્ય
પ્રજાકીય કામો પછી પણ ભગવત બાપુની એક મુદ્ે ટીકા થઇ છે અને એ મુદ્ો છે બેંકિંગ. ગોંડલીયા રાજમાં ક્યાંય બેંકિંગ સુવિધા કરવામાં આવી ન હોતી. એનું રહસ્ય આજે પણ અકબંધ છે. સંભવ છે કે ભગવતસિંહજીને એવું લાગ્યું હોય બેંકિંગ સુવિધાને કારણે પ્રજાનો પૈસો બીજા રાજમાં જતો રહે. આ અંગે જે-તે વખતે અખબારોએ બાપુની ટીકા કરી હતી અને બાપુએ એક અખબાર ગોંડલ રાજમાં પ્રતિબંધિત કર્યું હતું.
એન્ટીક બગીઓનું મોટું કલેક્શન: શૂટિંગ માટે અપાય છે રેન્ટ પર
ગોંડલીયા સ્ટેટના નવલખા મહેલમાં એન્ટીક બગીઓનું મોટું કલેક્શન છે. રજવાડા વખતની અનેક બગીઓ અહીં રાખવામાં આવી છે. આ દરેક બગી આજે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને ફિલ્મોના શૂટિંગમાં અને સમૃદ્વ લોકોના લગ્ન સમારંભમાં આ બગીઓ રેન્ટ પર અપાઇ છે.